Covid -19 India: સિંગાપુર- હોંગકોંગ બાદ ભારતમાં ઝેરની જેમ ફેલાઈ રહ્યો છે કોરોના
- સિંગાપુર- હોંગકોંગ બાદ ભારતમાં કોરોનાની એન્ટ્રી
- ભારતમાં 257 એક્ટિવ કેસ સામે આવ્યા
- કેરળ 69,તમિલનાડુ 34,મુંબઈ 44
COVID-19: કોરોના મહામારી પછી ગાયબ થઇ ગયેલી COVID-19 બીમારીએ વિશ્વમાં ફરી દેખા દીધી છે. હોંગકોંગમાં છેલ્લા 10 સપ્તાહમાં 30 ગણો વધારો થઇ રહયો છે. હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ 30 ટકા જેટલા કેસ વધ્યા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહયું છે. ભારતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે દેશમાં કોરોનાના 257 એક્ટિવ કેસ છે.
ભારત સરકારે તાત્કાલિક સાવચેતી રાખીને જરૂરી પગલાં લીધાં
આ બંને દેશોમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે તાત્કાલિક સાવચેતી રાખીને જરૂરી પગલાં લીધાં છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) દ્વારા કરવામાં આવી હતી અને તેમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR), ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોએ હાજરી આપી હતી.
દેશમાં કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી
બેઠકમાં દેશમાં કોવિડ-19 ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ૧૯ મે સુધીમાં, દેશમાં ફક્ત 257 સક્રિય કોરોના કેસ છે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશ માટે ખૂબ જ ઓછી સંખ્યા છે. આમાંના મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા હોય છે અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કોરોના સહિત અન્ય શ્વાસના રોગો પર નજર રાખવા માટે દેશમાં એક મજબૂત અને સક્રિય દેખરેખ તંત્ર પહેલેથી જ અસ્તિત્વમાં છે, જે IDSP (ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ) અને ICMR દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ કોઈપણ સંભવિત જોખમ પર નજર રાખે છે.
સરકાર સંપૂર્ણપણે સતર્ક
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સરકાર સંપૂર્ણપણે સતર્ક છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. મંત્રાલયે તમામ રાજ્યો અને સંબંધિત એજન્સીઓને સતર્ક રહેવા અને કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ પણ આપ્યો છે.
મુંબઈમાં 2 શંકાસ્પદ મોત
કોવિડના વધતા કેસ વચ્ચે, KEM હોસ્પિટલમાં બે મૃત્યુ નોંધાયા છે. આ બંને દર્દીઓના કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે, પરંતુ હોસ્પિટલ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે એક દર્દીનું મૃત્યુ કેન્સરને કારણે થયું હતું અને બીજાનું કિડનીની ગંભીર બીમારીને કારણે થયું હતું. ડોક્ટરો અને બીએમસી અધિકારીઓએ સાવચેતી રાખવા કહ્યું છે અને લોકોને ગભરાવાની નહીં તેવી અપીલ કરી છે.