Air Pollution : દિલ્હી-NCR માં ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનો ત્રિપલ એટેક!
- ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી સાથે પ્રદૂષણનો ત્રિપલ એટેક
- હવાની ગુણવત્તામાં સતત ઘટાડો
- મંગળવારે સવારે ઓછી વિઝિબિલિટીની સ્થિતિ સર્જાઈ
- બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોને ઘરમાં રહેવાની સલાહ
Air Pollution : ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીની શરૂઆત સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. Delhi-NCR સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં મંગળવારે સવારે ઓછી વિઝિબિલિટીની સ્થિતિ સર્જાઈ હતી. તાજેતરમાં અહીં ધુમ્મસ અને ઠંડીની સાથે પ્રદૂષણનો ત્રિપલ એટેક જોવા મળી રહ્યો છે.
હવાની ગુણવત્તામાં ઘટાડો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભારે વધ્યું છે. દ્વારકા, મુંડકા, નજફગઢ સહિતના વિસ્તારોમાં બપોરે AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 500 સુધી પહોંચી ગયો હતો, જે આ સિઝનમાં સૌથી ખરાબ નોંધાયો છે. સમગ્ર દિલ્હીનો AQI 494 પર પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. ડોકટરોએ તમામ માટે ચેતવણી જારી કરી છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોને ઘરમાં રહેવા સલાહ આપવામાં આવી છે.
મુખ્ય વિસ્તારોમાં હવાના પ્રદૂષણના આંકડાઓ
- અલીપુર 500
- આનંદ વિહાર 500
- અશોક વિહાર 500
- પંજાબી બાગ 500
- પુસા 500
- રોહિણી 501
- દ્વારકા 496
- જહાંગીરપુરી 500
- શાદીપુર 498
- વજીરપુર 500
- લોધી રોડ 498
GRAPના ચોથા તબક્કા હેઠળ પ્રતિબંધો લાગુ
એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) દ્વારા GRAPના ચોથા તબક્કા હેઠળ પ્રતિબંધો લાગુ કરાવ્યા છે. જેમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ અને સાર્વજનિક પ્રોજેક્ટ્સમાં બાંધકામ પ્રવૃત્તિઓને સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને નોઈડા જિલ્લામાં નબળી હવાની ગુણવત્તાને કારણે ધોરણ 12 સુધીના શારીરિક વર્ગો સ્થગિત કરાયા છે. આ પ્રદેશોમાં વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન અભ્યાસ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઑનલાઈન વર્ગોમાં ઘટતી હાજરી
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર પરિસ્થિતિને કારણે શાળાઓમાં ફરી ઑનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે ખાનગી શાળાઓમાં નર્સરીથી ધોરણ 9 અને ધોરણ 11 માટે યોજાયેલા ઑનલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી 70થી 75 ટકાના આસપાસ રહી, જ્યારે સરકારી શાળાઓના માત્ર 40થી 50 ટકા વિદ્યાર્થીઓ જ ઓનલાઈન જોડાઇ શક્યા. રોહિણી સ્થિત માઉન્ટ આબુ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ જ્યોતિ અરોરાએ માહિતી આપી હતી કે, ઑનલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી 75 ટકા રહી, જ્યારે ધોરણ 10 અને 12ના શારીરિક વર્ગોમાં 65 ટકાની હાજરી નોંધાઈ હતી. ઓનલાઈન શિક્ષણમાં પ્રતિસાદ મિશ્ર જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે, તો અન્ય વિદ્યાર્થીઓ તેને અનુકૂળ માનતા શાળાના નિયમોનું પાલન કરી રહ્યા છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે દિલ્હી અને પૂર્વી યુપીમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણા અને બિહારના ઘણા વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસની અસર જોવા મળી છે. હિમાચલ પ્રદેશમાં 21 નવેમ્બર માટે ગાઢ ધુમ્મસની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા દર્શાવી છે અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: દિલ્હી જવાનું વિચારો છો તો હમણા માંડી વાળજો, રાજધાનીની હવામાં ફેલાયું ઝેર!