Maharashtra Elections : શાહનો કડક સંદેશ, બળવાખોરોને ગઠબંધનમાં કોઈ સ્થાન નહીં
Maharashtra Elections : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સત્તાધારી ગઠબંધનમાં મોટાભાગની બેઠકો પર સર્વસંમતિ બની ગઈ છે. 278 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. આ મામલે હવે માત્ર 10 બેઠકો બાકી છે, જેમના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP) આજે જ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે.
દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ બેઠક
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં 278 બેઠકો માટે સમજૂતી થઈ હતી. ફડણવીસે એમ પણ કહ્યું કે બાકી રહેલી 10 બેઠકો પર આગામી એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધન માટે સીટોનો મુદ્દો હવે ઉકેલાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 278 બેઠકો પર કઈ પાર્ટી કઈ સીટ પર લડશે તે નક્કી થઈ ગયું છે. ઉમેદવારોને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે.
શાહનો કડક સંદેશ અને બળવાખોરો પર નજર
વળી બીજી તરફ અમિત શાહે મહત્વપૂર્ણ સલાહ આપી છે કે કોઈ પણ પક્ષે બળવાખોરોને ગઠબંધનના મેદાનમાં ઉતારવા નહીં. અમિત શાહે ગઠબંધનના નેતાઓને ત્રણેય પક્ષે કોઈપણ પ્રકારના બળવાખોરોને ઉમેદવારી માટે તૈયાર ન કરવા જણાવ્યું છે. તેમણે એકનાથ શિંદે અને અજિત પવારને સાથે મળીને ચૂંટણી લડવાની સુચના આપી છે. શાહે બળવાખોરો ઉભા ન થાય તે માટે કડક પગલાં લેવાની સલાહ આપી છે, જેથી ગઠબંધન એકમઠ બને.
ફડણવીસની ઉમેદવારી
દેવેન્દ્ર ફડણવીસ આજે સવારે 11 વાગ્યે નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. તેઓ અગાઉ 28 ઓક્ટોબરે નામાંકન ભરવાના હતા, પરંતુ હવે તે પ્રક્રિયા આજે થશે.
PM મોદીની રેલીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પછી મહારાષ્ટ્રમાં ગઠબંધન માટે પ્રચાર અભિયાન શરૂ કરશે. PM મોદી 5 થી 14 નવેમ્બર વચ્ચે મહાયુતિ માટે વોટ માંગશે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલીઓ યોજશે. PM મોદી માત્ર ભાજપ માટે નહીં પરંતુ મહાયુતિના બધા ઉમેદવારો માટે પણ પ્રચાર કરશે.
આ પણ વાંચો: Maharashtra : કોંગ્રેસે ચૂંટણી માટે યાદી જાહેર કરી, પૂર્વ CM ના બે પુત્રોને ટિકિટ મળી