Dr. Nusrat Parveen નોકરીમાં જોડાયા, મુખ્યમંત્રીએ હિજાબ ખેંચતા વિવાદ સર્જાયો હતો
- મુખ્યમંત્રીએ મહિલાનો હિજાબ હટાવવાનો પ્રયાસ કરતા વિવાદ સર્જાયો હતો
- આ ઘટના બાદ મુખ્યમંત્રી વિપક્ષના નિશાને આવ્યા હતા
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
- આખરે મહિલા તબીબ આજે ફરજ પર જોડાયા છે
Dr. Nusrat Parveen Join Duty In Bihar : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં એક કાર્યક્રમમાં "હિજાબ" ના કારણે ચર્ચામાં આવેલી મહિલા ડોક્ટર નુસરત પરવીન આખરે પોતાની નોકરીમાં જોડાઈ ગયા છે. બાંકા સિવિલ સર્જન ડૉ. અવિનાશ કુમાર સિંહે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ડો. નુસરત સત્તાવાર રીતે નોકરીમાં જોડાઈ ગઈ છે.
જોઇનિંગ રિપોર્ટ સબમિટ કર્યો
સિવિલ સર્જન ડૉ. અવિનાશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, નુસરત પરવીનનું મેડિકલ ચેકઅપ 6 જાન્યુઆરીએ પૂર્ણ થયું હતું. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી, તેણીએ તે જ દિવસે પોતાનો જોઇનિંગ રિપોર્ટ સબમિટ કર્યો હતો. જો કે સિવિલ સર્જને આ સંવેદનશીલ બાબત વિશે કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું, પરંતુ તેમણે તેણીના જોઇનિંગની પુષ્ટિ કરી હતી.
હિજાબ દૂર કરવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો
ગયા મહિને, બિહાર સરકારના નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ દરમિયાન, જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્ટેજ પર ડૉ. નુસરત પરવીનનો નિમણૂક પત્ર રજૂ કરતી વખતે, તેમના ચહેરા પરથી તેમનો હિજાબ દૂર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ મુદ્દો ગરમાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, વિપક્ષે સરકારની આકરી ટીકા કરી, અને તેને મહિલાની ગોપનીયતા અને ધાર્મિક ઓળખ પર આક્રમણ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિપક્ષના નિશાને આવતા રહ્યા
વિડિયો વાયરલ થયા પછી, રાષ્ટ્રીય જનતા દળ (RJD) સહિત સમગ્ર વિપક્ષે મુખ્યમંત્રીના વર્તનની આકરી ટીકા કરી હતી. વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે, જાહેર મંચ પર મહિલા અધિકારી પ્રત્યે આ પ્રકારનું વર્તન અયોગ્ય હતું. આ મુદ્દાના કારણે ઘણા દિવસો સુધી બિહારના રાજકારણને ગરમાવો આવ્યો હતો, અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષી પક્ષોના નિશાના પર બન્યા હતા.
આ પણ વાંચો ------ જમ્મુના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર, આતંકવાદીઓને ઘેર્યા


