Delhi CJP Protest: દેશની રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) અને અન્ય સંગઠનોના વિરોધ બાદ દિલ્હી પોલીસે 20થી વધુ FIR નોંધી છે. રવિવારે ફરી પ્રદર્શનની જાહેરાત થતાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસનું મોટું એક્શન
દિલ્હીમાં શનિવારે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા ભંગ થવાના આક્ષેપો સામે આવ્યા હતા. દિલ્હી પોલીસે (Delhi Police) કનોટ પ્લેસ, કર્તવ્ય પથ અને બારાખંબા સહિતના વિસ્તારોમાં વિવિધ ફરિયાદો નોંધી છે. પોલીસ પ્રદર્શનના CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની તપાસ કરી રહી છે. આ ફૂટેજના આધારે કથિત હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
30 હજારથી વધુ સુરક્ષાકર્મીઓની તૈનાતીની તૈયારી
CJPએ રવિવારે જંતર-મંતર (Jantar Mantar) ખાતે ફરી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. જોકે પોલીસે આ કાર્યક્રમને મંજૂરી આપી નથી. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના 30 હજારથી વધુ જવાનોની તૈનાતીની તૈયારી કરવામાં આવી છે. નવી દિલ્હી જિલ્લાને 20 સુરક્ષા ઝોનમાં વહેંચીને અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
CECના રાજીનામાની માંગ પાછળ SIR વિવાદ
વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા અભિયાન (Special Intensive Revision – SIR) અંગેનો વિવાદ છે. વિરોધી સંગઠનોનો આરોપ છે કે મતદાર યાદીમાં થયેલા ફેરફારોને કારણે અનેક મતદારોના અધિકારો પ્રભાવિત થયા છે. આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
દરમિયાન દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બસ ટર્મિનલ અને મુખ્ય માર્ગો પર સુરક્ષા તપાસ સઘન બનાવાઈ છે. વિરોધને કારણે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા વચ્ચે લોકોને સત્તાવાર ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Nepal Flash Flood : નેપાળમાં ભૂસ્ખલન બાદ ભયાનક પૂર, ત્રણ પુલ ધોવાયા, હાઈ એલર્ટ જાહેર