I-PAC કેસ મામલે ED પહોંચી સુપ્રીમ કોર્ટના શરણે, મમતા સરકારે પણ કેવિએટ અરજી કરી દાખલ!
- I-PAC કેસ મામલે ED પહોંચી સુપ્રીમ કોર્ટ
- મમતા સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કરી છે કેવિએટ દાખલ
- ED એ મમતા સરકાર પર લગાવ્યો છે ગંભીર આરોપ
કોલકાતામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તૃણમૂલ કોંગ્રેસની રાજકીય સલાહકાર કંપની I-PAC અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો, જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે દરોડાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને કારણે કેન્દ્રીય તપાસ એજન્સી અને રાજ્ય સરકાર વચ્ચે સીધો સંઘર્ષ જોવા મળ્યો હતો.
I-PAC કેસ : EDએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
EDએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે, દરોડાની પ્રક્રિયા દરમિયાન રાજ્ય તંત્ર દ્વારા દખલગીરી કરવામાં આવી હતી. એજન્સીનો દાવો છે કે તપાસ અધિકારીઓ પાસેથી હાર્ડ ડ્રાઈવ અને મોબાઈલ ફોન સહિતની મહત્વપૂર્ણ ફાઈલો બળજબરીપૂર્વક જપ્ત કરી લેવામાં આવી હતી. રાજ્ય સરકારના અસહકારને કારણે તપાસમાં અવરોધ ઊભો થયો હોવાનું જણાવીને EDએ હવે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ CBI તપાસ કરાવવાની માંગ કરી છે.
I-PAC raids case: West Bengal government files a caveat in the Supreme Court, seeking that no order be passed without hearing its side, as ED is likely to approach the Apex court.
— ANI (@ANI) January 10, 2026
I-PAC કેસ : મમતા બેનર્જી સરકારે પણ કેવિએટ અરજી કરી દાખલ
મમતા બેનર્જીની સરકારે પણ કાનૂની મોરચે તૈયારી બતાવી છે. પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં 'કેવિએટ' અરજી દાખલ કરી છે. આ અરજી દ્વારા સરકારે કોર્ટને વિનંતી કરી છે કે EDની અરજી પર કોઈ પણ આદેશ આપતા પહેલા રાજ્ય સરકારનો પક્ષ અનિવાર્યપણે સાંભળવામાં આવે. આ કાનૂની પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પક્ષ વિરુદ્ધ એકતરફી નિર્ણય ન લેવાય.
ઉલ્લેખનીય છે કે, કેવિએટ અરજી એ સિવિલ પ્રોસિજર કોડની કલમ 148A હેઠળ આવતી એક પ્રક્રિયા છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસરે છે. હાલમાં આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં પણ સુનાવણી પડતર છે, જે આગામી 14 જાન્યુઆરીએ હાથ ધરાશે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ ગજગ્રાહમાં શું વલણ અપનાવે છે.
આ પણ વાંચો: Ayodhya Ram Mandir Security : અયોધ્યા રામ મંદિરમાં નમાઝનો પ્રયાસ કરનાર જાણો કોણ છે અહદ શેખ ?


