દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ અંગે પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી ભયાનકતા, 'એક માનવ હાથ અને ફેફસાં પડેલા જોયા'
- Delhi Blast: દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ થતા 9 લોકોના મોત
- આ બ્લાસ્ટમાં 40થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત
- વિસ્ફોટ અંગે પ્રત્યક્ષદર્શીએ વર્ણવી વિસ્ફોટની ભયાનકતા
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં એક કારમાં (Delhi Red Fort Car Blast) થયેલા ભીષણ વિસ્ફોટની ભયાનકતાના દ્રશ્યો સામે આવ્યા છે. આ આઘાતજનક ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોનાં મોત અને ચાલીસ જેટલા ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કાર સળગી ગઈ અને નજીકમાં પાર્ક કરેલા ત્રણથી ચાર અન્ય વાહનોમાં પણ આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના (Delhi Red Fort Car Blast Eyewitness) વર્ણન પરથી ઘટનાની તીવ્રતાનો અંદાજ આવે છે. એક પ્રત્યક્ષદર્શી અયુબ રહેમાને જણાવ્યું કે, "જ્યારે વિસ્ફોટ થયો ત્યારે હું મારી દુકાનમાં બેઠો હતો. અચાનક, એક જોરદાર વિસ્ફોટ થયો. મેં મારા જીવનમાં ક્યારેય આટલો જોરદાર વિસ્ફોટ સાંભળ્યો નથી. હું ત્રણ વાર નીચે પડી ગયો. એવું લાગ્યું કે હું મરવાનો છું, જાણે મૃત્યુ મારી સામે રાહ જોઈ રહ્યું હોય."
Delhi Blast : પ્રત્યક્ષદર્શીએ વર્ણવી વિસ્ફોટની ભયાનકતા
આ ઘટનાના બીજા એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, "એક શક્તિશાળી વિસ્ફોટ થયો, અને હું આઘાત પામ્યો. મને ઘણા લોકોના ફોન આવવા લાગ્યા. દૂરથી, મેં ત્યાં એક માનવ હાથ અને ફેફસાં પડેલા જોયા." સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, "હું ગુરુદ્વારામાં હતો ત્યારે મેં જોરદાર અવાજ સાંભળ્યો. અમે સમજી શક્યા નહીં કે તે શું હતું, તે ખૂબ જ જોરથી હતું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વાહનોના ટુકડા થઈ ગયા અને નજીકમાં પાર્ક કરેલા ઘણા વાહનો સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા." સ્થાનિક રહેવાસી રાજધર પાંડેએ પણ પોતાના ઘરમાંથી આગની જ્વાળાઓ જોઈ હોવાનું જણાવ્યું હતું.
પોલીસ સહિત તપાસ એજન્સીએ ઘટનાસ્થળે
દિલ્હી ફાયર સર્વિસને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વિસ્ફોટની માહિતી મળી હતી. જ્યારે ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને એક કાર સંપૂર્ણપણે નાશ પામેલી અને નજીકના અનેક વાહનોમાં આગ લાગી હોવાનું જણાયું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા છે, જ્યારે પાંચથી છ અન્ય ઘાયલ થયા છે. વિસ્ફોટની તીવ્રતા જોતાં મૃત્યુઆંક વધી શકે છે. ઘટના પછી તરત જ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી. NSG, NIA અને ફોરેન્સિક વિભાગની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ગૃહમંત્રી દિલ્હીમાં બનેલી ઘટના અંગે ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર સાથે સતત સંપર્કમાં છે. CRPF DIG કિશોર પ્રસાદ પણ ઘટનાસ્થળે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ થતા 9 લોકોના મોત,14થી વધુ ઘાયલ