ગાઝિયાબાદમાં ફેક એમ્બેસી રેકેટ: હર્ષવર્ધન જૈનની ₹300 કરોડની ઠગાઈ, 162 વિદેશ યાત્રાઓ અને 25 શેલ કંપનીઓ’
- ગાઝિયાબાદમાં ફેક એમ્બેસી રેકેટ: હર્ષવર્ધન જૈનની ₹300 કરોડની ઠગાઈ, 162 વિદેશ યાત્રાઓ અને 25 શેલ કંપનીઓ’
- ₹300 કરોડની ઠગાઈ, 162 વિદેશ યાત્રાઓ, 25 ફેક કંપનીઓ: ગાઝિયાબાદના ફેક એમ્બેસી કેસના ચોંકાવનારા ખુલાસા
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફેક એમ્બેસી ચલાવવાના આરોપમાં ઝડપાયેલા હર્ષવર્ધન જૈનના કેસમાં નોઈડા એસટીએફ રોજ નવા ખુલાસાઓ કરી રહી છે. એસટીએફના અધિકારીઓના જણાવ્યા મુજબ, હર્ષવર્ધનના કવિનગર, બી-35 સ્થિત ભાડાના બંગલામાંથી મળેલા દસ્તાવેજોની તપાસમાં ખુલાસો થયો છે કે તેણે એહસાન અલી સૈયદ સાથે મળીને વિદેશમાં અનેક કંપનીઓ રજિસ્ટર કરાવી હતી.
અત્યાર સુધીમાં 25થી વધુ શેલ કંપનીઓ અને બેંક ખાતાઓની માહિતી સામે આવી છે. હર્ષવર્ધનના વિદેશમાં અનેક બેંક ખાતાઓ પણ મળ્યા છે, અને તેણે 2005થી 2015ના 10 વર્ષમાં 162 વિદેશ યાત્રાઓ કરી હતી. પોલીસ હવે હર્ષવર્ધનને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે, અને તેની કસ્ટડી રિમાન્ડની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી સોમવારે થશે.
₹300 કરોડના લોન સ્કેમની તપાસ
એસટીએફ ₹300 કરોડથી વધુના લોન સ્કેમની તપાસ કરી રહી છે, જેમાં હર્ષવર્ધનની સંડોવણી સામે આવી છે. આ સ્કેમ વિદેશમાં લોન અપાવવાના નામે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય કેટલાક સ્કેમની પણ તપાસ ચાલી રહી છે. નોઈડા એસટીએફનો દાવો છે કે હર્ષવર્ધન હવાલા અને લાયઝનિંગના કારોબારમાં પણ સક્રિય હતો.
ચંદ્રાસ્વામી અને અદનાન ખશોગી સાથે સંબંધ
હર્ષવર્ધનની મુલાકાત વિવાદાસ્પદ “ગોડમેન” ચંદ્રાસ્વામીએ સાઉદી આર્મ્સ ડીલર અદનાન ખશોગી અને લંડનમાં રહેતા એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી. એહસાન અલી સૈયદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો, પરંતુ તેણે પાછળથી તર્કીની નાગરિકતા લીધી. ચંદ્રાસ્વામીએ જ હર્ષવર્ધનને લંડન મોકલ્યો, જ્યાં તેઓએ મળીને અનેક શેલ કંપનીઓ બનાવી.
25થી વધુ શેલ કંપનીઓ અને બેંક ખાતાઓ
એસટીએફની તપાસમાં 25થી વધુ શેલ કંપનીઓની માહિતી મળી છે, જેનો ડેટા હર્ષવર્ધન પાસે હતો. આમાં યુકેમાં સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ, ઇસ્ટ ઇન્ડિયા કંપની યુકે લિમિટેડ, યુએઈમાં આઇલેન્ડ જનરલ ટ્રેડિંગ કંપની એલએલસી, મોરેશિયસમાં ઇન્દિરા ઓવરસીઝ લિમિટેડ, અને આફ્રિકાના કેમરૂનમાં કેમરૂન ઇસ્પાત એસએઆરએલનો સમાવેશ થાય છે. હર્ષવર્ધનના દુબઈમાં 6, યુકેમાં 3, મોરેશિયસમાં 1, અને ભારતમાં 1 બેંક ખાતાની પુષ્ટિ થઈ છે. આ ખાતાઓમાં થયેલા ટ્રાન્ઝેક્શનની તપાસ ચાલી રહી છે. ઉપરાંત, તેના નામે બે પાન કાર્ડ પણ મળ્યા છે.
અદનાન ખશોગી સાથે ટ્રાન્ઝેક્શન
એસટીએફ સૂત્રોના જણાવ્યા મુજબ, અદનાન ખશોગીએ 2002થી 2004 દરમિયાન હર્ષવર્ધનના બેંક ખાતામાં ₹20 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ રકમનો ઉપયોગ કયા હેતુ માટે થયો તેની તપાસ ચાલી રહી છે.
10 વર્ષમાં 162 વિદેશ યાત્રાઓ, 19 દેશોની મુલાકાત
પાસપોર્ટ રેકોર્ડમાંથી ખુલાસો થયો છે કે હર્ષવર્ધનએ 2005થી 2015 દરમિયાન 10 વર્ષમાં 162 વિદેશ યાત્રાઓ કરી, જેમાં 19 દેશોનો સમાવેશ થાય છે. તેણે સૌથી વધુ 54 વખત યુએઈ, 22 વખત યુકે, અને મોરેશિયસ, ફ્રાન્સ, કેમરૂન, પોલેન્ડ, શ્રીલંકા, ટર્કી, ઇટાલી, સેબોર્ગો, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, મલેશિયા, જર્મની, અને થાઇલેન્ડની મુલાકાત લીધી. એસટીએફ આ યાત્રાઓની વિગતોની તપાસ કરી રહી છે.
ફેક એમ્બેસીનું સંચાલન અને 20 બેંક ખાતાઓ
હર્ષવર્ધનએ શરૂઆતમાં પોતાના ઘરેથી આ કારોબાર શરૂ કર્યો હતો અને પછી ભાડાના બંગલામાં ફેક એમ્બેસી ચલાવી હતી. છેલ્લા 6 મહિનાથી તે આ બંગલામાંથી કામ કરતો હતો. તેની પાસે કુલ 20 બેંક ખાતા હતા, જેમાં 8 વિદેશી (6 દુબઈ, 3 યુકે, 1 મોરેશિયસ) અને 12 ભારતીય ખાતાઓનો સમાવેશ થાય છે. તે 25 શેલ કંપનીઓનો પણ હિસ્સો હતો.
લોનના નામે ઠગાઈ
હર્ષવર્ધન અને એહસાન અલી સૈયદે સ્વિટ્ઝરલેન્ડમાં આર્થિક સંકટનો સામનો કરતી કંપનીઓને લોન અપાવવાનું લાલચ આપીને ₹300 કરોડની ઠગાઈ કરી. એહસાને આ બહાને 25 મિલિયન પાઉન્ડ (લગભગ ₹300 કરોડ) એકત્ર કર્યા અને સ્વિટ્ઝરલેન્ડ છોડી દીધું. હાલમાં તે દુબઈમાં રહે છે અને 2022માં લંડનમાં તેની ધરપકડ થઈ હતી.
આ પણ વાંચો- બિહારમાં SIRના ફાઈનલ આંકડા જાહેર, કુલ 7.24 કરોડ મતદાતા, 65 લાખ વોટર બાકાત