મહાકુંભમાં જતી ટ્રેન પર ભીડે કર્યો પથ્થરમારો, અંદર બેઠેલા લોકોએ જે કર્યું હતું તે વાંચી ચોંકી જશો
- મહાકુંભ માટે જતી ટ્રેનોમાં ભારે ભીડ
- છતરપુર રેલ્વે સ્ટેશનની ટ્રેન પર પથ્થરમારો
- યાત્રીઓ ટ્રેનની બારીઓ તોડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા
Stone pelting on train : ભારતના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ મહાકુંભ માટે જઇ રહ્યા છે. ત્યારે આ મહાકુંભમાં સ્નાન કરવાની અભિલાશા સાથે ત્યા લોકો પહોંચવા માંગે છે. જેના માટે ખાસ ટ્રેનોની સેવાઓ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે જે દિવસો જતા વધી પણ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, છતરપુર રેલ્વે સ્ટેશન પર મહાકુંભ માટે જતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
છતરપુર સ્ટેશન પર ટ્રેનમાં ભીડના કારણે હોબાળાની ઘટના
તણાવની સ્થિતિ એ સમયે સર્જાઈ, જ્યારે આંબેડકર નગર જતી ટ્રેનના દરવાજા અને બારીઓ બંધ જોવા મળ્યા, અને તે દરમિયાન પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યાત્રીઓ ટ્રેનની બારીઓ તોડવાનો પ્રયાસ કરતા અને માહોલને બગાડતા નજરે ચઢ્યા છે. જણાવી દઇએ કે, છતરપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેન ભારે ભીડના કારણે એક કલાક સુધી ઉભી રહી હતી, ત્યારબાદ GRP સ્ટાફે ટ્રેનના દરવાજા ખોલાવ્યા. કહેવામાં આવે છે કે ટ્રેનની અંદર પહેલેથી જ બેઠેલા મુસાફરોએ દરવાજા બંધ કરી દીધા હતા, જેનાથી બહાર ઉભેલા યાત્રીઓમાં રોષ ફેલાયો. આ ઘટના રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેન મહુથી શરૂ થઈ પ્રયાગરાજ થકી આંબેડકર નગર જતી હતી. ખાસ કરીને એસી કોચના મુસાફરોએ ભીડથી બચવા તેમના દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા, જેના કારણે ગુસ્સે ભરાયેલા ટોળાએ કાચના દરવાજા તોડવા માટે પ્રયાસ કર્યો.
GRP દ્વારા હંગામો શાંત કરાયો
ભારે હંગામા બાદ GRP એ ટ્રેનના અંદર બેઠેલા મુસાફરોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને અંતે ટ્રેનના દરવાજા ખોલવામાં આવ્યા. કુંભમાં જવા માટે ઘણા મુસાફરો પાસે ટિકિટ પણ નહોતી, જે હંગામાનું મુખ્ય કારણ બન્યું. મહાકુંભમાં સ્નાન માટે દેશભરના ભક્તો ભીડ કરી રહ્યા છે, જ્યાં છેલ્લા 17 દિવસમાં 15 કરોડથી વધુ લોકોએ પવિત્ર ડૂબકી લગાવી છે. મૌની અમાવસ્યાના વિશેષ પ્રસંગે 8 થી 10 કરોડ લોકોના આવનારા દિવસોમાં મહાકુંભમાં હાજરી આપવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો : UP : બાગપતમાં ધાર્મિક કાર્યક્રમમાં દુર્ઘટના, સ્ટેજ તૂટી પડતાં 50થી વધુ શ્રદ્ધાળુ થયા ઈજાગ્રસ્ત