Ajit Pawar: અજિત પવાર અને IPS અધિકારી વચ્ચેની થઈ 'બબાલ'
- મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો થયો વાયરલ (Ajit Pawar)
- IPS અંજના કૃષ્ણા DyCM અજિત પવાર વચ્ચે ફોન પર બોલાચાલી
- અંજાના કૃષ્ણાએ ફોન પર અજિત પવારને ઓળખવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો
Ajit Pawar : મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં IPS અંજના કૃષ્ણા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) ની વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. અંજાના કૃષ્ણાએ ફોન પર અજિત પવારને ઓળખવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો, જેનાથી મામલો વધુ ગરમાઈ ગયો. આ ઘટનાએ અંજના કૃષ્ણાની હિંમત અને પ્રામાણિકતાને ચર્ચામાં લાવી દીધી છે. ચાલો જાણીએ કોણ છે અંજના કૃષ્ણા અને તેમણે UPSC ક્યારે પાસ કરી હતી.
કોણ છે IPS અંજના કૃષ્ણા?
IPS અંજના કૃષ્ણાનું પૂરું નામ અંજના કૃષ્ણા વી.એસ. છે. તેઓ 2023 બેચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કરમાલામાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DSP) તરીકે ફરજ બજાવે છે. અંજના કૃષ્ણાએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022-23માં ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 355 હાંસલ કર્યો હતો.
2022-23માં તેમણે ઓલ ઇન્ડિયા 355મો રેન્ક હાંસલ કર્યો
તેમનો જન્મ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો. તેઓ સાધારણ પરિવારમાંથી આવે છે. તેમના પિતા બીજુ નાના-મોટા કાપડના વેપારી છે, જ્યારે માતા સીના કોર્ટમાં ટાઇપિસ્ટ તરીકે કામ કરે છે. અંજના કૃષ્ણાનું પ્રાથમિક શિક્ષણ તિરુવનંતપુરમની સેન્ટ મેરીઝ સેન્ટ્રલ સ્કૂલ, પૂજપ્પુરામાં થયું. ત્યારબાદ તેમણે HHMSPB NSS કોલેજ ફોર વિમેન, નીરામંકરા, તિરુવનંતપુરમમાંથી BSc ગણિતની ડિગ્રી મેળવી. જે બાદ તેઓએ UPSCની તૈયારી શરૂ કરી. તેમણે મલયાલમ સાહિત્યને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો અને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી. 2022-23માં તેમણે ઓલ ઇન્ડિયા 355મો રેન્ક હાંસલ કર્યો અને IPS અધિકારી બન્યા.
સોલાપુરમાં શું થયું?
આ સમગ્ર મામલો સોલાપુરના મઢા તાલુકાના કુર્ડુ ગામમાંથી શરૂ થયો, જ્યાં ગેરકાયદેસર મુરુમ ખનનની ફરિયાદો મળી રહી હતી. DSP અંજના કૃષ્ણા કાર્યવાહી માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં સ્થાનિક ગ્રામજનો અને NCPના કાર્યકર બાબા જગતાપ સાથે તેમની વાતચીત થઈ હતી. જગતાપે સીધો જ ડેપ્યુટી સીએમ અજિત પવારને ફોન કરીને મોબાઈલ અંજના કૃષ્ણાના હાથમાં આપ્યો હતો.
આ પણ વાંચો -Mumbai Ganesh Visarjan: 400 કિલો RDXથી ઉડાવી દઈશું મુંબઈ, શહેરમાં 14 PAK આતંકીઓ ઘૂસ્યા
"હું તમને ઓળખતી નથી"
અજિત પવારે ફોન પર પોતે ડેપ્યુટી સીએમ અજિત પવાર બોલતા હોવાનું જણાવી કાર્યવાહી રોકવાનો આદેશ આપ્યો હતો, પરંતુ અંજના કૃષ્ણાએ જવાબ આપ્યો કે "હું તમને ઓળખતી નથી, મહેરબાની કરીને તમારા નંબર પરથી મને કોલ કરો." આ સાંભળીને અજિત પવાર લાલઘૂમ થઈ ગયા અને બોલ્યા, "હું તમારી સામે કાર્યવાહી કરીશ, આટલી હિંમત છે તમારી? મારો ચહેરો તો ઓળખશો ને?" ત્યારબાદ તેમણે વીડિયો કોલ કર્યો અને મામલતદાર સાથે વાત કરવા કહ્યું.
આ પણ વાંચો -PM Modi એ Teachers Day ની શુભેચ્છાઓ પાઠવી, શિક્ષકોની પ્રતિબદ્ધતા અને કરુણાની પ્રશંસા કરી
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ બોલાચાલી લગભગ ત્રણ કલાક ચાલી અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગ્રામજનોનો દાવો હતો કે, ખનન ગ્રામ પંચાયતની પરવાનગીથી થઈ રહ્યું હતું, પરંતુ તેઓ કોઈ સત્તાવાર ડોક્યુમેન્ટ રજૂ ન કરી શક્યા. અંજના કૃષ્ણાએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને અંજના કૃષ્ણા, મામલતદાર કે પ્રાંત અધિકારીએ કોઈ નિવેદન આપ્યું નથી. ફક્ત એટલું જ કહેવાયું છે કે મામલાની તપાસ ચાલી રહી છે.