દેશની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષા છે....RSSનું ભાષા વિવાદ પર મોટું નિવેદન
Sunil Ambedkar : RSSના પ્રાંત પ્રચારકોની 3 દિવસીય વાર્ષિક બેઠક રવિવારે 6 જુલાઇએ સંપન્ન થઇ.આ બેઠકમાં જ્યાં સંગઠનાત્મક મામલે અને સંઘના શતાબ્દી વર્ષની યોજનાઓ પર ચર્ચા કરી. સંગઠને દેશ સામેની વિવિધ આંતરિક સુરક્ષા પડકારો અંગે પણ વિચાર વિમર્શ કર્યા. આ સાથે જ ભાષા વિવાદને લઇને પણ ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં 3 પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા
RSS ના પ્રવક્તા સુનીલ આંબેડકરએ (Sangh sunil ambekar) પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠક વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં 3 પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. એક છે સંઘ કાર્ય વિસ્તાર, બીજુ છે શતાબ્દી વર્ષ સમારોહ, અને ત્રીજુ દેશના વિવિધ પ્રાંતોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.
મણિપુરની સ્થિતિને લઇ શું કહ્યું ?
આંબેકરે જણાવ્યું હતું કે બેઠકમાં મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સંઘના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે મેઈતેઈ સમુદાયના લોકોમાં સંઘ દ્વારા કરવામાં આવતા કાર્ય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આંબેકરે કહ્યું હતું કે તેમાં થોડો વધુ સમય લાગશે પરંતુ મણિપુરમાં પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. વધુમાં કહ્યું હતું કે સરહદી વિસ્તારોમાં સંઘ દ્વારા કરવામાં આવેલા કાર્ય પર ચર્ચા કરવામાં આવી હતી. તેઓ તે વિસ્તારોમાં કેવી રીતે કાર્ય કરી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે સંઘ પ્રચારકો કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે, તેમને સંઘના વરિષ્ઠ લોકો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શતાબ્દી વર્ષનો મુખ્ય ઉદ્દેશ્ય
આ વર્ષે બેઠકમાં સંઘ શિક્ષા વર્ગની પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 75 વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. 17690 સ્વયંસેવકોએ તાલીમ લીધી હતી જેમાં 8812 સ્થળોએથી શીખનારાઓએ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે 40 થી 60 વર્ષની વય જૂથ માટે 25 શિક્ષણ વર્ગો યોજવામાં આવ્યા હતા જેમાં 4270 લોકોએ તાલીમ લીધી હતી.RSS નેતાએ જણાવ્યું કે એક વ્યાપક આઉટરીચ પ્રોગ્રામ ચલાવવામાં આવશે જે હેઠળ સમાજના તમામ પ્રકાર, વર્ગ, પ્રોફેશન, વિચારના લોકો સુધી પહોંચવાનું છે. જેમાં પોતાના વિચાર મૂકવા અને તેમની વાતો સમજવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ભાષાને લઇને શું બોલ્યા ?
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સંઘનું હંમેશાથી માનવુ છે કે ભારતની તમામ ભાષા રાષ્ટ્રીય ભાષા છે અને તમામ લોકો પહેલેથી જ પોતાની ભાષામાં શિક્ષણ મેળવે છે. સંઘમાં પહેલેથી જ આ વાત સ્થાપિત છે.