નિવેદનથી શરૂ થયો વિવાદ
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની સુનાવણી દરમિયાન એક કેસની ચર્ચા દરમિયાન CJI સૂર્યકાંતે બેરોજગાર યુવાનો (Unemployed Youth) અંગે ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કથિત રીતે કેટલાક યુવાનોને “કોકરોચ” સાથે સરખાવ્યા હતા. આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ભારે પ્રતિક્રિયા જોવા મળી અને તેને લઈને વિરોધ પણ શરૂ થયો. બાદમાં CJI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે તેમની ટિપ્પણી ખાસ કરીને નકલી ડિગ્રી (Fake Degree) ધરાવતા લોકો અંગે હતી અને યુવાનોને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો.
કોકરોચ જનતા પાર્ટીની રચના અને લોકપ્રિયતા
આ વિવાદ વચ્ચે “કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party) નામની એક અનોખી સોશિયલ મીડિયા મુહિમ શરૂ થઈ, જેને મજાક તરીકે શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડા જ સમયમાં આ પેજે લાખો ફોલોઅર્સ (Followers) મેળવી લીધા હતા. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ પેજને ભારે લોકપ્રિયતા મળી હતી, જ્યાં તેના ફોલોઅર્સની સંખ્યા 10 મિલિયનથી પણ વધુ પહોંચી ગઇ હતી. રસપ્રદ વાત એ છે કે આ સમયગાળામાં તેણે કેટલીક રાજકીય પાર્ટીઓ જેવી કે ભાજપ (BJP)ના સોશિયલ મીડિયા ફોલોઅર્સને પણ પાછળ છોડી દીધા હતા.
X અકાઉન્ટ પર પ્રતિબંધ અને સ્થાપકની પ્રતિક્રિયા
તાજેતરમાં કોકરોચ જનતા પાર્ટીના એક્સ અકાઉન્ટ (X Account Ban) પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલાને લઈને તેના સ્થાપક અભિજીત દીપક (Abhijit Deepak)એ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે તેમની અવાજને દબાવવામાં આવી રહ્યો છે અને પહેલા એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ થયો હતો, અને હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ માત્ર સરકાર (Government) પાસેથી જવાબદારીની માંગ કરી રહ્યા હતા અને કોઈ ખોટી વાત કરી નહોતી. તેમના જણાવ્યા મુજબ આ પગલાથી લોકશાહી (Democracy) અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે અને લોકોએ આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ.
સોશિયલ મીડિયા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર ચર્ચા
આ સમગ્ર ઘટનાએ એક વખત ફરીથી સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિ સ્વતંત્રતા (Freedom of Speech) અને નિયંત્રણોને લઈને ચર્ચા શરૂ કરી છે. એક તરફ કોર્ટના નિવેદનને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે, તો બીજી તરફ એક સોશિયલ મીડિયા મુહિમ પર પ્રતિબંધને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાએ રાજકીય તેમજ ડિજિટલ જગતમાં ભારે ગરમાવો લાવ્યો છે અને હવે આ મુદ્દે આગળ શું થશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : CJP Party : ઇન્ટરનેટમાં વાયરલ પાર્ટી પાછળ કોનું ભેજું ? જાણો વિગતવાર