Uttarakhand મ્યુનિસિપલ ઇલેક્શનમાં ભાજપનો પ્રચંડ વિજય, મેયરની 11 માંથી 10 બેઠકો પર ભગવો લહેરાયો
- ઉત્તરાખંડ મ્યુનિસિપલ ઇલેક્શનમાં ભાજપનો પ્રચંડ વિજય
- મેયરની 11 બેઠકોમાંથી 10 બેઠકો પર ભગવો લહેરાયો
- એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય
Uttarakhand Municipal Election Results : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ઉત્તરાખંડ મ્યુનિસિપલ ઇલેક્શનમાં પ્રચંડ વિજય મેળવ્યો છે. મેયરની 11 બેઠકોમાંથી 10 બેઠકો પર ભગવો લહેરાયો છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. આ સાથે, નગર પરિષદો અને નગર પંચાયતો ફરી એકવાર ભાજપ દ્વારા કબજે કરવામાં આવી છે.
ભાજપે મેયરની 10 બેઠકો જીતી
ઉત્તરાખંડ સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનના પરિણામો અંગે રાજ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમારે જણાવ્યું હતું કે, ભાજપે 10 મેયર બેઠકો જીતી છે, જ્યારે પૌરી જિલ્લામાં શ્રીનગર મેયર બેઠક પર એક અપક્ષ ઉમેદવારે કબજો કર્યો છે. 23 જાન્યુઆરીએ 11 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 43 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 46 નગર પંચાયતો માટે મતદાન યોજાયું હતું અને આજે 26 જાન્યુઆરીએ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, મત ગણતરી હજુ ચાલુ છે.
શ્રીનગરના મેયર પદ પર અપક્ષ ઉમેદવારની જીત
ભાજપ તરફથી, દેહરાદૂનથી સૌરભ થાપલિયાલ, ઋષિકેશથી શંભુ પાસવાન, કાશીપુરથી દીપક બાલી, હરિદ્વારથી કિરણ જયસદલ, રૂરકીથી અનિતા દેવી, કોટદ્વારથી શૈલેન્દ્ર રાવત, રુદ્રપુરથી વિકાસ શર્મા મેયર પદે જીત્યા છે, જ્યારે અલ્મોડામાં અજય વર્મા, પિથોરાગઢમાં કલ્પના દેવલાલ અને હલ્દવાનીમાં ગજરાજ બિષ્ટે મોટા માર્જિનથી જીત મેળવી છે. પૌરી જિલ્લાના શ્રીનગરના મેયર પદ પર અપક્ષ ઉમેદવાર આરતી ભંડારીએ જીત મેળવી છે.
આ પણ વાંચો : Republic Day: અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ, સૈનિકોમાં અતિ ઉત્સાહ... દેશભક્તિનો દરિયો છલકાયો
કોંગ્રેસ ખાતું ખોલી શકી નથી
2018 માં યોજાયેલી છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે મેયર બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે પોતાનું ખાતું ખોલી શકી નથી. નગર પરિષદોમાં પણ ભાજપ અને અપક્ષ પછી કોંગ્રેસ ત્રીજા સ્થાને રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 65.4 ટકા મતદાન થયું છે. આ ચૂંટણીમાં કુલ 5,405 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 11 મેયર પદ માટે 72, શહેર પરિષદ પ્રમુખ માટે 445 અને શહેર કાઉન્સિલરો અને સભ્યો માટે 4,888 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
સીએમએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
સીએમ પુષ્કર સિંહ ધામીએ ભાજપના તમામ વિજેતા ઉમેદવારોને હાર્દિક અભિનંદન આપ્યા અને કહ્યું, જનતાએ સક્ષમ પ્રતિનિધિઓ ચૂંટ્યા છે. હવે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામ છે કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં વિકાસને વેગ આપે અને વ્યવસ્થાને મજબૂત બનાવે. પાર્ટીનો ઉદ્દેશ્ય મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા સ્વચ્છ અને હરિયાળા શહેરની વિભાવનાને જમીની સ્તરે અમલમાં મૂકવાનો છે, જેથી ભારત અને વિદેશથી રાજ્યમાં આવતા પ્રવાસીઓ સકારાત્મક અને પ્રેરણાદાયી અનુભવો સાથે પાછા ફરે. તેમણે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવા બદલ રાજ્ય ચૂંટણી પંચનો પણ આભાર માન્યો.
આ પણ વાંચો : Mahakumbh : ત્રિવેણી સંગમ પર પવિત્ર ગંગાજળનો અદભૂત સાક્ષાત્કાર! જુઓ Video