દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, આ નેતાએ આપ્યું રાજીનામું
- AAP ને મોટો ઝટકો : અબ્દુલ રહેમાન કોંગ્રેસમાં જોડાયા
- દિલ્હી ચૂંટણી પહેલાં AAP ને ઝટકો : અબ્દુલ રહેમાનનું રાજીનામું
- ટિકિટ વિવાદે અબ્દુલ રહેમાનને AAP છોડી કોંગ્રેસનો હાથ પકડાવ્યો
- AAPની 'મુસ્લિમ સમુદાય' પ્રત્યે 'અવગણના'નો આક્ષેપ કરી રહેમાન કોંગ્રેસમાં જોડાયા
AAP MLA Abdul Rehman : દેશની રાજધાની દિલ્હીમાં ભલે ઠંડીનો માહોલ જોવા મળતો હોય પરંતુ અહીં રાજકીય માહોલ સતત ગરમ જોવા મળી રહ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ને એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના અગ્રણી મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ રહેમાને રાજીનામું આપી દીધું છે અને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. રહેમાને આરોપ લગાવ્યો હતો કે AAP સત્તાની રાજનીતિમાં ફસાઈ ગઈ છે અને મુસ્લિમ લઘુમતી સમુદાયના અધિકારોની અવગણના કરી રહી છે.
ટિકિટ વિતરણમાં અસંતોષ અને રાજીનામું
સુત્રોની માનીએ તો, AAP દ્વારા સીલમપુર બેઠક પર ઝુબેર અહેમદને ટિકિટ ફાળવવામાં આવતાં અબ્દુલ રહેમાન નારાજ થયા હતા. તેઓ પહેલેથી જ પાર્ટીની નીતિઓથી અસંતોષિત હતા, જેની અસર આ રાજીનામાંથી જોવા મળી રહી છે. તેમણે આમ આદમી પાર્ટીને અલવિદા કહીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે એટલે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. રહેમાને કહ્યું કે, પાર્ટી હવે લઘુમતીઓના હિતોને નજરઅંદાજ કરી રહી છે અને તેઓ આ વિષય પર ન્યાય માટે લડત ચાલુ રાખશે. આ રાજીનામું તેમની લાંબા સમયથી રહેલી નારાજગીનું પરિણામ છે, ખાસ કરીને જ્યારે તેઓએ 29 ઓક્ટોબરે પાર્ટીના લઘુમતી શાખાના વડા પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં જોડાયા બાદ અબ્દુલ રહેમાને કહ્યું- જ્યારે AAPની રચના થઈ ત્યારે તેમાં સમાનતા અને તમામ ધર્મોને સાથે લઈને ચાલવા જેવા અનેક ગુણો હતા. હવે આમ આદમી પાર્ટી આવું નથી કરી રહી. જ્યારે તાહિર હુસૈનની વાત આવી ત્યારે AAPએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા... પરંતુ જ્યારે નરેશ બાલ્યાનની વાત આવી ત્યારે પાર્ટીના વડા (કેજરીવાલ) કંઈ બોલ્યા નહીં.
દિલ્હી ચૂંટણી 2025 AAP માટે પડકાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી 2025માં યોજાવાની છે, જેમાં તમામ 70 બેઠકો માટે સ્પર્ધા થશે. આમ આદમી પાર્ટી હાલમાં સત્તામાં છે અને અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. આવી સ્થિતિમાં આ રાજીનામું પાર્ટી માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે આ તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવનારી ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે આમ આદમી પાર્ટી આ આંચકામાંથી કેવી રીતે બહાર આવે છે અને વિપક્ષી પાર્ટીઓ તેનો કેટલો ફાયદો તેમના પક્ષમાં કરવામાં સક્ષમ છે. દરમિયાન દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણીને લઈને સક્રિય સ્થિતિમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો: વિપક્ષ ભલે મહેનત કરે, આસાન નથી રાજ્યસભાના અધ્યક્ષને તેમના પદ પરથી હટાવવું!