દમ ઘૂંટાઈ રહ્યો છે દિલ્હીના લોકોનો! ઝેરી શ્વાસ લેવા રાજધાનીવાસીઓ મજબૂર
- દિલ્હી જતા પહેલા જાણી લેજો કેટલી શુદ્ધ છે રાજધાનીની હવા
- દિલ્લીમાં પ્રદૂષણ વધ્યું, લોકોના શ્વાસ રૂંધાયા
- દિલ્લીની હવામાં ઝેર?
Delhi AQI Dangerous : દિલ્લીમાં પ્રદૂષણનું સ્તર વધતું જ જઈ રહ્યું છે, અને લોકો અહીં શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આજે 24 ઓક્ટોબરે શહેરનું સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 350 ની નજીક પહોંચી ગયું છે. સામાન્ય રીતે AQI 50ની આસપાસ રહેતો હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારી સ્થિતિ માનવામાં આવે છે. 300થી વધુ AQI વાળી હવા ખૂબ જ જોખમી છે અને આ સાથે જ ઘણી ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.
વૈકલ્પિક ઉપાયોની માંગ
દિલ્લીના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે. આનંદ વિહાર અને જહાંગીરપુરીમાં AQI 400 સુધી પહોંચી ગયો છે, જે ખતરનાક સ્તર છે. આ પ્રકારની હવામાં રહીને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે કૃત્રિમ વરસાદની માંગ ઉઠી છે. કારણ કે વરસાદ પડતાં હવા વધુ સ્વચ્છ બની જાય છે, જેથી પ્રદૂષણનું સ્તર ઘટે છે. તબીબોનું કહેવું છે કે, આવી પ્રદૂષિત હવામાં બહાર નીકળવું અને લાંબા સમય સુધી કામ કરવું તંદુરસ્તી માટે ખતરનાક છે. તેથી તેઓ લોકોને આવી હવામાં રહેવાનું ઓછું કરવા અને સ્વાસ્થ્ય માટે વધુ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે.
આરોગ્ય પર અસર
દિલ્હી NCRમાં પ્રદૂષણની સૌથી ખરાબ અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે. મોર્નિંગ વોક, કસરત અને સાઇકલ ચલાવવા માટે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે ઈન્ડિયા ગેટ પર આવે છે, પરંતુ વાયુ પ્રદૂષણને કારણે ઈન્ડિયા ગેટ આ સમયે સાવ ખાલી છે. અમુક પસંદગીના લોકો જ અહીં કસરત માટે આવી રહ્યા છે. આ પરિસ્થિતિઓ વિશે એક સાઇકલ સવારનું કહેવું છે કે પ્રદૂષણને કારણે તેમને સાઇકલ ચલાવવી મુશ્કેલ બની રહી છે. તે લાંબા સમય સુધી સાયકલ ચલાવી શકતા નથી, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તેની આંખો પણ બળી રહી છે.
શ્વસન સંબંધી કેસોમાં 30 થી 40 ટકાનો વધારો
દિલ્હીની હોસ્પિટલોમાં શ્વસન સંબંધી કેસોમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. શ્વસન રોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, બાળકો અને વૃદ્ધો પ્રદૂષણની ખરાબ અસરો પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. તેમણે લોકોને ઘરની બહાર ન નીકળવાની અને ધૂળના સંપર્કમાં આવવાનું ટાળવાની સલાહ આપી. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) એક સપ્તાહ કરતાં વધુ સમયથી 'ખરાબ' શ્રેણીમાં છે. બુધવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીના આકાશમાં ધુમ્મસનું ગાઢ પડ હતું. બપોરે 3 વાગ્યે શહેરનો AQI 367 નોંધાયો હતો, જે 'ખૂબ નબળી' શ્રેણીમાં આવે છે. ઘણા મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા પહેલાથી જ 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: Delhi માં હાઈ વોલ્ટેજ ડ્રામા, વ્યક્તિએ પોલીસને બાનમાં લીધા, Video Viral