દિલ્હી હાઇકોર્ટે સરકારને આપ્યા નિર્દેશ, હવે 'લિવ-ઈન પાર્ટનર' અને બાળકોને પણ મળી શકશે ફેમિલી પેન્શન!
- દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન- પાર્ટનરને લઇને આપ્યા નિર્દેશ
- કોર્ટે કેન્દ્ર સરકારને લિવ-ઇન મામલે આપ્યા આ નિર્દેશ
- ફેમિલી પેન્શનમાં લિવ-ઈન પાર્ટનરને સામેલ કરવાની કરી વાત
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એક નિવૃત્ત સરકારી કર્મચારીની અરજી પર ગંભીરતાથી વિચાર કરવાનો આદેશ આપ્યો છે. જેમાં તેમણે પોતાના લિવ-ઈન પાર્ટનર અને બાળકોને ફેમિલી પેન્શનમાં સામેલ કરવાની માંગ કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અરજદાર કર્મચારીએ ક્યારેય વિભાગથી પોતાના અંગત સંબંધો છુપાવ્યા નથી, તેથી નિવૃત્તિ પછીના લાભો મેળવવા માટે પોતાના જીવનસાથી અને બાળકોના નામ નોંધાવવાના પ્રયાસને "ગંભીર ગેરવર્તણૂક" ગણવો તદ્દન ખોટો છે. ન્યાયાધીશ નવીન ચાવલા અને મધુ જૈનની બેન્ચે નોંધ્યું કે 40 વર્ષથી સાથે રહેતા પરિવારને કાયદેસરના હકોથી વંચિત રાખવા માટે કોઈ વ્યાજબી કારણ નથી.
Family Pension for Live-in Partner: હાઇકોર્ટે આપ્યો આ નિર્દેશ
આ સાથે જ બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) ના 2018 ના જૂના આદેશને રદ કર્યો છે, જેમાં કર્મચારીના 50 ટકા પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 7 જાન્યુઆરીના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે 2012 માં નિવૃત્ત થયેલા આ કર્મચારીના આશ્રિતોને કૌટુંબિક પેન્શન નકારવા માટે કોઈ માન્ય કાનૂની આધાર મળ્યો નથી. કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે રોકી રાખવામાં આવેલી પેન્શનની રકમ વાર્ષિક 6 ટકા વ્યાજ સાથે કર્મચારીને ચૂકવવામાં આવે અને પેન્શન ચુકવણી ઓર્ડરમાં (PPO) તેમના લિવ-ઈન પાર્ટનર અને બાળકોના નામ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે.
Family Pension for Live-in Partner: લિવ-ઇન-પાર્ટનરની વાત છુપાવી નથી
મામલાની વિગત મુજબ, 1983માં પ્રથમ પત્નીએ છૂટાછેડા આપ્યા વિના છોડી દીધા બાદ અરજદાર કર્મચારી અન્ય મહિલા સાથે રહેવા લાગ્યા હતા, જેનાથી તેમને બે બાળકો થયા હતા. જોકે, આ બાબતે 1990માં તેમની સામે વિભાગીય કાર્યવાહી પણ થઈ હતી અને દંડ તરીકે ચાર વર્ષ સુધી તેમના પગારમાં કાપ મૂકવાની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે અવલોકન કર્યું કે અરજદારે હંમેશા વિભાગ સાથે પારદર્શિતા જાળવી હતી અને સર્વિસ રેકોર્ડમાં પણ પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો, તેથી હવે નિવૃત્તિના સમયે તેમને અથવા તેમના પરિવારને CGHS અને પેન્શન જેવા લાભોથી વંચિત રાખવા અન્યાયી છે.
Family Pension for Live-in Partner: 2011ની તપાસ બાદ પેન્શન રોકાયું હતું
ઉલ્લેખનીય છે કે તેમની નિવૃત્તિ પહેલાં, 2011 માં અરજદાર સામે બીજી શિસ્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમના પર પત્ની અને બાળકો માટે રાજદ્વારી પાસપોર્ટની અરજી વખતે ખોટી માહિતી આપવાનો આરોપ મૂકાયો હતો. પરિણામે, તેમના માસિક પેન્શન અને ગ્રેચ્યુઇટી લાભોના 50 ટકા રોકી દેવામાં આવ્યા હતા. કોર્ટે શોધી કાઢ્યું કે અરજદારે તેમની સેવા દરમિયાન પત્નીની ગેરહાજરી અને લિવ-ઇન સંબંધોનો અગાઉ જ ખુલાસો કર્યો હતો, તેથી પાસપોર્ટ મેળવવામાં કોઈ છેતરપિંડી કે દુષ્ટ ઈરાદો નહોતો. કોર્ટે જણાવ્યું કે CCS (પેન્શન) નિયમો મુજબ ગંભીર બેદરકારીના કિસ્સામાં જ પેન્શન રોકી શકાય, જે અહીં લાગુ પડતું નથી.
Family Pension for Live-in Partner: કોર્ટે કહી આ મોટી વાત
કોર્ટે અંતમાં જણાવ્યું હતું કે રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે અરજદારે ક્યારેય તેમના સંબંધો છુપાવ્યા નથી. તેમણે સર્વિસ રેકોર્ડમાં લિવ-ઇન પાર્ટનર અને બાળકો વિશે સતત માહિતી આપી હતી અને લાંબા ગાળાના સહવાસના આધારે કૌટુંબિક પેન્શન માટે તેમને 'પત્ની' તરીકે વર્ણવ્યા હતા. તેથી, કોર્ટનું માનવું છે કે અરજદારે હંમેશા વિભાગ સાથે પારદર્શિતા જાળવી હતી અને રાજદ્વારી પાસપોર્ટ મેળવવા માટે ખોટી માહિતી આપવાનો અથવા વિભાગને છેતરવાનો તેમનો કોઈ દ્વેષપૂર્ણ ઈરાદો નહોતો.
આ પણ વાંચો : Indian Railway YTSK Scheme: સ્ટેશનની લાંબી લાઈનો ભૂલી જાવ, હવે તમારી સોસાયટીમાં જ મળશે ટ્રેન ટિકિટ!


