ગૂગલ મેપના રસ્તે ગયા, અચાનક આવી ગઈ મુશ્કેલી
આજના ડિજિટલ યુગમાં લોકો અજાણ્યા રસ્તા માટે ગૂગલ મેપ (Google Map)નો સહારો લે છે, પરંતુ ઉત્તર પ્રદેશના હાપુડમાં આ જ ટેક્નોલોજી એક પરિવાર માટે મુશ્કેલીનું કારણ બની ગઈ. પ્રીત વિહાર વિસ્તારમાં ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા રસ્તા પર જતા પરિવારની કાર સીધી ચાર ફૂટ ઊંડા નાળામાં પડી ગઈ હતી. કારમાં સવાર પાંચ લોકોમાં મોહમ્મદ ઈશાન, ગુડ્ડી, સાદિક અને બે બાળકો રેશુ તથા તાહિરનો સમાવેશ થાય છે. પરિવાર મૂળ ગૌતમ બુદ્ધ નગરના દાદરી વિસ્તારનો રહેવાસી છે અને તેઓ કિઠૌર તરફ જઈ રહ્યા હતા.
ટ્રાફિકથી બચવા લીધો ગૂગલ મેપનો સહારો, પરંતુ બની મોટી ઘટના
મળતી માહિતી પ્રમાણે પરિવારની કાર મેરઠ તરફ જતા રેલવે ઓવરબ્રિજ પાસે ટ્રાફિકમાં ફસાઈ હતી. ત્યારબાદ ડ્રાઈવરે વૈકલ્પિક રસ્તો શોધવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હતો. ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા માર્ગ પર ચાલતા તેઓ હાપુડના પ્રીત વિહાર વિસ્તારમાં પહોંચ્યા હતા. અંધારું અને અજાણ્યા રસ્તાના કારણે ડ્રાઈવર આગળ રહેલા નાળાને યોગ્ય રીતે જોઈ શક્યો નહોતો અને કાર સીધી તેમાં ખાબકી હતી.
દરવાજા લોક થઈ ગયા, પરિવાર બે કલાક સુધી કારમાં ફસાયો
અકસ્માત બાદ કારના દરવાજા લોક થઈ ગયા હતા, જેના કારણે અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. પરિવારના સભ્યોએ બહાર આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહોતી. ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડ્યા બાદ ડાયલ-112 (Dial 112) પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી.
બે કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામ લોકોને બચાવાયા
બચાવ ટીમ માટે પણ આ ઓપરેશન સરળ નહોતું કારણ કે કાર નાળામાં ફસાઈ ગઈ હતી અને સ્થિતિ જોખમી હતી. જોકે, ટીમે સાવચેતીપૂર્વક કામગીરી કરીને લગભગ બે કલાકની મહેનત બાદ કારમાં ફસાયેલા તમામ પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે અજાણ્યા રસ્તાઓ પર માત્ર ડિજિટલ નેવિગેશન પર સંપૂર્ણ આધાર રાખવાને બદલે આસપાસની સ્થિતિનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
આ પણ વાંચો : Train Ticket Booking Update : ચાલતી ટ્રેનમાં પણ મળશે કન્ફર્મ સીટ, જાણો રેલવેના આ નવા નિયમ વિશે