Bengaluru Stampede : કર્ણાટક ક્રિકેટ સંઘમાં ભૂકંપ! બે અધિકારીઓનું રાજીનામું
- કર્ણાટક ક્રિકેટ સંઘમાં ભૂકંપ! બે અધિકારીઓનું રાજીનામું
- KCAમાં હોબાળો: ભાગદોડ માટે જવાબદારી લીધી, રાજીનામું આપ્યું
- પોલીસ તેમની ધરપકડ કરવા માટે બંનેના નિવાસસ્થાને પહોંચી
- બંને ત્યાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું
Bengaluru Stampede : બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર 4 જૂન, 2025ના રોજ થયેલી ભાગદોડની ઘટનાએ કર્ણાટકમાં હડકંપ મચાવ્યો હતો. આ ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રીએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા, જેના પરિણામે કર્ણાટક ક્રિકેટ એસોસિએશન (KCA)ના સેક્રેટરી અને ખજાનચીએ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. જોકે, ગુરુવારે રાત્રે પોલીસ જ્યારે આ બંનેની ધરપકડ કરવા તેમના નિવાસસ્થાને પહોંચી, ત્યારે બંને ઘરમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું, જેનાથી આ કેસમાં રહસ્ય વધુ ગાઢ બન્યું છે.
પોલીસની કાર્યવાહી
આ ઘટના સંદર્ભે પોલીસે અત્યાર સુધીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના એક અધિકારી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ભાગદોડના કારણો અને જવાબદારીઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ઘટના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભીડના નિયંત્રણમાં નિષ્ફળતાને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાએ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અને ઇવેન્ટ મેનેજમેન્ટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
KCAનું નિવેદન
શનિવારે, 7 જૂન, 2025ના રોજ કર્ણાટક ક્રિકેટ એસોસિએશને એક પ્રેસ નોટ જારી કરી, જેમાં આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો. KCAએ જણાવ્યું કે, “છેલ્લા બે દિવસમાં બનેલી આ કમનસીબ અને અણધારી ઘટનામાં અમારી ભૂમિકા અત્યંત મર્યાદિત હતી. જોકે, નૈતિક જવાબદારીને ધ્યાનમાં રાખીને, અમારા સેક્રેટરી અને ખજાનચીએ 6 જૂનના રોજ KCAના પ્રમુખને પત્ર લખીને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.” આ પત્ર પર બંને અધિકારીઓની સહી હોવાનું પણ જણાવાયું છે.
આ પણ વાંચો : તેજસ્વી યાદવના કાફલાને નડ્યો અકસ્માત! 3 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ