Bihar : ચૂંટણી પંચના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ ચક્કાજામ, રાહુલ ગાંધી - તેજસ્વી યાદવ જોડાયા
- આજે મહાગઠબંધને બિહારમાં ચક્કાજામ કર્યો
- મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો આ વિરોધમાં સામેલ થયા છે
- રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ ચૂંટણી પંચના કાર્યાલય તરફની કૂચમાં સામેલ થયા
Bihar : આજે મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ (EC) દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન સામે રાજ્યવ્યાપી ચક્કાજામ કર્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP પાર્ટી અને જન અધિકાર પાર્ટી (પપ્પુ યાદવ) સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો આ વિરોધમાં સામેલ થયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પટના પહોંચ્યા છે અને તેજસ્વી યાદવ (Tejaswi Yadav) સાથે ચૂંટણીપંચ કાર્યાલય સુધીની કૂચમાં જોડાયા છે.
મહાગઠબંધનના તમામ પક્ષો જોડાયા
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સમીક્ષા (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-SIR) વિરુદ્ધ મહાગઠબંધને બાયો ચડાવી છે. મહાગઠબંધને આ અભિયાન વિરુદ્ધ આજે બિહારમાં ચક્કાજામ કરી દીધો છે. આ વિરોધના અંતર્ગત મહાગઠબંધને ચૂંટણીપંચ કાર્યાલય સુધીની કૂચનું પણ આયોજન કર્યુ છે. જેમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP પાર્ટી અને પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો આ વિરોધમાં સામેલ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી કાર્યાલય સુધીની કૂચમાં તેજસ્વી યાદવ સાથે જોડાયા છે.
બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને રોકી દેવાઈ
મહાગઠબંધન કાર્યકરોએ દરભંગા રેલવે સ્ટેશન પર દરભંગાથી દિલ્હી જતી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (Bihar Sampark Kranti Express) ને રોકીને વિરોધ કર્યો છે. વિરોધીઓ રેલવે ટ્રેક પર બેસી ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ઉપરાંત પટના, જહાનાબાદ અને દરભંગામાં ટ્રેનો રોકી દેવામાં આવી છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે અને ટાયરો સળગાવીને દેખાવો કરવામાં આવી રહ્યા છે. બિહારમાં ચક્કાજામના ભાગ રૂપે કોંગ્રેસના કાર્યકરોએ સચિવાલય હોલ્ટ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક બ્લોક કર્યો. પટનાના માનેર વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-30 પર બિહાર બંધના સમર્થનમાં મહાગઠબંધનના કાર્યકરોએ ટાયરો સળગાવ્યા. આરજેડીના કાર્યકરોએ ગાંધી સેતુ (Gandhi Setu) બ્રિજ બંધ કરી દીધો છે. પટનાથી હાજીપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા શહેરો સુધી પહોંચવા માટે આ બ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બ્રિજ બંધ થવાથી પટનાથી આ શહેરોમાં જતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.
સત્તા પક્ષે બિહાર બંધને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા (Vijay sinha) એ મહાગઠબંધન દ્વારા કરવામાં આવેલા બિહાર બંધને દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. જો ચૂંટણી પંચ જાગૃતિ ફેલાવવા માંગે છે, તો તેમાં શું ખોટું છે. આ કોઈ જાતિ કે પક્ષ માટે નથી પરંતુ દરેક માટે છે. બહારના લોકો ખોટા મતદાન ન કરી શકે તેનો આ લોકો વાંધો કેમ ઉઠાવે છે?