Buddha Purnima 2025: બુદ્ધનું જીવન, વિપશ્યના અને પ્રેરણાદાયી અનુભવો
Buddha Purnima 2025: આજે બુદ્ધ પૂર્ણિમા, એટલે કે બુદ્ધ જયંતિ, બુદ્ધ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ અને જ્ઞાન પ્રાપ્તિ તરીકે જોવામાં આવે છે. આ દિવસ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આપણને આપણા અંતરની શાંતિ અને જીવનના સાચા હેતુને સમજવાનો પણ એક અવસર છે. આ લેખમાં આપણે ગૌતમ બુદ્ધના પ્રેરણાદાયી જીવન અને તેમના શીખવેલા વિપશ્યના ધ્યાનની રસપ્રદ અને ઉપયોગી ઝાંખી કરીશું.
ગૌતમ બુદ્ધ: રાજકુમારથી જ્ઞાની સુધીની યાત્રા
ગૌતમ બુદ્ધ, જેમનું મૂળ નામ સિદ્ધાર્થ ગૌતમ હતુ, ઈ.સ. પૂર્વે 563ની આસપાસ લુંબિની (આજનું નેપાળ)માં કપિલવસ્તુ નગરીમાં શાક્ય વંશના રાજકુમાર તરીકે જન્મ્યા હતા. તેમનું બાળપણ અને યુવાની રાજસી વૈભવ, સુખ-સુવિધાઓ અને ઐશ્વર્યમાં વીત્યું. તેમના પિતા, રાજા શુદ્ધોદન, ઇચ્છતા હતા કે સિદ્ધાર્થ એક મહાન રાજા બને. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. રાણી મહામાયા તેમના માતા હતા. સિદ્ધાર્થના જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેમને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. 16 વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.
બુદ્ધના જન્મ બાદ જ્યોતિષની આગાહી
ભારતીય પરંપરા અનુસાર, રાજાએ રાજ્યના શ્રેષ્ઠ જ્યોતિષીને તેના નાના રાજકુમાર ( સિદ્ધાર્થ ગૌતમ)ની કુંડળી બતાવવા માટે આમંત્રણ આપ્યું. જ્યોતિષીએ રાજકુમારના જન્મ સમયે બધા ગ્રહો જોઈને કહ્યું, “હે રાજા, મને માફ કરો પણ તમારો આ પુત્ર એક મહાન સન્યાસી બનશે, પણ રાજા નહીં બને. તેમની કુંડળીમાં ઉત્તમ ગ્રહયોગો છે પણ રાજયોગ નથી.
આ સાંભળીને રાજા શુદ્ધોદન હતપ્રત રહી ગયા. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર સિદ્ધાર્થ ગૌતમ એક યોદ્ધા બને. તેમણે જ્યોતિષને કહ્યું, "હે સ્વામીજી, કૃપા કરીને મને માર્ગદર્શન આપો, હું મારા પુત્રને સંન્યાસથી કેવી રીતે દૂર કરી શકું?" રાજાની વાત સાંભળીને જ્યોતિષી કહ્યું કે હે રાજા, જે નિયતિએ સર્જ્યું છે તે તો થઈને જ રહે છે, પરંતુ સન્યાસથી દુર રહેવાનો ઉપાય બતાવતા જ્યોતિષીએ રાજાને કહ્યું કે, તમારા પુત્રને જીવનના દુ:ખ જોઈને જ સન્યાસ લેવાનું મન થશે, તેથી દુ:ખથી દૂર રહેવું એ જ એક ઉપાય છે."
આ સાંભળીને રાજા શુદ્ધોદને પુત્રને દુ:ખથી મુક્ત રાખવા માટે તમામ યોગ્ય વ્યવસ્થા કરી. મહેલોમાં તમામ વૈભવી સુવિધાઓ બનાવવામાં આવી, જેથી સિદ્ધાર્થને ક્યારેય દુ:ખ ન જોવું પડે. પરંતુ એક સમય તો એવો આવવાનો જ હતો કે બુદ્ધ આ તમામ દુખોને જોશે.
દુ:ખ અને દુ:ખમાંથી મુક્તિ
એક દિવસ અચાનક સિદ્ધાર્થ તેના રથના સારથિ સાથે, તમામ સુરક્ષા વ્યવસ્થાઓને કોરાણે મૂકીને રાજ્યનાં પ્રવાસ માટે રવાના થયા, જ્યાં રસ્તામાં તેમણે પહેલી વાર એક અંતિમયાત્રા જોઈ. અંતિમયાત્રા જોઈને તેમને મૃત્યુ અને રોગના દુ:ખની ખબર પડી. મૃતકને ખભા પર લઈ જતી વખતે બધા વિલાપ કરી રહ્યા હતા તે જોઈને સિદ્ધાર્થનું મન વ્યથિત થઈ ગયું. તેઓ આ દુ:ખમાંથી બચવાનો માર્ગ શોધવા લાગ્યા. આગળ ચાલતાં ચાલતાં તેમણે એક સાધુને જોયા તો તેમના મનમાં શાંતિની લાગણી જોઈને આશ્ચર્ય થયું. આ પહેલી વાર હતું જ્યારે તેમણે દુ:ખ અને દુ:ખમાંથી મુક્તિ બંને એક સાથે જોયા.
જીવનની નશ્વરતા અને દુઃખનો સામનો કરવા માટે તેમનું હૃદય વ્યાકુળ રહેતું. નગરની બહાર ફરવા નીકળેલા સિદ્ધાર્થે એક વૃદ્ધ, એક રોગી, એક મૃત શરીર અને એક સંન્યાસીને જોયા. આ ચાર દૃશ્યોએ તેમના જીવનનું દિશાબોધ બદલી નાખ્યું. તેઓ હંમેશા વિચારતા હતા કે સંસારમાં જ્યાં જોવો ત્યાં દરેક લોકો કોઈને કોઈ વાતને લઈને દુખી છે. બુદ્ધ તમામ લોકોને દુખોમાંથી મુક્તી મળે તે માટે કોઈ માર્ગ શોધવા માંગતા હતા. બુદ્ધ માનતા હતા કે આ તમામ દુખોનુ કોઈ તો નિવારણ હોવુ જોઈએ. તેઓ હંમેશા આ વાતને લઈને વ્યથિત રહેતા.
6 વર્ષની કઠોર તપસ્યા બાદ નિર્વાણ
29 વર્ષની ઉંમરે, એક દિવસ અચાનક જ સિદ્ધાર્થ પોતાનું રાજસી જીવન, પત્ની યશોધરા અને પુત્ર રાહુલને ત્યજીને સત્યની શોધમાં નીકળી પડ્યા. તેમણે ઘણા ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું, કઠોર તપશ્ચર્યા કરી, પરંતુ તેઓ સત્યના એ માર્ગ સુધી પહોંચવામાં સફળ ન થયા. સત્યની શોધ એટલે તમામ દુખોમાંથી મુક્તીનો માર્ગ. અંતે, તેઓ બોધગયામાં એક પીપળાના ઝાડ નીચે ધ્યાનમાં બેસી ગયા અને કઠોર તપસ્યા કરી. આખરે, 6 વર્ષની કઠોર તપસ્યા બાદ 35 વર્ષની ઉંમરે, તેમને નિર્વાણ (જ્ઞાન) પ્રાપ્ત થયું. ત્યારથી તેઓ "બુદ્ધ" એટલે કે "જ્ઞાની" તરીકે ઓળખાયા.
બુદ્ધે પોતાનું બાકીનું જીવન લોકોને ધર્મ, શાંતિ અને કરુણાનો માર્ગ શીખવવામાં વિતાવ્યું. તેમના ઉપદેશોમાં ચાર આર્ય સત્યો, અષ્ટાંગિક માર્ગ અને વિપશ્યના જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જે આજે પણ લાખો લોકોના જીવનને પ્રકાશિત કરે છે. બુદ્ધે તપસ્યા કરી વિપશ્યનાનો માર્ગ શોઘ્યો. વિપશ્યના એટલે મનના વિકારોથી મુક્તિ અપાવતી સાધના. તો આજે આપણે આ વર્ષો જુની વિદ્યા વિપશ્યના વિશે સમજીએ.
વિપશ્યના: અંતરની શાંતિનો માર્ગ
વિપશ્યના, જેનો અર્થ થાય છે "અંતર્મનથી સ્પષ્ટ રીતે જોવું", એ બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલ એક પ્રાચીન ધ્યાન પદ્ધતિ છે. આ પદ્ધતિ મનને શાંત કરીને, વાસ્તવિકતાને યથાર્થ રીતે સમજવામાં મદદ કરે છે. વિપશ્યના એ એક વૈજ્ઞાનિક અને વ્યવહારિક પ્રક્રિયા છે, જે કોઈ ધાર્મિક બંધન વિના દરેક વ્યક્તિ માટે છે.
થોડુ સરળ રીતે સમજીએ તો, સમજો કે એક છે પશ્યના, પશ્યના એટલે કે આપણે આપણી નરી આંખોથી જે પણ જોઈ શકીએ છીએ તે તમામ વસ્તુ કે વ્યક્તિ. ઉદાહરણ તરીકે હું રસ્તા પર બસ જોઈ શકુ છુ, જો મને ક્યાંય વાગ્યુ છે તો હુ તે નિશાન જોઈ શકુ છું. એટલે કે એ તમામ વસ્તુઓ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આ થઈ પશ્યના અંગે વાત. પણ શું આપણે આપણી આંખોથી આપણા શરીરની અંદર જોઈ શકીએ છીએ ? શું આપણે આપણા મન પર, ગુસ્સા પર કોઈ કાબુ રાખી શકીએ છીએ ? શું આપણુ મન આપણા કહ્યામાં છે ખરુ ?
હવે આનાથી ઉલટું વિપશ્યના એટલે કે આપણે આપણા અંતર્મનથી જે જોઈ શકીએ તે. જેમ કે હું વિપશ્યના કરતા કરતા એક સમયે મારા અંતર્મનથી હું મારા શરીરની અંદર સુધી પહોંચી શકીશ. હું મારા મનના તમામ વિકારોને દુર કરી શકીશ, દુખ આવે કે સુખ બન્ને પરિસ્થિતિમાં સંયમતા રહે એ સ્થિતિને વિપશ્યના કહેવાય.
વિપશ્યનાનો સાર
1. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો: વિપશ્યનાની શરૂઆતમાં, ધ્યાન કરનાર વ્યક્તિ પોતાના શ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રક્રિયા મનને શાંત અને એકાગ્ર કરે છે. આ પ્રક્રિયાને આનાપાનની સાધના કહેવાય છે.
2. શરીરની સંવેદનાઓનું નિરીક્ષણ: ધ્યાનના આગળના તબક્કામાં, વ્યક્તિ પોતાના શરીરની સંવેદનાઓ (જેમ કે ગરમી, ઠંડક, દુખાવો)ને નિરપેક્ષ રીતે જુએ છે, એટલે કે તેની સાથે જોડાયા વિના કે વિરોધ કર્યા વિના. જેમ છે તેમ જ
3. અનિત્યતાની સમજ: વિપશ્યના શીખવે છે કે દરેક સંવેદના અને ભાવના ક્ષણિક છે. આ સમજણથી વ્યક્તિ લોભ, ગુસ્સા અને અજ્ઞાન જેવી નકારાત્મક ભાવનાઓથી મુક્ત થાય છે.
વિપશ્યનાના ફાયદા
- માનસિક શાંતિ: નિયમિત વિપશ્યના ધ્યાનથી તણાવ, ચિંતા અને ડિપ્રેશન ઘટે છે.
-આત્મ-જાગૃતિ: વ્યક્તિ પોતાના વિચારો અને ભાવનાઓને વધુ સારી રીતે સમજે છે.
- સંબંધોમાં સુધારો: કરુણા અને સમજણ વધવાથી આંતરવ્યક્તિગત સંબંધો મજબૂત બને છે.
- જીવનનો હેતુ: વિપશ્યના જીવનની અનિત્યતા અને સાચા સુખનો માર્ગ દર્શાવે છે.
વિપશ્યના અનુભવ
વિપશ્યના સામાન્ય રીતે 10 દિવસના રહેણાંક કોર્સમાં શીખવવામાં આવે છે, જેમાં સંપૂર્ણ મૌન (આર્ય મૌન) અને દિવસના 10-12 કલાક ધ્યાનનો સમાવેશ થાય છે. આ કોર્સ ભારત અને વિશ્વભરમાં ધમ્મ નામના કેન્દ્રોમાં મફતમાં ઉપલબ્ધ છે, જે દાન પર ચાલે છે. ઘણા લોકો જણાવે છે કે આ કોર્સ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યો.
નીચે કેટલાક લોકોના પ્રેરણાદાયી અનુભવો છે
1. ગાંધીનગરના પિયુષસિંહ સોલંકી: પિયુષ, પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, કામના તણાવ અને ચિંતાને કારણે તેઓ વિપશ્યના કોર્સમાં જોડાયા. તે કહે છે, "પહેલા બે દિવસ મારું મન ખૂબ ભટકતું હતું. મૌન રાખવું અને લાંબા સમય સુધી બેસવું મુશ્કેલ હતું. પણ ચોથા દિવસે, જ્યારે મેં શરીરની સંવેદનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારે મને એક અજાણી શાંતિનો અનુભવ થયો. કોર્સ દરમિયાન મેં મારા શરીર અને મનની ઊંડી સમજ મેળવી. હવે હું દરરોજ ધ્યાન કરું છું, અને મારો ગુસ્સો અને અધીરાઈ ઘણી ઓછી થઈ ગઈ છે." હું એમ કહી શકુ કે વિપશ્યના કર્યા બાદ મારુ જીવન બદલાઈ ગયુ.
2. અમદાવાદના જીગરનો અનુભવ: જીગર, જે એક ધંધાર્થી છે, લાંબા સમયથી ઊંઘની સમસ્યા અને નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હતા. તેમણે ધમ્મ ગિરિ (મીઠા) ખાતે વિપશ્યના કોર્સ કર્યો. તેઓ જણાવે છે, "કોર્સ દરમિયાન મેં મારા શરીર અને મનની ઊંડી સમજ મેળવી. એક દિવસ ધ્યાનમાં મને ખ્યાલ આવ્યો કે મારી ચિંતાઓ ક્ષણિક છે. આ સમજણથી હું હળવો થઈ ગયો. હવે હું વધુ સ્પષ્ટતાથી નિર્ણય લઉં છું અને રાત્રે સારી ઊંઘ પણ આવે છે."
આ અનુભવો દર્શાવે છે કે વિપશ્યના દરેક વ્યક્તિ માટે અલગ-અલગ રીતે કામ કરે છે, પરંતુ તેનો મૂળ હેતુ – આત્મ-જાગૃતિ અને શાંતિ – દરેકને મળે છે.
બુદ્ધનો સંદેશ
બુદ્ધનું જીવન અને તેમના ઉપદેશો આજના આધુનિક યુગમાં પણ એટલા જ પ્રસ્તુત છે. આપણે દોડધામ, તણાવ અને અશાંતિના યુગમાં જીવીએ છીએ, જ્યાં બુદ્ધનો સંદેશ – “અંદરની શાંતિ શોધો” – એક દીવાદાંડી જેવો છે. વિપશ્યના જેવી પદ્ધતિ આપણને ન માત્ર મનની શાંતિ આપે છે, પરંતુ આપણને એક વધુ કરુણામય અને સભાન વ્યક્તિ બનાવે છે.
બુદ્ધે કહ્યું હતું, “અપ્પ દીપો ભવ”– પોતાનો દીવો પોતે બનો. આ બુદ્ધ પૂર્ણિમા પર, ચાલો આપણે બુદ્ધના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લઈએ. વિપશ્યનાનો એક નાનો પ્રયાસ પણ આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.
બુદ્ધમ શરણમ ગચ્છામી
ધમ્મમ શરણમ ગચ્છામી
સંઘમ શરણમ ગચ્છામી
આ પણ વાંચો : અમેરિકામાં વસતા ભારતીયો માટે ગૌરવની ક્ષણ, ન્યૂયોર્કમાં 14 એપ્રિલ 'Ambedkar Day' જાહેર કરાયો