Pune Accident: મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત,પિક-અપ વાને 8 વાહનોને ફંગોળ્યા
- મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ભયાનક અકસ્માત થયો (Pune Accident )
- પીક-અપ વાને સાતથી આઠ વાહનોને ફંગોળ્યા
- સાત લોકોના ઘટનાસ્થળે જ મોત,35 લોકો ઈજાગ્રસ્ત
Pune Accident : મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ભયાનક અકસ્માત થયો છે. અહીં એક પૂરઝડપે દોડી રહેલા પીક-અપ વાને સાતથી આઠ વાહનોને ફંગોળી નાખ્યા છે, જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટનાસ્થળે બૂમાબૂમ મચી ગઈ હતી.
મૃત્યુઆંક વધવાની સંભાવના (Pune Accident )
મળતી વિગતો મુજબ, પૂણે જિલ્લાના ખેડ તાલુકાના કુંડેશ્વરમાં શિક્રાપુર-ચાકન રોડ પર કરાંદી ગામ પાસે પૂરપાટ દોડી રહેલા પીક-અપ વાને આ અકસ્માત સર્જ્યો છે. પીક-અપ વાને સાતથી આઠ વાહનોને ફંગોળ્યા બાદ તમામ વાહનોને ભારે નુકસાન થયું છે. રિપોર્ટ મુજબ, મૃતકો અને ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. અધિકારીઓને આશંકા છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ પણ વાંચો -Sports Bill : સરકાર BCCI પર રાખશે નજર! શું ભારતીય ક્રિકેટ બોર્ડની વધશે મુશ્કેલી?
પીક-અપ વાને સાતથી આઠ વાહનોને ફંગોળ્યા (Pune Accident )
ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, પીક-અપ વાનનો ડ્રાઇવર પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. વાનનો ડ્રાઇવર વાહન પર કાબુ ગુમાવી બેઠો હતો, જેમાં તેણે સાતથી આઠ વાહનોને ફંગોળી નાખ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, પીક-અપ વાને અનેક વાહનોને રસ્તા પર જ પલટી નાખ્યા છે, જેમાં સવાર અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો -Tariff : ટ્રમ્પનો ટેરિફ થઈ જશે 'ફેલ'! ભારત 50 દેશ સાથે કરશે વેપાર!
અનેકની હાલત ગંભીર
વાન અનેક વાહનોને અથડાયા બાદ એક દુકાનમાં પણ ઘૂસી ગયું હતું, જેમાં ત્યાં ભારે નુકસાન થયું છે. અકસ્માત થતાં આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને તાત્કાલિક લોકોને બચાવવાની કામગીરી શરુ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં અનેકની હાલત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. પોલીસે મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ઘટનાની તપાસ શરુ કરી દીધી છે.
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
ઘટનાની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રના પૂણેમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.