Uttarakhand ના ચમોલીમાં અડધી રાત્રે ફાટ્યું વાદળ, કાટમાળમાં દબાયા અનેક ઘર
- Uttarakhand ના ચમોલીમાં અડધી રાત્રે ફાટ્યું વાદળ
- થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં દબાયા અનેક ઘર
- વાદળ ફાટવાથી કેટલાક લોકો કાટમાળમાં દબાયા
- પ્રશાસન અને NDRF લાગ્યું બચાવ કામગીરીમાં
Uttarakhand Cloudburst : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે થરાલી અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે. અચાનક આવેલા ભારે વરસાદના કારણે લોકોમાં ભયનું માહોલ સર્જાયું છે. અનેક ઘરો, દુકાનો અને વાહનો કાટમાળથી ભરાઈ ગયા છે, જ્યારે જાનહાનિ અને લોકો ગુમ થવાના અહેવાલો પણ સામે આવ્યા છે. હાલમાં વહીવટીતંત્ર ઘટના સ્થળે કામગીરીમાં લાગી ગયું છે.
થરાલી બજાર અને કોટદીપમાં નુકસાન
વાદળ ફાટ્યા બાદ થરાલી બજાર, કોટદીપ અને તહસીલ થરાલી વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો હતો. ખાસ કરીને તહસીલ પરિસર, એસડીએમનું નિવાસસ્થાન તેમજ નગર પંચાયત પ્રમુખના ઘર સુધી કાટમાળ ઘૂસી ગયો હતો. તહસીલ પરિસરમાં પાર્ક કરાયેલા અનેક વાહનો માટીમાં ફસાઈ ગયા, જેના કારણે મોટું નુકસાન થયું છે. ભારે પ્રવાહના કારણે શહેરના રસ્તાઓ તળાવ જેવા બની ગયા હતા અને લોકો પોતાના ઘરોમાંથી સલામત સ્થળ તરફ દોડી ગયા હતા.
Uttarakhand ના CM એ કર્યું ટ્વીટ
સગવારા ગામમાં જાનહાનિ
આ ઘટનાનો સૌથી દુઃખદ ભાગ એ રહ્યો કે નજીકના સગવારા ગામમાં કાટમાળ હેઠળ દટાઈ જવાથી એક યુવતીનું મૃત્યુ થયું. આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. લોકો અંધારી રાત્રે પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને સતત વરસતા વરસાદ વચ્ચે સલામતીની શોધમાં હતાં. હાલ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો સક્રિય રીતે બચાવ કામગીરી કરી રહી છે.
ચેપ્ડોન બજારમાં નુકસાન અને એક વ્યક્તિ ગુમ
થરાલી નજીક આવેલા ચેપ્ડોન બજારમાં કાટમાળ ઘૂસી જતા અનેક દુકાનોને નુકસાન થયું છે. સાથે જ એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલો મળ્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. લોકોમાં અશાંતિ વધી રહી છે અને પોતાના પરિવારજનોની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે.
રસ્તા અવરોધાયા, વાહન વ્યવહાર પર અસર
મિંગડેરા નજીક કાટમાળ અને ભારે વરસાદને કારણે થરાલી-ગ્વાલડમ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સાથે જ થરાલી-સગવારા રસ્તો પણ અવરોધાઈ ગયો છે, જેના કારણે વિસ્તારમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આવજાવમાં અવરોધ ઉભા થતા રાહત કામગીરીમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.
SDRF અને BRO દ્વારા બચાવ કામગીરી
ગૌચરથી SDRF (State Disaster Response Force) ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી છે. બીજી તરફ, BRO (Border Roads Organization) મિંગ ખાડેરા નજીક રસ્તો ખોલવા માટે પ્રયત્નશીલ છે જેથી ટ્રાફિક પુનઃસ્થાપિત થઈ શકે અને રાહત સામગ્રી તેમજ મદદ સરળતાથી પહોંચાડી શકાય.
શાળાઓ બંધ કરવાનો નિર્ણય
પરિસ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા વહીવટીતંત્રે શનિવાર, 23 ઓગસ્ટ 2025ના રોજ થરાલી તાલુકાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું કે પોલીસ અને વહીવટીતંત્રની અનેક ટીમો સતત મેદાનમાં રહીને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો : Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈની ગતિ અટકી ગઈ, ઘણી જગ્યાએ કમર સુધી પાણી શાળાઓ અને કોલેજો બંધ