ભારતમાં ફરી કોરોના કેસમાં વધારો! આ રાજ્યની સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું
- ભારતમાં ફરી કોરોના કેસમાં વધારો
- કેરળ અને તામિલનાડુમાં વધુ કોરોનાના કેસ
- આંધ્રપ્રદેશમાં હાલમાં 1 કોરોનાનો કેસ
- સાવચેતીના ભાગરૂપે આંધ્રપ્રદેશમાં advisory બહાર
- આંધ્રપ્રદેશમાં જાહેર સ્થળે માસ્ક ફરજિયાત
- કોરોના લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવોની સલાહ
Covid 19 Cases in India : ભારતના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસો ધીમે-ધીમે વધી રહ્યા છે, જે આરોગ્ય વિભાગ અને સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. 19 મે, 2025 સુધીમાં દેશમાં Covid-19ના કુલ 257 કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં 95, તમિલનાડુમાં 66, મહારાષ્ટ્રમાં 55, કર્ણાટકમાં 13 અને પુડુચેરીમાં 10 કેસનો સમાવેશ થાય છે. આ વચ્ચે, આંધ્રપ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં હાલમાં એક સક્રિય કોરોનાનો કેસ છે, જે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા અને સાવચેતીના પગલાંની સફળતા દર્શાવે છે. જોકે, પડોશી રાજ્યોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશે સજાગતા વધારી છે.
સાવચેતીના પગલાં અને માસ્કની ફરજિયાતતા
કોરોનાના વધતા જોખમને રોકવા માટે, આંધ્રપ્રદેશના આરોગ્ય, તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે ભીડભાડવાળા સ્થળો જેવા કે જાહેર પરિવહન, શોપિંગ મોલ, સિનેમા હોલ, પૂજા સ્થળો અને બજારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. આ ઉપરાંત, નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા માટે એક વ્યાપક advisory જારી કરવામાં આવી છે. આ advisory માં નાગરિકોને સતર્ક રહેવા અને કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય સેવાઓનો સંપર્ક કરવા જણાવાયું છે.
નાગરિકો માટે સલાહ
આરોગ્ય વિભાગે નાગરિકોને તાવ, ઉધરસ, શરદી, ગળામાં દુખાવો, થાક, સ્વાદ કે ગંધ ગુમાવવી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, નાક વહેવું, ઉબકા, ઉલટી કે ઝાડા જેવા લક્ષણો દેખાય તો નજીકની આરોગ્ય સુવિધામાં જઈ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા મુસાફરોને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે સેલ્ફ-આઈસોલેશનનું પાલન કરવા જણાવાયું છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ ઉંમર) અને ક્રોનિક રોગોથી પીડાતા લોકોને મુસાફરી ઘટાડવા અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
સરકારી માર્ગદર્શિકા
- આંધ્રપ્રદેશ સરકારે કોરોનાને ફેલાતો રોકવા માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:
- પ્રાર્થના સભાઓ, સામાજિક કાર્યક્રમો, પાર્ટીઓ અને અન્ય સામૂહિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર Covid-19 માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે.
- વૃદ્ધ લોકો અને સગર્ભા સ્ત્રીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે.
- નિયમિત હાથ ધોવા, ખાંસતી કે છીંકતી વખતે મોં ઢાંકવું અને ચહેરાને સ્પર્શ ન કરવો જેવા સ્વચ્છતા નિયમોનું પાલન કરવું.
- ભીડવાળા અથવા નબળી વેન્ટિલેશનવાળા સ્થળોએ માસ્ક પહેરવું.
- કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવું અને બીમાર હોય તો ઘરે રહીને અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો.
- Covid-19થી પ્રભાવિત દેશોની મુસાફરી કરનારાઓએ ફરજિયાત પરીક્ષણ કરાવવું.
કોરોનાના લક્ષણો અને સાવચેતી
કોરોનાના લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે, જેમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, સ્વાદ કે ગંધ ગુમાવવી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, નાક બંધ થવું કે વહેવું, ઉબકા, ઉલટી અથવા ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આવા લક્ષણો દેખાય તો નાગરિકોએ તાત્કાલિક નજીકની આરોગ્ય સુવિધામાં જઈ સારવાર લેવી જોઈએ. આરોગ્ય વિભાગે નાગરિકોને બીમાર હોય તો ઘરે રહેવા અને અન્ય લોકો સાથે સંપર્ક ટાળવા પણ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશમાં ભલે કોરોનાના એકપણ કેસ નહીં તેમ છતાં, પડોશી રાજ્યોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે સજાગતા દાખવી છે. માસ્ક ફરજિયાત, સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ અને સ્વચ્છતા નિયમોનું પાલન એ રાજ્યની સક્રિય અભિગમનો ભાગ છે. નાગરિકોને પણ આ advisory નું પાલન કરીને વાયરસના ફેલાવાને રોકવામાં યોગદાન આપવું જોઈએ.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ