Himachal Heavy Rain: હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર
Himachal Pradesh Kullu Heavy Rain: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં (Himachal Pradesh Kullu Heavy Rain)આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, પાર્વતી નદી ગાંડીતૂર બની છે. જો કે, અત્યારસુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ભારે વરસાદના કારણે 20થી 25 વાહનોને નુકસાન થયું છે. જનજીવન ખોરવાયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.
નિર્મંદના એસડીએમ મનમોહન સિંહે જણાવ્યું હતું કે, અનારાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જો કે, હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઝાક્રીમાં હિન્દુસ્તાન- તિબેટ રોડ (નેશનલ હાઈવે 5) પર ભૂસ્ખલનની ઘટના પણ બની છે.
સતલુજ નદીમાં પૂરની સ્થિતિ
સતલુજ નદીની જળ સપાટી વધી છે. જેમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે. અમુક સ્થાનિકોએ આભ ફાટ્યું હોવાનું નિવેદન આપ્યું છે. સત્તાધીશોએ પણ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ માટે એલર્ટ આપ્યું છે. સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ નદી-તળાવના કિનારે ન જાય. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લો. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.
ગુજરાતમાં પણ ચોમાસાનો કહેર ચાલુ છે
તમને જણાવી દઈએ કે હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. બીજી તરફ, ગુજરાતના 26 જિલ્લાઓમાં ભારે વરસાદથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ભારે વરસાદને કારણે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સુરત તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં હજુ સુધી કોઈ રાહત નથી. રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
રાજસ્થાનમાં ભારે વરસાદ
બીજી તરફ, રાજસ્થાનમાં ચોમાસાનો કહેર ચાલુ છે. એક દિવસ પહેલા, મંગળવારે, રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજધાની જયપુરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિવસભર જયપુરમાં 77.8 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો. આમાં, સીકરમાં 13 મીમી, ડુંગરપુરમાં 10 મીમી, માઉન્ટ આબુમાં 7 મીમી, પ્રતાપગઢમાં 4 મીમી, કોટામાં 2.9 મીમી વરસાદ નોંધાયો હતો.
ચોમાસુ ચંદીગઢ અને હરિયાણામાં પણ પહોંચી ગયું છે.
ચંદીગઢ અને હરિયાણાના ઘણા ભાગોમાં ચોમાસુ પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગે 25 જૂનથી 30 જૂન દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે.