37 લાખ લોકોને કૂતરા કરડ્યા, કેટલા લોકોના થયાં મૃત્યું? સરકારે જાહેર કર્યા આંકડા
- 37 લાખ લોકોને કૂતરા કરડ્યા, કેટલા લોકોના થયાં મૃત્યું? સરકારે જાહેર કર્યા આંકડા
કેન્દ્ર સરકાર તરફથી મંગળવારે (22 જૂલાઈ, 2025) સંસદમાં જણાવ્યું કે 2024 દરમિયાન કૂતરા કરડવાના 37 લાખથી વધારે કેસો નોંધાયા હતા. તો હડકવાના કારણે 54 સંદિગ્ધોના મોત નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે જણાવ્યુ કે, કૂતરાઓના કરડવાના કુલ કેસો અને હડકવાના કારણે સંદિગ્ધ મોતનો આંકડો રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી) દ્વારા રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોથી એકઠો કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે NCDC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2024 માં કૂતરા કરડવાના કુલ કેસોની સંખ્યા 37,17,336 હતી, જ્યારે હડકવાને કારણે શંકાસ્પદ મૃત્યુની કુલ સંખ્યા 54 હતી. SP સિંહ બઘેલે જણાવ્યું હતું કે રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવાની જવાબદારી નગરપાલિકાઓની છે અને તેઓ તેમની વસ્તીને નિયંત્રિત કરવા માટે પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમો લાગુ કરી રહ્યા છે.
પીટીઆઈ અનુસાર કર્ણાટકમાં પાછલા 6 મહિનાની અંદર જ 2.3 લાખથી વધારે કૂતરાઓના કરડવાા કેસ સામે આવ્યા છે. આમાં 19 લોકોને હડકવાના કારણે મોત થયા, જે પાછલા વર્ષોની સરખામણીથી ખુબ જ વધારે છે.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું કે, તે ઉપરાંત કેન્દ્ર સરકારે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960 હેઠળ પશુ જન્મ નિયંત્રણ (એબીસી) નિયમ 2023ને ડ્રાફ્ટ કર્યું છે, જે રખડતા કૂતરાઓની નસબંધી અને હડકવા વિરોધી રસીકરણ પર કેન્દ્રિત છે.
રખડતા પ્રાણીઓને ખવડાવવા સંબંધિત ફરિયાદો પર ભારતીય પશુ કલ્યાણ બોર્ડ યોગ્ય કાર્યવાહી માટે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન, એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન અથવા સંબંધિત સ્થાનિક સંગઠનોને પત્રો લખે છે. મંત્રીએ કહ્યું કે 2024-25 માટે અને જૂન 2025 સુધી બોર્ડે આવા 166 પત્રો જારી કર્યા છે.
આ પણ વાંચો- ‘પરિવારોને મળ્યા ખોટા મૃતદેહ’ અમદાવાદ પ્લેન ક્રેશ પર બ્રિટનના પરિજનોનો દાવો, સરકારે આપ્યો જવાબ