Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Red Fort Blast Live Updates : કેન્દ્ર સરકારે કરી પુષ્ટિ, દિલ્હી બ્લાસ્ટ 'આતંકી ઘટના', કેબિનેટે આ અંગે પ્રસ્તાવ કર્યો પસાર

delhi red fort blast live updates   કેન્દ્ર સરકારે કરી પુષ્ટિ   દિલ્હી બ્લાસ્ટ  આતંકી ઘટના   કેબિનેટે આ અંગે પ્રસ્તાવ કર્યો પસાર
Advertisement
  • Delhi Red Fort Blast Live Updates
  • દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA ફરી કરશે ઘટનાસ્થળ પર તપાસ
  • ગૃહ મંત્રાલયે બ્લાસ્ટ કેસની તપાસ NIAને સોંપી છે
  • તમામ એજન્સીઓ NIAને કરશે સહયોગ
  • ઉચ્ચ સ્તરીય બેઠક બાદ MHAનો નિર્ણય

Delhi Red Fort Blast Live Updates : સોમવારે સાંજે લગભગ 6:52 વાગ્યે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક ભયાનક વિસ્ફોટ થતા આસપાસનો વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. એક ચાલતી હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા આ વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે નજીકમાં પાર્ક કરેલા અન્ય વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર LNJP હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગૃહ મંત્રાલયે બ્લાસ્ટ કેસની તપાસ NIAને સોંપી

ઘટનાની જાણ થતાં જ તપાસ એજન્સીઓ તુરંત સ્થળ પર પહોંચી હતી, અને હવે આ કેસની તપાસની જવાબદારી NIA (National Investigation Agency) દ્વારા સંભાળવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં વિસ્ફોટ માટે એમોનિયમ નાઈટ્રેટ અને ડેટોનેટર જેવા પદાર્થોનો ઉપયોગ થયો હોવાનું અનુમાન છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ચલાવનાર શંકાસ્પદ વ્યક્તિની ઓળખ પુલવામાના ડૉક્ટર ઉમર મોહમ્મદ તરીકે થઈ છે, જેનો ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલ સાથે કથિત સંબંધ હોવાનું કહેવાય છે.

Advertisement

Advertisement

દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, "ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં." હાલમાં દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષાના ભાગરૂપે લાલ કિલ્લાની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. સુરક્ષા એજન્સીઓ આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો કે ઉતાવળમાં થયેલો વિસ્ફોટ, તે જાણવા માટે CCTV ફૂટેજ સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

માસ્ટરમાઇન્ડ આતંકી ડૉ. ઉમર નબી દિલ્હીની ફૈઝ ઈલાહી મસ્જિદમાં રોકાયો

November 12, 2025 9:44 pm

લાલ કિલ્લાના બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ ગણાતા ડૉ. ઉમર નબી અંગે તપાસ એજન્સીઓને વધુ એક મોટો અને સનસનાટીભર્યો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ કરતા પહેલા ઉમર દિલ્હીની ફૈઝ ઈલાહી મસ્જિદમાં રોકાયો હતો. આ મસ્જિદ દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદથી માત્ર 2 કિલોમીટર દૂર સાંકડી ગલીઓમાં આવેલી છે. તપાસ એજન્સીઓ હવે ઉમર મસ્જિદમાં ક્યારે અને કેટલો સમય રોકાયો હતો, તેમજ ત્યાં તેણે કોને કોને મળ્યો હતો તે અંગેના પુરાવાઓ એકઠા કરી રહી છે.

કેન્દ્ર સરકારે કરી પુષ્ટિ, દિલ્હી બ્લાસ્ટ આતંકી ઘટના

November 12, 2025 9:34 pm

કેન્દ્ર સરકારે કરી પુષ્ટિ, દિલ્હી બ્લાસ્ટ 'આતંકી ઘટના', કેબિનેટે આ અંગે પ્રસ્તાવ કર્યો પસાર લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના સંદર્ભમાં હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠકમાં આ વિસ્ફોટને સ્પષ્ટપણે 'આતંકી ઘટના' તરીકે જાહેર કરીને આ અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ સાથે જ સરકારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ ઘટના કોઈ આકસ્મિક બનાવ નહોતો, પરંતુ પૂર્વ-આયોજિત આતંકવાદી કૃત્ય હતું. કેબિનેટે આતંકવાદના આ કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરી છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ પ્રસ્તાવ પસાર થવાથી હવે તપાસની દિશા અને ઝડપ વધુ આક્રમક બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય જોડાણો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

દિલ્હી બ્લાસ્ટનું તુર્કી કનેક્શન!

November 12, 2025 8:14 pm

લાલ કિલ્લાની બહાર થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટની તપાસમાં આંતરરાષ્ટ્રીય જોડાણનો મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી ઉમર નબી અને મુઝમ્મિલને પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના હેન્ડલર્સ તુર્કીમાં મળ્યા હતા. આ જોડાણ વિસ્ફોટના કાવતરાના મૂળને દર્શાવે છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટમાં સૈન્ય ગ્રેડના વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે પાકિસ્તાની સેનાની સંડોવણીની શંકા વધી ગઈ છે.

દેશના 5 મુખ્ય એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી,દિલ્હી-મુંબઈ સહિત તમામ એરપોર્ટ પર હાઈ એલર્ટ

November 12, 2025 6:29 pm

આજે બપોરે ઈન્ડિગો એરલાઈન્સને એક અજાણ્યા અને બેનામી કોલ દ્વારા દેશના પાંચ મહત્ત્વના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. જે એરપોર્ટને નિશાન બનાવવાની ધમકી મળી છે તેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને ત્રિવેન્દ્રમ એરપોર્ટનો સમાવેશ થાય છે. ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને તમામ પાંચ એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે સુરક્ષા વધારીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. CISF, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા એરપોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે

ડૉ. ઉમરની લાલ ઈકો સ્પોર્ટ્સ કાર મળી આવી

November 12, 2025 6:20 pm

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં વધુ એક મોટો અને મહત્ત્વનો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી ડૉ. ઉમર નબીની માલિકીની બીજી એક કાર, લાલ રંગની 'ઈકો સ્પોર્ટ્સ' કાર હરિયાણામાંથી મળી આવી છે. તપાસ એજન્સીઓએ હરિયાણાના ખંડાવલી ગામ નજીક આવેલા ડૉ. ઉમરના એક દોસ્તના ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી આ કાર જપ્ત કરવામાં આવી છે. આ કારની રજિસ્ટ્રેશન પ્લેટ DL10 CK 0458 છે અને તે ડૉ. ઉમરના નામે નોંધાયેલી છે. અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ કારનો ઉપયોગ કાવતરાના ભાગરૂપે વિસ્ફોટક સામગ્રીની હેરફેર માટે થયો હતો કે કેમ. આ બીજી કાર મળી આવતાં, તપાસ એજન્સીઓનું માનવું છે કે આ ફાર્મ હાઉસનો ઉપયોગ આતંકી મોડ્યુલના મીટિંગ પોઈન્ટ અથવા વિસ્ફોટક સંગ્રહવા માટે થતો હશે, જેનાથી જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનની વધુ વિગતો મળી શકે છે.

કાશ્મીરી ડોક્ટર નિસાર ઉલ હસનની શોધખોળ તેજ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવણીનો પૂર્વ રેકોર્ડ

November 12, 2025 4:49 pm

દિલ્હી પોલીસે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વધુ એક કાશ્મીરી ડોક્ટર, નિસાર ઉલ હસનની શોધખોળ તીવ્ર કરી છે. વિસ્ફોટની ઘટના બાદથી આ શંકાસ્પદ ડોક્ટર ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે પોલીસની શંકા વધુ ગાઢ બની છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ડોક્ટર નિસાર ઉલ હસનનો પૂર્વ રેકોર્ડ શંકાસ્પદ છે; તેને અગાઉ 2023માં કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર સરકારી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. પોલીસ માને છે કે ડોક્ટર નિસાર પાસે આ કેસને લગતી મહત્ત્વની માહિતી હોઈ શકે છે, તેથી તેને વહેલી તકે પકડી પાડવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો : શંકાસ્પદો પાસે બીજી કાર પણ હતી

November 12, 2025 4:01 pm

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસમાં દિલ્હી પોલીસને એક મહત્ત્વપૂર્ણ કડી મળી છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ કેસના શંકાસ્પદો પાસે માત્ર હ્યુન્ડાઇ i20 કાર જ નહીં, પરંતુ એક લાલ રંગની Ford EcoSport કાર પણ હતી. આ નવી માહિતીના આધારે, દિલ્હી પોલીસ કમિશનરના આદેશથી દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, ચેકપોસ્ટો અને સરહદી ચોકીઓને તાત્કાલિક અસરથી આ લાલ Ford EcoSport કારને શોધવા માટે તકેદારી રાખવા જણાવાયું છે. હાલમાં, 5 જુદી જુદી પોલીસ ટીમો આ બંને વાહનોના ઠેકાણા અને શંકાસ્પદોની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એટલું જ નહીં, દિલ્હી પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પણ આ લાલ કાર અંગેની વિગતો આપીને સહયોગ માટે સતર્ક કરવામાં આવ્યા છે, જેથી શંકાસ્પદો રાજ્યની સરહદ પાર કરીને ભાગી ન જાય.

જૈશ મોડ્યુલ કેસમાં 22 લોકોની અટકાયત

November 12, 2025 3:20 pm

જૈશ મોડ્યુલ સાથે જોડાયેલા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 22 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમાં 4 ડોક્ટરો અને 1 મૌલવી સહિત 17 અન્ય શંકાસ્પદ લોકોનો સમાવેશ થાય છે. જોકે, આમાંથી 5 લોકોની પૂછપરછ પૂર્ણ થયા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ કાર્યવાહીની સાથે જ, જમ્મુ અને કાશ્મીર પોલીસના નેતૃત્વ હેઠળની પાન વેલી ઓપરેશનમાં 900થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ કરાયેલા લોકોમાં જમાત-એ-ઇસ્લામીના ભૂતપૂર્વ કાર્યકરો તેમજ શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સત્તાવાળાઓ દ્વારા આ મોડ્યુલની ગતિવિધિઓ અને તેના જોડાણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

PM મોદી ઘાયલોને મળવા પહોંચ્યા

November 12, 2025 3:00 pm

PM નરેન્દ્ર મોદી દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘાયલોને મળવા પહોંચ્યા છે. તેઓ ભૂટાનની મુલાકાત પૂર્ણ કર્યા પછી હમણાં જ દિલ્હી પહોંચ્યા છે.

ફરીદાબાદ પોલીસે અલ-ફલાહ યુનિવર્સિટીમાં i20 કાર પાર્ક હોવાના અહેવાલોને નકાર્યા

November 12, 2025 2:56 pm

ફરીદાબાદ પોલીસે તાજેતરમાં પ્રસારિત થયેલા મીડિયા અહેવાલોને સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાલ કિલ્લા વિસ્ફોટમાં સંડોવાયેલી શંકાસ્પદ i20 કાર છેલ્લા દસથી અગિયાર દિવસથી ધૌજ ખાતેની અલ-ફલાહ યુનિવર્સિટીમાં પાર્ક કરવામાં આવી હતી. પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ સંદર્ભમાં કોઈ સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી અને આ પ્રકારના અહેવાલો ભ્રામક અને સત્યથી વેગળા છે. પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ આવી અપુષ્ટ અફવાઓ પર ધ્યાન ન આપે અને માત્ર પોલીસ દ્વારા જારી કરાયેલી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરે.

NIAની તપાસનો ધમધમાટ : અલ-ફલાહ મેડિકલ કોલેજ પર સંકજો!

November 12, 2025 1:41 pm

દિલ્હી કાર બ્લાસ્ટ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ટૂંક સમયમાં જ ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ મેડિકલ કોલેજની મુલાકાત લે તેવી શક્યતા છે. એજન્સીને શંકા છે કે જૈશ-એ-મોહમ્મદ (JeM) મોડ્યુલ સાથે સંકળાયેલા ડૉક્ટરો દ્વારા આ કોલેજનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે કરવામાં આવતો હતો. આ શંકા ત્યારે વધુ દૃઢ બની જ્યારે 8 નવેમ્બરના રોજ કોલેજમાંથી હથિયારો, પિસ્તોલ અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોડ્યુલનો એક ડૉક્ટર, ડૉ. મુઝમ્મિલ, કોલેજમાં કામ કરતો હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દિલ્હી કાર બ્લાસ્ટના મુખ્ય આરોપી મનાતા અન્ય ડૉક્ટર, ડૉ. ઉમર, એજન્સીની કાર્યવાહી સઘન બનતા ભાગી છૂટ્યા છે. NIA હવે આ સમગ્ર નેટવર્કની ઊંડાઈ અને કોલેજમાં સંભવિત સહયોગીઓની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરવા માટે તૈયાર છે.

કાનપુરમાં 9 શંકાસ્પદોની અટકાયત

November 12, 2025 1:31 pm

દિલ્હી બોમ્બ વિસ્ફોટના સંબંધમાં પોલીસે કાનપુરના વિવિધ વિસ્તારોમાંથી 9 શંકાસ્પદોની અટકાયત કરી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે.

દિલ્હી બોમ્બ વિસ્ફોટો અંગે અલ-ફલાહ યુનિવર્સિટીએ શું કહ્યું?

November 12, 2025 12:45 pm

અલ-ફલાહ યુનિવર્સિટીએ બોમ્બ વિસ્ફોટો પર દુ:ખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે તેના બે ડોકટરોની અટકાયત કરવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં કોઈ વિસ્ફોટક કે રસાયણો મળ્યા નથી.

સુરક્ષા કર્મચારીઓ સાથે સહયોગ કરો

November 12, 2025 12:40 pm

દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશને એક નોટિસ જારી કરીને દિલ્હીમાં સુરક્ષા ચેતવણીને ધ્યાનમાં રાખીને વકીલોને સુરક્ષા કર્મચારીઓ સાથે સહયોગ કરવા વિનંતી કરી છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 6 મોબાઈલ ફોન મળી આવ્યા

November 12, 2025 12:39 pm

દિલ્હી બ્લાસ્ટના સંબંધમાં પરવેઝ અન્સારીના ઘરેથી એક આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ સહિત 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કીપેડવાળા કેટલાક મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.

દિલ્હી બ્લાસ્ટમાં 12 ના મોતમાંથી 8 મૃતદેહોની થઈ ઓળખ

November 12, 2025 12:11 pm

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા કુલ 12 લોકોમાંથી 8 મૃતદેહોની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેમના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ, બાકીના મૃતદેહોના માત્ર શરીરના અંગો જ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. હોસ્પિટલમાં હાલમાં આ 4 મૃતદેહોના અવશેષોની ઓળખ માટે DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે વિસ્ફોટગ્રસ્ત i20 કારમાંથી મળેલા મૃતદેહની ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, મૃતક આરોપી ડૉ. ઓમર હોવાની શંકાના આધારે તેમની માતાના DNA સેમ્પલ કાશ્મીરથી લેવામાં આવ્યા છે, જેની સરખામણી કારમાંથી મળેલા મૃતદેહ સાથે કરવામાં આવશે.

દિલ્હી બ્લાસ્ટ પહેલાના કારના CCTV ફૂટેજ આવ્યા સામે

November 12, 2025 11:26 am

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં એક મહત્ત્વપૂર્ણ પુરાવો સામે આવ્યો છે. પોલીસને બ્લાસ્ટ પહેલાના કારના સીસીટીવી (CCTV) ફૂટેજ પ્રાપ્ત થયા છે. આ ફૂટેજમાં વિસ્ફોટ થયો તે પહેલાંની કારની ગતિવિધિઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તપાસ એજન્સીઓ માટે આ ફૂટેજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તેના દ્વારા આરોપીઓએ કારને ક્યાંથી લીધી, કયા માર્ગનો ઉપયોગ કર્યો અને કયા સમયે તેઓ ઘટનાસ્થળ નજીક પહોંચ્યા તેની ટાઇમલાઇન તૈયાર કરવામાં મદદ મળશે. આ નવા CCTV ફૂટેજ કેસની ગુથ્થી ઉકેલવામાં અને આરોપીઓના ઇરાદાઓ વિશે વધુ ચોક્કસ માહિતી મેળવવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ફરીદાબાદમાંથી વિસ્ફોટક પ્રકરણના મુખ્ય આરોપીની અટકાયત

November 12, 2025 11:23 am

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં જમ્મુ-કાશ્મીર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે ફરીદાબાદમાંથી મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ હાફિઝ ઇશ્તિયાકની અટકાયત કરી છે અને તેને વધુ પૂછપરછ માટે શ્રીનગર લઈ જવામાં આવ્યો છે. સામે આવેલી માહિતી મુજબ, આરોપી ડૉ. મુઝમ્મિલે ફરીદાબાદમાં હાફિઝ ઇશ્તિયાકનું મકાન ભાડે લીધું હતું. આ ભાડે લીધેલા મકાનના રૂમમાંથી જ તપાસ દરમિયાન 2563 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. વિસ્ફોટકનો આ જંગી જથ્થો સૂચવે છે કે આતંકવાદીઓ કોઈ મોટો વિનાશકારી હુમલો કરવાની તૈયારીમાં હતા. હાફિઝ ઇશ્તિયાકની પૂછપરછમાં આ સમગ્ર મોડ્યુલ અને વિસ્ફોટકોના સ્ત્રોત વિશે મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સનસનીખેજ ખુલાસો! 26 જાન્યુઆરીએ લાલ કિલ્લો હતો નિશાન પર

November 12, 2025 11:21 am

દિલ્હી કાર બ્લાસ્ટ કેસની તપાસમાં એક સૌથી મોટો અને સનસનીખેજ ખુલાસો થયો છે, જેણે સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા ડૉ. મુઝમ્મિલની પૂછપરછ દરમિયાન આ માહિતી બહાર આવી છે કે આતંકવાદીઓનો મૂળ પ્લાન લાલ કિલ્લાને ટાર્ગેટ કરવાનો હતો, અને તે પણ 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ)ના રોજ. ડૉ. મુઝમ્મિલ અને અન્ય આરોપી ડૉ. ઉમર મોહમ્મદે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ લાલ કિલ્લાની રેકી (જાસૂસી) કરી હતી. આ સમગ્ર ષડયંત્રની જાણકારી ડૉ. મુઝમ્મિલના ફોનના ડમ્પ ડેટા (Dump Data) ના પૃથ્થકરણ પરથી મળી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું કાવતરું ઘડાયું હતું, જેનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ ડહોળવાનો હતો.

દિલ્હી બ્લાસ્ટને પગલે એરપોર્ટ પર સુરક્ષા સઘન

November 12, 2025 10:26 am

સોમવારે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને, દેશના તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ બદલાયેલા સુરક્ષા વાતાવરણને પગલે, મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સે તેના મુસાફરો માટે ખાસ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરી હતી કે હવે મુસાફરોને બોર્ડિંગ પહેલાં ગૌણ સુરક્ષા તપાસ (Secondary Security Check) માંથી પસાર થવું પડી શકે છે. ઇન્ડિગોએ તમામ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પ્રવેશ તપાસ, સુરક્ષા તપાસ અને ચેક-ઇન પ્રક્રિયામાં લાગનારા વધારાના સમયને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર વહેલા પહોંચે, જેથી તેમની ફ્લાઇટ્સ ચૂકી ન જવાય.

કાશ્મીરમાં સઘન શોધખોળ

November 12, 2025 10:14 am

શોપિયા પોલીસે જિલ્લામાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી (JeI) સાથે સંકળાયેલા કાર્યકરોના છુપાયેલા સ્થળો અને રહેઠાણો પર સઘન શોધખોળ શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઓપરેશન વિવિધ સ્થળોએ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ડૉ. હમીદ ફયાઝ (નદીગામ) અને મોહમ્મદ યુસુફ ફલાહી (ચિત્રગામ) સહિત અનેક લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ આતંકવાદી નેટવર્કને તોડવા અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને અંકુશમાં લેવાના ચાલી રહેલા વ્યાપક તપાસના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે. પોલીસનું લક્ષ્ય એવા વ્યક્તિઓ છે જેઓ ભૂતકાળમાં JeI સાથે જોડાયેલા હતા અને શાંતિ ડહોળવાના પ્રયાસો કરી શકે છે.

દિલ્હી કાર બ્લાસ્ટ કેસ! વધુ એક ડૉક્ટરની અટકાયત

November 12, 2025 10:08 am

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે, જેમાં સુરક્ષા એજન્સીઓએ ગઈકાલે રાત્રે વધુ એક ડૉક્ટરની અટકાયત કરી છે. અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ ડૉ. તજામુલ તરીકે થઈ છે, જેઓ દક્ષિણ કાશ્મીરના કુલગામના ખુર બાટપોરાના રહેવાસી છે અને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં ફરજ બજાવે છે. અગાઉ આ કેસમાં પુલવામાના એક ડૉક્ટરની સંડોવણીના અહેવાલો હતા, ત્યારે ડૉ. તજામુલની અટકાયતથી આતંકી મોડ્યુલના તાર કાશ્મીર સુધી ફેલાયેલા હોવાના સંકેતો મળી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં ડૉ. તજામુલની સઘન પૂછપરછ કરી રહી છે કે બ્લાસ્ટની ઘટનામાં તેમની શું ભૂમિકા હતી અને શું તેઓ ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલા છે કે કેમ.

This Live Blog has Ended
Advertisement

.

×