Chhatisgadh: છત્તીસગઢમાં થયેલા 2 એન્કાઉન્ટર દરમિયાન કુલ 30 નક્સલી ઠાર, અમિત શાહે આપી પ્રતિક્રિયા
- બીજાપુર અને કાંકેરમાં થયેલા 2 એન્કાઉન્ટરમાં કુલ 30 નક્સલવાદીઓ માર્યા ગયા
- મોદી સરકારની નક્સલવાદીઓ સામે ઝીરો ટોલરન્સ પોલિસી
- 2024માં કુલ 217 નકસલવાદીઓ ઠાર કરાયા હતા
Chhatisgadh: આજે બીજાપુર જિલ્લામાં 26 અને કાંકેરમાં 4 એમ કુલ 30 નકસલવાદીઓને ઠાર કરવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે. બીજાપુર એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે.અત્યારે પણ બીજાપુર અને કાંકેરમાં અલગ-અલગ એન્કાઉન્ટર ચાલી રહ્યા છે. બીજાપુર એન્કાઉન્ટરમાં બીજાપુર ડીઆરજી, સુકમા ડીઆરજી, કોબ્રા સીઆરપીએફ દળો સામેલ હતા. પશ્ચિમ બસ્તર માઓવાદી વિભાગ સમિતિ અને પીએલજીએ કંપની નંબર 2 આ વિસ્તારોમાં હાજર છે. સુરક્ષા દળો હજૂ પણ સતત શોધખોળ કરી રહ્યા છે.
કુલ 30 નકસલવાદીઓ ઠાર મરાયાઃ
બીજાપુર અને કાંકેરમાં બે નક્સલી એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 30 નક્સલવાદીઓ માર્યા ગયા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. બીજાપુરમાં અત્યાર સુધીમાં 26 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. કાંકેર એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 4 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પર હજુ પણ શોધખોળ ચાલુ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી નક્સલવાદીઓના મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
2024માં કુલ 217 નકસલવાદીઓ ઠાર કરાયા હતાઃ
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે વર્ષ 2024માં માઓવાદીઓ સામે અસરકારક ઓપરેશન દરમિયાન 217 નકસલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. સતત ઝુંબેશ ચાલી રહી છે. આજે વધુ 30ના મૃતદેહ મળી આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયાઃ
આજે છત્તીસગઢમાં સુરક્ષા દળોને કુલ 30 નક્સલવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. આ ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) કહ્યું કે, આજે આપણા સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દય અભિગમ સાથે આગળ વધી રહી છે અને તે નક્સલવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. જેઓ આત્મસમર્પણની તમામ સુવિધાઓ હોવા છતાં આત્મસમર્પણ નથી કરી રહ્યા. આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે.
મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે આપી પ્રતિક્રિયાઃ
બીજાપુર અને કાંકેર એન્કાઉન્ટરમાં જવાનોની સફળતા પર CM Vishnudev Sai દ્વારા સૈનિકોની પ્રશંસા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે જવાનોની હિંમતને સલામ કરીએ છીએ. હવે લોકો બસ્તરની સુંદરતા જોઈ શકશે. આપણા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જીએ સંકલ્પ કર્યો છે કે, 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદને ખતમ કરી દેવામાં આવશે. નક્સલવાદ ખતમ થતાં જ લોકો બસ્તરની સુંદરતા જોઈ શકશે. આ ડબલ એન્જિનનો ફાયદો છે. વિપક્ષના સવાલો પર CM Vishnudev Saiએ કહ્યું કે હારથી વિપક્ષ નિરાશ છે. એટલા માટે તે અમારી કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Kisan Andolan: કિસાન આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર માત્ર 1 કલાકમાં નિર્ણય લઈ શકે છેઃ આપ નેતા સંજય સિંઘ