Infosys ના કો-ફાઉન્ડર વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસ
- બેંગ્લુરૂના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
- આદિવાસી સમુદાયના વ્યક્તિ દ્વારા લગાવાયા આક્ષેપ
- હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવી દીધાનો આક્ષેપ
નવી દિલ્હી : કર્ણાટક પોલીસે ઇન્ફોસિસના સહ-સ્થાપક સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc) ના ભૂતપૂર્વ ડિરેક્ટર બલરામ અને અન્ય 16 લોકો સામે SC/ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. 71 મી સિવિલ અને સેશન્સ કોર્ટના નિર્દેશ પર બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ફરિયાદી દુર્ગાપ્પા, જે બોવી સમુદાયના છે અને IISC ના સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીમાં ફેકલ્ટી સભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે, તેમણે આ તમામ પર ગંભીર આરોપો લગાવ્યા છે. દુર્ગપ્પા કહે છે કે, તેમને ખોટા હની ટ્રેપ કેસમાં ફસાવીને તેમની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને IISCમાંથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે આ સમયગાળા દરમિયાન તેમને જાતિવાદી અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને ધમકી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસીથી પરેશાન અભિનેત્રી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, કહ્યું હું બધુ જ કરવા તૈયાર પણ ટ્રમ્પ...
દુર્ગાપ્પાએ આરોપ લગાવ્યો હતો કે, ક્રિસ ગોપાલકૃષ્ણન, ગોવિંદન રંગરાજન, શ્રીધર વોરિયર, સંધ્યા વિશ્વેશ્વરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિશી, ચટ્ટોપાધ્યાય કે, પ્રદીપ ડી સાવરકર અને મનોહરન સહિત કુલ 18 લોકો આ કાવતરામાં સામેલ હતા.
ક્રિસ ગોપાલકૃષ્ણન કોણ છે?
જોકે, આ બાબતે હજુ સુધી IISC કે ક્રિસ ગોપાલકૃષ્ણન તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. ક્રિસ ગોપાલકૃષ્ણન ઇન્ફોસિસના સહ-સ્થાપકોમાંના એક છે અને 2007 થી 2011 સુધી કંપનીના સીઈઓ અને એમડી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે 2011 થી 2014 સુધી ઇન્ફોસિસના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી હતી.
આ પણ વાંચો : અમેરિકન નાગરિકોની સમૃદ્ધિ માટે વિદેશી દેશો પર ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે Trump!
ભારત સરકાર પદ્મ ભૂષણથી નવાજી ચુકી છે
ક્રિસ ગોપાલકૃષ્ણનને તેમના યોગદાન બદલ 2011 માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે IIT મદ્રાસમાંથી ભૌતિકશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયર્સ (INAE) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ (IETE) ના ફેલો પણ છે.
કોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ શરૂ કરી
પીટીઆઈના અહેવાલ મુજબ, કોર્ટે પોલીસને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યા બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા આ લોકોએ જાતિના આધારે તેમનો ભેદભાવ અને શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Mauni Amavasya પહેલાં પ્રયાગરાજમાં ભારે ભીડ, આજે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે સંગમમાં મહાસ્નાન