CBSE બોર્ડની મોટી જાહેરાત, વર્ષમાં બે વાર લેવાશે 10માં ધોરણની બોર્ડ પરીક્ષા
- CBSEએ એક પ્રેસ કોન્ફરન્સમાં કરી મોટી જાહેરાત કરી
- હવે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે
- ફેબ્રુઆરી અને બીજી મે મહિનામાં લેવામાં આવશે
CBSE 10th Exam New Rules : CBSEએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. હવે 10મા ધોરણની બોર્ડ (cbse 10th exam)પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. પહેલી ફરજિયાત પરીક્ષા ફેબ્રુઆરીના મધ્યમાં અને બીજી મે મહિનામાં લેવામાં આવશે. આનો હેતુ વિદ્યાર્થીઓ પરનું દબાણ ઓછું કરવાનો અને તેમને વધુ સારું પ્રદર્શન કરવાની બીજી તક આપવાનો છે
CBSEએ મહત્વનો નિર્ણય લીધો
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજ કહે છે કે પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવામાં આવશે અને દરેક વિદ્યાર્થી માટે તેમાં બેસવું ફરજિયાત રહેશે. બીજી પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે અને તે સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓને પોતાના ગુણ સુધારવાની જરૂર લાગે છે તેઓ બીજી વખત પરીક્ષા આપી શકશે.
આ પણ વાંચો -PM મોદીએ Axiom-4 ના લોન્ચિંગ બાદ શુભાંશુ શુક્લાને મોકલ્યો ખાસ મેસેજ!
નવો નિયમ શું છે?
CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે માહિતી આપી છે કે હવે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. પહેલો તબક્કો ફેબ્રુઆરીમાં અને બીજો મેમાં યોજાશે. જેમાં પહેલી પરીક્ષામાં બેસવું બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે જ્યારે બીજી પરીક્ષા સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. જો કોઈ વિદ્યાર્થી પહેલા પ્રયાસમાં તેના ગુણથી સંતુષ્ટ ન હોય તો તે બીજી પરીક્ષામાં બેસી શકે છે.
3 વિષયોમાં સુધારો કરવાની તક મળશે
વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષા જેવા કોઈપણ ત્રણ મુખ્ય વિષયોમાં તેમના ગુણ સુધારવાનો વિકલ્પ મળશે. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ ફક્ત તે જ વિષયોમાં પરીક્ષા આપશે જેમાં તેઓ તેમના પ્રથમ પ્રયાસથી સંતુષ્ટ ન હોય.
પરિણામો બે વાર જાહેર કરવામાં આવશે
પહેલી પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં જાહેર કરવામાં આવશે અને બીજી પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓને એક જ શૈક્ષણિક સત્રમાં બે તકો મળશે અને તેઓ તેમની કારકિર્દી અને આગળના અભ્યાસ વિશે સમયસર નિર્ણયો લઈ શકશે.
આંતરિક મૂલ્યાંકન ફક્ત એક જ વાર
CBSEએ પણ સ્પષ્ટતા કરી છે કે હવે આખા વર્ષમાં ફક્ત એક જ વાર આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા પ્રક્રિયાને સરળ અને વધુ પારદર્શક બનાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર નિર્ણય
CBSEની આ નવી પેટર્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની ભલામણો સાથે સુસંગત છે. આ નીતિનો ઉદ્દેશ્ય બોર્ડ પરીક્ષાઓને ઓછી તણાવપૂર્ણ બનાવવાનો અને વિદ્યાર્થીઓને શીખવાની વધુ સારી તકો આપવાનો છે.
લોકોના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય
ફેરફાર પહેલા CBSEએ ફેબ્રુઆરી 2025માં ડ્રાફ્ટ નિયમો જારી કર્યા હતા અને તમામ હિસ્સેદારો પાસેથી સૂચનો માંગ્યા હતા. આ સૂચનોના આધારે આ નવી પેટર્ન તૈયાર કરવામાં આવી છે. CBSEના આ નવા નિર્ણયથી બોર્ડની પરીક્ષાઓ વધુ લવચીક અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનશે. હવે વિદ્યાર્થીઓને તેમની ભૂલો સુધારવા અને વધુ સારું પ્રદર્શન કરવાની બે તક મળશે જેનાથી પરીક્ષાનો તણાવ ઓછો થશે અને આત્મવિશ્વાસ વધશે.