UP માં વીજળી મોંઘી થશે! ગ્રાહકોના ખિસ્સા પર પડશે અસર, પ્રસ્તાવ રજૂ
- ઉત્તર પ્રદેશમાં વિજળીના દરો ફરી એકવાર વધવાની શક્યતાઓ
- વીજળીના દરમાં 30 ટકાનો વધારો કરવાના પ્રસ્તાવને મંજુરી
- વીજળીના દરમાં વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડશે
UP Electricity Hike: ઉત્તર પ્રદેશમાં વિજળીના દરો ફરી એકવાર વધવાની શક્યતાઓ છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશને વીજળીના દરમાં 30 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવને વીજળી નિયમનકારી પંચે મંજૂરી આપી દીધી છે. હવે આ અંગે જુલાઈમાં સુનાવણી થશે. સુનાવણી બાદ જ નક્કી થશે કે વીજળીના દર વધશે કે નહીં. કમિશને વીજળી કંપનીઓને ત્રણ દિવસમાં આવક અને ખર્ચની સંપૂર્ણ વિગતો જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
જુલાઈમાં સુનાવણી
વાસ્તવમાં, યુપી પાવર કોર્પોરેશને પંચ સમક્ષ 2025-26 માટે વાર્ષિક રેવન્યુ રિક્વાયરમેન્ટ (ARR) ફાઇલ કરી હતી. અગાઉ તેમાં લગભગ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ થોડા દિવસો પછી, કોર્પોરેશને એક સુધારેલી ARR ફાઇલ કરી, જેમાં નુકસાન રૂ. 19,600 કરોડ હોવાનું જણાવાયું હતું. આ આધારે, વીજળીના દરમાં 30 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કમિશને તેને સ્વીકારી લીધો છે અને જુલાઈમાં તેના પર સુનાવણીની તારીખ નક્કી કરી છે.
કન્ઝ્યુમર કાઉન્સિલના પ્રમુખે આરોપ લગાવ્યો
આ મામલે કન્ઝ્યુમર કાઉન્સિલના પ્રમુખ અવધેશ કુમાર વર્માએ મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે રેગ્યુલેટરી કમિશનની વેબસાઈટ પર ARR અપલોડ કરવામાં આવી ન હતી, જે નિયમોનું ઉલ્લંઘન છે. વર્માએ આરોપ લગાવ્યો કે વીજળીના દરો વધારવાનો પ્રસ્તાવ ગુપ્ત રીતે પસાર કરવામાં આવ્યો હતો. આ પહેલી વાર છે જ્યારે પ્રસ્તાવને જાહેર કર્યા વિના ગુપ્ત રીતે મંજૂરી આપવામાં આવી હોય. તેમનું કહેવું છે કે ગ્રાહક પરિષદ આ નિર્ણયનો વિરોધ કરશે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે કોર્ટમાં જશે.
આ પણ વાંચો : AGRA : યમુના નદીમાં રીલ બનાવતી વેળાએ અકસ્માત, 6 યુવતિઓ ડૂબી
સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર
વીજળીના દરમાં વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડશે. જે લોકો પહેલાથી જ મોંઘવારીનો બોજ સહન કરી રહ્યા છે તેમણે હવે વીજળીનો વધારાનો બોજ સહન કરવો પડશે. યુપીમાં વીજળીના દરમાં અનેક ગણો વધારો થઈ ચૂક્યો છે. સરકાર હંમેશા ગ્રાહકોને રાહત આપવાનો દાવો કરતી રહે છે, પરંતુ તેમ થતુ નથી. વીજળીના દરમાં વારંવાર વધારાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.
વીજળીના દરોમાં સબસિડીના મામલે ઉત્તર પ્રદેશ દેશમાં પાંચમા સ્થાને છે. રાજસ્થાન પ્રથમ સ્થાને અને કર્ણાટક બીજા સ્થાને છે. તેમ છતાં પાવર કોર્પોરેશન વારંવાર કહી રહ્યું છે કે સરકાર વીજળીના દર વધારવામાં મદદ કરી રહી નથી. વર્માએ કહ્યું કે આ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. તેમણે માંગ કરી કે પાવર કોર્પોરેશન મેનેજમેન્ટની પ્રવૃત્તિઓની તપાસ થવી જોઈએ.
નોંધનીય છે કે રાજ્યમાં વીજ ગ્રાહક પરિષદ છેલ્લા ઘણા સમયથી વીજળીના દરો અંગે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. કાઉન્સિલનું કહેવું છે કે કોઈ પ્રસ્તાવને સાર્વજનિક કર્યા વિના પસાર કરવો ખોટું છે.
આ પણ વાંચો : Punjab પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે હતુ કનેક્શન