દેશમાં કોરોના કેસમાં વધારો યથાવત, એક્ટિવ કેસની સંખ્યા 5 હજારને પાર
- દેશમાં કોરોના કેસમાં વધારો યથાવત
- કોરોનાના એક્ટિવની સંખ્યા 5 હજારને પાર
- 24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત
- કોરોનાના મોટાભાગના કેસ માઇલ્ડ સંક્રમણના
- કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક
Covid 19 : ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. નવીનતમ આંકડા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસ (active corona cases) ની સંખ્યા 5,364 સુધી પહોંચી ગઈ છે. આ વધારો મે 22, 2025ના રોજ 257 એક્ટિવ કેસથી શરૂ થયો હતો, જે હવે ઝડપથી વધીને 5,000ને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 498 નવા કેસ નોંધાયા છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. કેરળમાં સૌથી વધુ 1,400થી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 485, દિલ્હીમાં 436 અને ગુજરાતમાં 320 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોના કેસમાં ઝડપી વધારો
જણાવી દઇએ કે, 16 મે, 2025ના રોજ દેશમાં માત્ર 93 એક્ટિવ કોરોનાવાયરસના કેસ હતા, જે હવે વધીને 5,364 થઈ ગયા છે. કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી પણ કેસોની સંખ્યામાં આગળ છે. આ વધતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં તૈયારીઓનું મૂલ્યાંકન કરવા મોક ડ્રીલ શરૂ કરી છે અને રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર તથા જરૂરી દવાઓની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
મૃત્યુઆંક અને સ્વાસ્થ્ય સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંબંધિત 4 મૃત્યુ નોંધાયા છે, જેમાં 2 કેરળમાં અને 1-1 પંજાબ અને કર્ણાટકમાં થયા છે. આ તમામ મૃત્યુ એવા વ્યક્તિઓના થયા છે જેઓ પહેલેથી જ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અથવા ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં કોરોના સંબંધિત કુલ 55 મૃત્યુ નોંધાયા છે, જેમાં મોટાભાગના દર્દીઓ વૃદ્ધ હતા અથવા તેમને અન્ય ગંભીર રોગો હતા.
કોરોનાના કેસની તીવ્રતા
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલના મોટાભાગના કોરોના કેસ હળવા (માઇલ્ડ) પ્રકારના છે, જેનો ઉપચાર ઘરે જ થઈ રહ્યો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી. જોકે, નાગરિકોને સાવચેતી રાખવા અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : દેશભરમાં કોરોનાના કેસમાં જોવા મળ્યો ઉછાળો! કોવિડના એક્ટિવ કેસ 4302 પર પહોંચ્યા