Chandigarh : મહિલા ડૉક્ટર સાથે મારામારી, તબીબોએ કામ બંધ કર્યું; દરમિયાન 1 દર્દીનું મોત
- ચંદીગઢ PGI માં મહિલા ડૉક્ટર પર હુમલો
- મહિલાએ ફરજ પરની મહિલા તબીબ પર કર્યો હુમલો
- તબીબોએ કામ બંધ કરી દીધું
- હંગામા દરમિયાન એક દર્દીનું મોત થયું
Chandigarh : ચંદીગઢના PGI ઇમરજન્સી વિભાગમાં સોમવાર રાત્રે મોટી ઘટના બની હતી, જ્યારે દર્દી સાથે આવેલા એક મહિલાએ ફરજ પરની મહિલા ડૉક્ટર પર હુમલો કર્યો. આ હુમલાને કારણે ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો હતો અને તમામ ઇમરજન્સી ડૉક્ટરો પોતાના કામથી દુર થઈ ગયા હતા. રાત્રે 8 વાગ્યા બાદ હોસ્પિટલની ઇમરજન્સી સેવા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી, અને દાખલ થનારા દર્દીઓને સારવાર મળવી મુશ્કેલ બની હતી.
ડોક્ટરોનો વિરોધ અને હડતાળ
ચંદીગઢ PGI માં દર્દીના સગા દ્વારા મારમારી કર્યા બાદથી તબીબોએ કામ બંધ કરી દીધું હતું અને આનું પરિણામ એવું આવ્યું કે, આ દરમિયાન આવેલા એક દર્દીનું મોત નિપજ્યું હતું. તેના પરિવારજનોએ આનું કારણ હડતાળિયા તબીબોને ગણાવ્યું છે. જણાવી દઇએ કે, સોમવારે રાત્રે 8 કલાકે PGI ની ઈમરજન્સીમાં દાખલ દર્દીની સાથે આવેલી એક મહિલાએ મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ડોક્ટરોએ હંગામો મચાવ્યો અને ઈમરજન્સીમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. રેસિડેન્ટ ડોક્ટરો એક જગ્યાએ એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે ડોક્ટર સાથે મારપીટ કરનાર મહિલા સામે પોલીસે કેસ નોંધવો જોઈએ અને ભવિષ્યમાં ડોક્ટરોની સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જ તેઓ કામ પર પરત ફરશે.
દર્દીના સંબંધીએ બારીના કાચ તોડ્યા
સોમવારે સાંજે લગભગ 7 વાગે નેહરુ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દર્દીના એક સંબંધીએ બારીના કાચ તોડી નાખ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે 50 વર્ષીય દર્દીને ઈમરજન્સી સર્જરી OPD માં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે દર્દીની હાલત નાજુક બની જતાં તેને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તેમનું મોત નીપજ્યું હતું. હંગામાની માહિતી મળ્યા બાદ PGI પોલીસ ચોકીની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમરજન્સી બંધ થયા બાદ સારવારના અભાવે ન્યૂ ચંદીગઢની રહેવાસી એક મહિલા દર્દીનું મોત થયું હતું. દર્દીનું નામ સુનીતા દેવી છે.
આ પહેલા પણ એક બનાવ બન્યો હતો
અગાઉ, ચંદીગઢ PGI ના ડોકટરોએ કોલકાતામાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં ઘણા દિવસો સુધી ઉગ્ર વિરોધ કર્યો હતો અને કામ અટકી ગયું હતું. PGI ના 1500 જેટલા રેસિડેન્ટ અને ટ્રેઇની ડોક્ટરો એકસાથે હડતાળ પર ઉતરવાના કારણે લગભગ તમામ વોર્ડ, ઓપીડી અને ઈમરજન્સીમાં દર્દીઓ અને તેમના પરિચારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાંથી દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે PGI માં આવે છે.
આ પણ વાંચો: 'અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓ સુધરી જજો, નહીં તો...' CM Yogi ની કડક ચેતવણી