Meta ના ઓટો ટ્રાન્સલેશનમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને મૃત ઘોષિત કરાતા વિવાદ
- Meta ના ઓટો ટ્રાન્સલેશન ટૂલે કરી મોટી ભૂલ
- કર્ણાટકના CM Siddaramaiah ને મૃત જાહેર કર્યા
- Siddaramaiah એ આપી તીખી પ્રતિક્રિયા
- મેટાએ જાહેરમાં માફી માગી અને ભૂલ સુધારી
Translation Error : Meta ના ઓટો ટ્રાન્સલેશન ટૂલે ભૂલથી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) ને મૃત જાહેર કર્યા છે, જેના પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. 15 જુલાઈ, 2025 ના રોજ ફેસબૂક પર મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા પોસ્ટ કરાયેલા શોક સંદેશના કન્નડથી અંગ્રેજી અનુવાદ દરમિયાન આ ભૂલ થઈ હતી. આ પોસ્ટ વરિષ્ઠ અભિનેત્રી બી. સરોજા દેવી (B. Saroja Devi) ના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે હતી. જેમાં લખ્યું હતું કે CM સિદ્ધારમૈયાએ તેમના પાર્થિવ દેહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે.
Meta ટ્રાન્સલેશનમાં થઈ મસમોટી ભૂલ થઈ
Meta ના ઓટો ટ્રાન્સલેશનમાં આ પોસ્ટનો ખોટો અનુવાદ કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું ગઈકાલે અવસાન થયું, બહુભાષી સ્ટાર, વરિષ્ઠ અભિનેત્રી બી. સરોજા દેવીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. આ ભૂલે તરત જ ધ્યાન ખેંચ્યું અને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ છેડાઈ ગઈ છે. યુઝર્સ અને નેટિઝન્સ મેટા પર રીતસરના તૂટી પડ્યા છે. ટેકનોલોજી કેટલી કારગત છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે.
સિદ્ધારમૈયાની તીખી પ્રતિક્રિયા
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા (CM Siddaramaiah) એ મેટાને ચેતવણી આપી અને કન્નડ ઓટો-ટ્રાન્સલેશન સુવિધાને તેની ચોકસાઈ સુધારવા સુધી સ્થગિત કરવાની માંગ કરી. તેમણે x પર પોસ્ટ કરીને લખ્યું કે, મેટા પ્લેટફોર્મ પર કન્નડ કંટેટનું ખોટું ઓટો-ટ્રાન્સલેશન તથ્યોને વિકૃત કરી રહ્યું છે અને યુઝર્સને ગેરમાર્ગે દોરી રહ્યું છે. આ ખાસ કરીને સત્તાવાર સંદેશાવ્યવહાર માટે ખતરનાક છે. મારા મીડિયા સલાહકારે તાત્કાલિક સુધારા માટે મેટાને પત્ર લખ્યો છે. સિદ્ધારમૈયાના મીડિયા સલાહકાર કે.વી. પ્રભાકરે મેટાને પત્ર લખીને આ સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કન્નડથી અંગ્રેજીમાં ઓટો ટ્રાન્સલેશન ઘણીવાર અચોક્કસ અને ક્યારેક ગેરમાર્ગે દોરનારો હોય છે. જે ખાસ કરીને સરકારી સંદેશાવ્યવહાર માટે જોખમી છે. તેમણે મેટાને અનુવાદની ગુણવત્તા અને સંદર્ભની ચોકસાઈ સુધારવા માટે કન્નડ ભાષાના નિષ્ણાતો સાથે સહયોગ કરવા વિનંતી કરી.
મેટાએ માફી માંગી
વિવાદ હદ બહાર વકરી જતાં મેટાએ માફી માંગી અને જણાવ્યું કે, આ સમસ્યા ઉકેલાઈ ગઈ છે. મેટાના પ્રવક્તાએ નિવેદન આપ્યું કે, અમે કન્નડ અનુવાદમાં થતી ભૂલોની સમસ્યાને ઉકેલી લીધી છે. અમને ભૂલનો અફસોસ છે. ભૂલ તેમના AI-આધારિત મશીન ટ્રાન્સલેશન મોડેલમાં થઈ હતી.
આ પણ વાંચોઃ Bengaluru : દિલ્હી બાદ બેંગલુરુમાં 40 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી