UPના ગોંડામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં ખાબકી, 11નાં મોત
- બોલેરો કાર નહેરમાં ખાબકતા 11 મોત
- ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાની કરૂણ ઘટના
- કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ
- પૃથ્વીનાથ મંદિરે દર્શનાર્થે જતા હતા શ્રદ્ધાળુ
- કલેક્ટર, SP સહિતની ટીમ ઘટના સ્થળે
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યુ
- ઘાયલોને સારવાર માટેના અપાયા નિર્દેશ
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં બનેલી એક કરુણ ઘટનાથી સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. પૃથ્વીનાથ મંદિરના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો ગાડી નહેરમાં ખાબકી, જેના કારણે 11 લોકોનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર છે. આ અકસ્માતનું પ્રાથમિક કારણ ઓવરલોડિંગ હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ પામેલા તમામ લોકો મોતીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
જે બોલેરોમાં આ શ્રદ્ધાળુઓ સવાર હતા, તે ફક્ત 7 લોકોની ક્ષમતા માટે અધિકૃત હતી, પરંતુ તેમાં કુલ 15 લોકો સવાર હતા. એટલે કે, ક્ષમતા કરતાં 8 લોકો વધુ બેઠા હતા. આ ભારે વજનને કારણે ગાડી પરનું નિયંત્રણ ગુમાવી બેઠો અને તે નહેરમાં ખાબકી. આ અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ડૂબી જવાથી 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, અને બાકીનાને માંડ બચાવી શકાયા.
પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
મળતી માહિતી અનુસાર, અકસ્માત બાદ બોલેરોમાં એટલી જગ્યા પણ બચી ન હતી કે લોકો બહાર નીકળી શકે. બોલેરો પાણીમાં પડ્યા બાદ અંદર ફસાઈ જવાથી 11 લોકોના કરુણ મોત થયા. હાલમાં, પોલીસ આ ઘટના અને તેના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
શું કહે છે મોટર વ્હીકલ એક્ટ?
મોટર વાહન અધિનિયમ મુજબ, કોઈપણ પેસેન્જર વાહનમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવા એ કાયદાકીય ગુનો છે. આ જવાબદારી ડ્રાઈવર અને વાહન માલિક બંનેની હોય છે. તેમ છતાં, ગ્રામીણ વિસ્તારોમાં તહેવારો, ધાર્મિક કાર્યક્રમો કે લગ્ન જેવા પ્રસંગોએ આ નિયમનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળે છે.
મૃતકના પરિવારને 5-5 લાખની સહાય
ગોંડાના આ દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડું શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃત્યુ પામેલા 11 લોકોના પરિવારજનોને ₹5-5 લાખની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, ઘાયલોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
CM યોગી આદિત્યનાથે આપ્યા તપાસના આદેશ
સીએમ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, જિલ્લા પ્રશાસન પીડિત પરિવારો સાથે સતત સંપર્કમાં છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે. સીએમ યોગીએ અધિકારીઓને આ અકસ્માતના કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરવા સૂચના આપી છે.