CBSE OSM Controversy: ઓન-સ્ક્રીન માર્કિંગમાં ગેરરીતિ બદલ ચેરમેન અને સેક્રેટરીની તાત્કાલિક હકાલપટ્ટી
CBSE News: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Central Board of Secondary Education - CBSE) ની ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (On-Screen Marking - OSM) પ્રણાલીથી પ્રભાવિત વિદ્યાર્થીઓના હોબાળા બાદ સરકારે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. આ મામલે મોટી કાર્યવાહી કરતા બોર્ડના ચેરમેન રાહુલ સિંહ (Rahul Singh) ની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. તેમની સાથે જ CBSE ના વર્તમાન સચિવ અને આઈએએસ (IAS) અધિકારી હિમાંશુ ગુપ્તા (Himanshu Gupta) ને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા છે.
દિલ્હી (Delhi) માં સંસદીય સમિતિની બેઠક બાદ આ સમગ્ર મામલો સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેના પગલે આકરા પગલાં લેવામાં આવ્યા છે. હટાવવામાં આવેલા અધિકારી રાહુલ સિંહ બોર્ડની સમગ્ર કાર્ય પ્રણાલી અને પરીક્ષા સુધારણાની જવાબદારી સંભાળી રહ્યા હતા, જ્યારે હિમાંશુ ગુપ્તા વહીવટ, નાણાં અને જોડાણ (Affiliations) સંબંધિત બાબતો જોતા હતા. આ અચાનક લેવાયેલા નિર્ણયથી શિક્ષણ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે.
ગેરરીતિઓની તપાસ માટે એક સભ્યની કમિટીની રચના
સરકારે માત્ર અધિકારીઓ પર જ કાર્યવાહી નથી કરી, પરંતુ OSM પ્રણાલી માટેની સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની પણ રચના કરી છે. કેબિનેટ સચિવાલય (Cabinet Secretariat) દ્વારા ગઠિત આ એક-સદસ્યીય કમિટીની અધ્યક્ષતા ક્ષમતા નિર્માણ આયોગ (Capacity Building Commission - CBC) ના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણ (S. Radha Chauhan) કરશે. આ પેનલને જરૂર પડ્યે અન્ય વિભાગોના અધિકારીઓની મદદ લેવાની પણ છૂટ આપવામાં આવી છે. આ કમિટીએ પોતાનો તપાસ અહેવાલ એક મહિનાની અંદર 'કાર્મિક અને તાલીમ વિભાગ' (Department of Personnel and Training - DoPT) ને સોંપવો પડશે.
સંસદીય સમિતિ સમક્ષ વિદ્યાર્થીની રજૂઆત
આ સમગ્ર વિવાદમાં આજે એક મોટો વળાંક આવ્યો જ્યારે OSM પ્રણાલીથી પ્રભાવિત થયેલા વિદ્યાર્થીઓમાંથી એક, ૧૭ વર્ષીય વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત (Sarthak Siddhant) શિક્ષણ બાબતોની સંસદીય સમિતિ (Parliamentary Committee on Education) સમક્ષ હાજર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાર્થકે સમિતિ સમક્ષ એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને ઓએસએમ સીટમાં થયેલી ગંભીર ગેરરીતિઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. સમિતિએ તેની પાસેથી આ પ્રણાલીની ખામીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
શું છે સમગ્ર વિવાદ અને કંપનીનું કનેક્શન?
છેલ્લા કેટલાક સમયથી CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ પ્રણાલી, મૂલ્યાંકન પ્રક્રિયા અને ખાસ કરીને તેના ટેન્ડરની ફાળવણી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા હતા. આરોપ છે કે જે ‘કોએમ્પ્ટ’ (COEMPT) કંપનીને આ OSM નો ટેન્ડર મળ્યો હતો, તે 2019 માં પણ વિવાદોમાં આવી ચૂકી હતી. વિવાદ બાદ આ કંપનીએ પોતાનું નામ બદલી નાખ્યું હતું અને ફરીથી ભળતા નામે CBSE નો મોટો ટેન્ડર મેળવી લીધો હતો. હવે શિક્ષણ મંત્રાલય (Ministry of Education) દ્વારા આ કંપનીને મળેલા ટેન્ડરની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: CBSE પોર્ટલમાં મોટો બગ? વિદ્યાર્થીઓ-વાલીઓની ફરિયાદ બાદ સરકાર એક્શનમાં


