સુપ્રીમ કોર્ટના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા, તમે પણ લઈ શકશો કોર્ટરૂમની મુલાકાત
- સુપ્રીમ કોર્ટે સામાન્ય લોકો માટે પોતાના દરવાજા ખોલ્યા
- લોકો દર કાર્યકારી શનિવારે માર્ગદર્શિત પ્રવાસ દ્વારા કોર્ટના આંતરિક ભાગને જોઈ શકશે
- આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને સુપ્રીમ કોર્ટના કાર્યપ્રણાલી અને સાંસ્કૃતિક વારસાથી વાકેફ કરવાનો
Supreme Court historic step : એક ઐતિહાસિક પગલુ ભરતા, સુપ્રીમ કોર્ટે (SC) સામાન્ય લોકો માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે. હવે લોકો દર કાર્યકારી શનિવારે (વર્કિંગ સેટરડે) માર્ગદર્શિત પ્રવાસ દ્વારા આ પ્રતિષ્ઠિત કોર્ટના અંદરના ભાગને જોઈ શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી અને સાંસ્કૃતિક વારસાથી વાકેફ કરવાનો છે.
માર્ગદર્શિત પ્રવાસ દરેક કાર્યકારી શનિવારે
સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર મહેશ ટી. પાટણકરે 9 જાન્યુઆરીના રોજ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, "સક્ષમ અધિકારીના નિર્દેશો અનુસાર, માર્ગદર્શિત પ્રવાસ બીજા અને ચોથા શનિવાર અને જાહેર રજાઓ સિવાય, દરેક કાર્યકારી શનિવારે હાથ ધરવામાં આવશે. આ પ્રવાસ ચાર સ્લોટમાં હશે - સવારે 10 થી 11:30, 11:30 સવારે 1, બપોરે 2 વાગ્યાથી 3: 30 અને બપોરે 3:30 થી 5 વાગ્યા સુધી."
ઓનલાઈન બુકિંગ ફરજિયાત
આ પ્રવાસમાં જોડાવા માટે, અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવવું ફરજિયાત રહેશે. એક અધિકારીએ જણાવ્યું, "દરેક મુલાકાતી માટે ઓનલાઈન બુકિંગ સાથે પ્રવાસનું પૂર્વ આયોજન કરવામાં આવશે અને તેમને કોર્ટ સંકુલની અંદરના ઐતિહાસિક મહત્વના સ્થળો વિશે માહિતી આપવામાં આવશે," માર્ગદર્શિત પ્રવાસ દરમિયાન, જનતાને સુપ્રીમ કોર્ટના કોર્ટરૂમ, નેશનલ જ્યુડિશિયલ મ્યુઝિયમ અને આર્કાઇવ્ઝની મુલાકાત કરાવવામાં આવશે. ઉપરાંત, જનતાને SC વહીવટી ભવનમાં સ્થિત નવી જજીસ લાઇબ્રેરીની મુલાકાત લેવાની તક પણ મળશે, જ્યાં પ્રવેશ સામાન્ય રીતે પ્રતિબંધિત હોય છે.
આ પણ વાંચો : જ્યારે અમેરિકાએ મારા વિઝા નકાર્યા ત્યારે મને આઘાત લાગ્યો હતો, પણ મેં એક સંકલ્પ પણ લીધો: નરેન્દ્ર મોદી
ઇતિહાસ અને સ્થાપત્યનો પરિચય
સુપ્રીમ કોર્ટની ઇમારત 1958માં બનાવવામાં આવી હતી, જેનો શિલાન્યાસ 1954માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યો હતો. તેના ભવ્ય સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વએ તેને ભારતની ન્યાયિક વ્યવસ્થાનું પ્રતીક બનાવ્યું છે. આ પહેલ હેઠળ, જનતાને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક વારસા, ન્યાયિક પ્રક્રિયા અને તેની અંદરની સંસ્કૃતિને નજીકથી જાણવાની તક મળશે. અત્યાર સુધી કરવામાં આવેલા 296 પ્રવાસોના ફોટોગ્રાફ્સ અને માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટના ગેલેરી વિભાગમાં પણ ઉપલબ્ધ છે, જેથી ભવિષ્યના મુલાકાતીઓને પ્રવાસના અનુભવનો ખ્યાલ આવે. '
આ પ્રવાસ પહેલી વાર 2018 માં થયો હતો
સુપ્રીમ કોર્ટનો પહેલો માર્ગદર્શિત પ્રવાસ 3 નવેમ્બર 2018 ના રોજ યોજાયો હતો. ત્યારથી, આવા પ્રવાસો 296 વખત યોજવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ પરિસરમાં આ પહેલને ન્યાય વ્યવસ્થાને જનતાની નજીક લાવવા અને તેની રચનાને સમજવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી અંગે મોટી અપડેટ, આજે રાત્રે થઈ શકે છે જાહેર