45નું BJP, 45ના NITIN: દિગ્ગજોના નામ વચ્ચે પટનાથી પાર્ટી મુખ્યમથક કેવી રીતે પહોંચ્યા નીતિન?
.નીતિન નવીન બિહાર સરકારમાં મંત્રી તરીકે કાર્યરત
.નીતિન કાર્યકારીમાંથી પૂર્ણ સ્તરની અધ્યક્ષ તરીકેની જવાબદારી મળશે?
.2026ની શરૂઆતમાં ભાજપના અધ્યક્ષ પદની ચૂંટણી
પટના: ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન સોમવારે પટનાથી દિલ્હી જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા રવિવારે સાંજે પટનાની બાંકીપુર બેઠકથી ધારાસભ્ય અને નીતિશ કુમારની સરકારમાં મંત્રી નીતિન નવીનની નિયુક્તિને એક જમીની કાર્યકર્તા, કુશળ સંગઠનકર્તા અને ચૂંટણી પ્રબંધકના પ્રમોશન તરીકે જોવાઈ રહી છે. સંજોગો દર્શાવે છે કે ભાજપ હાલ 45 વર્ષ જૂની પાર્ટી છે અને તેનું નેતૃત્વ માટે પસંદ કરાયાલે નીતિન નવીન પણ 45 વર્ષના છે. ભાજપની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી. જ્યારે નીતિન નવીનનો જન્મ 23 મે, 1980ના રોજ થયો હતો.
નીતિન નવીન હાલ ભાજપના કાર્યકારી અધ્યક્ષ છે. 2019માં પાર્ટી અધ્યક્ષ રહેલા અમિતભાઈ શાહના નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મંત્રી બન્યા બાદ જે. પી. નડ્ડાને પહેલા કાર્યકારી અને 2020માં પૂર્ણ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાજનીતિના જાણકાર નીતિન નવીનની નિયુક્તિને 2026ની શરૂઆતમાં યોજાનારી ભાજપ અધ્યક્ષની ચૂંટણી પહેલા આવા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. કાયસ્થ જાતિમાંથી આવતા નીતિનની તાજપોશીથી ભાજપની કેડરમાં સંદેશ જશે કે વસ્તીમાં જાતિગત હિસ્સો ઓછો હોય, તો પણ કામમાં દમ હોય તો પાર્ટીના અધ્યક્ષ પણ બની શકાય છે.
શિવરાજ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, ખટ્ટર જેવા દિગ્ગજોના ચાલતા હતા નામ
જે. પી. નડ્ડાના સ્થાને BJP અધ્યક્ષ બનવાની રેસમાં શિવરાજસિંહ ચૌહાન, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનોહરલાલ ખટ્ટર, કેશવપ્રસાદ મૌર્ય સહીતના ઘણાં દિગ્ગજોના નામ ચાલી રહ્યા હતા. પરંતુ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે દરેક વખતની જેમ આગામી ભાજપ અધ્યક્ષને લઈને સૌને ચોંકાવી દીધી છે. નીતિન નવીનની પસંદગી અને પ્રમોશન નિશ્ચિતપણે ઘણાં કારણોથી થયું હશે. પરંતુ પોતાની બેઠક બાંકીપુર પર વારંવાર જીત અને છત્તીસગઢમાં પાર્ટીની ચૂંટણીમાં સફળતા બે મહત્વના કારણો હશે. નીતિશ કુમાર સરકારમાં મંત્રી તરીકે કામ કરી રહેલા નીતન નવીનનું કામકાજ વિવાદોથી દૂર રહેનારા જમીની સ્તરના નેતાનું રહ્યું છે. નીતિન નવીનના ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ નવી ટીમમાં યુવાઓની ભાગીદારી પણ વધવાના પ્રબળ આસાર છે, કારણ કે જ્યારે અધ્યક્ષ જ 45 વર્ષના છે, તો ઉપાધ્યક્ષ અને મહાસચિવ પણ આટલી વયની આસપાસના હોવાની શક્યતાઓ પ્રબળ છે.
બિહારથી પહેલીવાર સૌથી ઓછી વયના BJP અધ્યક્ષ હશે નીતિન નવીન
નીતિન નવીનના ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનવાની સાથે ઘણી વાતો પહેલીવાર સામે આવી છે. બિહારથી ભાજપના કોઈ નેતા પહેલીવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. એક નાના જાતિ સમૂહમાંથી આવનારા કોઈ નેતા પણ પહેલીવાર પાર્ટીના અધ્યક્ષ બનશે. 45 વર્ષની વયમાં અધ્યક્ષ બનીને નીતિન નવીન ભાજપના સૌથી ઓછી વયના પહેલા અધ્યક્ષ પણ બનશે. તેઓ પાર્ટીના મૂળ રાષ્ટ્રીય સંગઠનમાં કોઈપણ પ્રકારના મહત્વના પદ પર કાર્યરત રહ્યા વગર જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનનારા પહેલા નેતા પણ હશે. જે. પી. નડ્ડાની ટીમમાં નીતિન રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય અને છત્તીસગઢના પ્રભારી છે. અનુરાગ ઠાકુર જ્યારે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ હતા, ત્યારે નીતિન નવીન ભાજપ યુવા મોરચાના મહાસચિવ હતા.
આ પણ વાંચો: બિહાર સરકારના મંત્રી નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ