BJPના વર્કિંગ પ્રેસિડેન્ટ પદે 'નવીન' પ્રયોગ: નીતિનના નામ પર RSS કેવી રીતે થયું રાજી?
. હિંદીભાષી રાજ્યો ભાજપની રાજકીય શક્તિના પાવર હાઉસ
. બિહારમાં તાજેતરમાં ભાજપને જેડીયુ સાથેના ગઠબંધનમાં વિ.સભાની ચૂંટણીમાં મળી છે જ્વલંત જીત
. દોઢ વર્ષથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઈને ચાલી રહી છે અટકળબાજી
નવી દિલ્હી: ભાજપે ગત બે દિવસોની અંદર બે મોટા નિર્ણય લીધા છે, જેના પર લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. એક તરફ કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીને ઉત્તરપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, તો તે બિહારના મંત્રી નીતિન નવીનને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મનોનીત કરવાના સૌથી મહત્વના નિર્ણય કર્યા છે. નીતિન નવીન માત્ર 45 વર્ષના છે અને બિહારના પહેલા નેતા છે, જેમણે ભાજપને રાષ્ટ્રીય નેતૃત્વનો મોકો આપ્યો છે. કાયસ્થ સમાજમાંથી આવતા નીતિન નવીનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના નિકટવર્તી માનવામાં આવે છે.
ગત લગભગ દોઢ વર્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ભાજપ અને સંઘ નેતૃત્વમાં રસ્સાકશી ચાલી રહી હતી. તેવામાં અચાનક નીતિન નવીનની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પદે વરણીએ સૌનો ચોંકાવી દીધા. તેમના નામની દૂરદૂર સુધી ચર્ચા પણ ન હતી. ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાન, મનોહરલાલ ખટ્ટર સહીતના ઘણાં નામોની ચર્ચા હતી, પરંતુ આખરમાં નીતિન નવીનનું નામ કેમ પસંદ કરવામાં આવ્યું. તેને લઈને કહેવામાં આવે છે કે આગામી કેટલાક મહીનાઓ સુધી નીતિન નબીનને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે. ભાજપમાં અંદરખાને અને બહાર પણ આને લઈને ચર્ચા છે કે આખરે નીતિન નવીનના નામ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેવી રીતે સંમતિ આપી હશે. ભાજપ અને રા. સ્વ. સંઘ બંને કેવી રીતે આ મામલામાં એકમત થયા.
નીતિન નવીના પરિવારની બે પેઢીની વૈચારિક પ્રતિબદ્ધતા
ભાજપના એક નેતાએ આના સંદર્ભે વાત કરતા કહ્યુ છે કે નીતિન નવીન સંઘ પરિવાર સાથે જૂનો સંબંધ ધરાવે છે. તેમના પિતા બિહાર ભાજપના સંસ્થાપક સદસ્યોમાંથી એક હતા. પરિવાર વિચારધારા પ્રત્યે બે પેઢીઓથી સમર્પિત રહ્યો છે. તેના કારણે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જ્યારે તેમનું નામ આગળ વધાર્યું, ત્યારે રા. સ્વ. સંઘ પણ આના પર સંમત થઈ ગયું. સંઘ પરિવાર તરફથી સતત એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે વૈચારિકપણે પ્રતિબદ્ધ નેતાને જ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ મળવું જોઈએ. તેના સિવાય નવી પેઢીના કોઈ નેતાને મોકો આપવામાં આવે તેવી પણ ચર્ચા હતી.
નીતિન નવીનને અધ્યક્ષ પદ આપીને હિંદી પટ્ટીને સમ્માન
બિહારથી નીતિન નવીનને અધ્યક્ષ પદ આપીને ભાજપે હિંદી પટ્ટીમાં પોતાની પહોંચ જાળી રાખવાની કોશિશને વધુ સુદ્રઢ બનાવી છે. હાલના પરિદ્રશ્યમાં બિહાર, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા હિંદી રાજ્યો તેના માટે પાવરહાઉસ બની ચુક્યા છે. માટે અહીંથી અધ્યક્ષ આપવા ભાજપ માટે એક સકારાત્મક નિર્ણય છે. હાલ નીતિન નવીન સ્વચ્છ છબી ધરાવતા બિનવિવાદસ્પદ એવા જમીની સ્તરના નેતા છે. તેમની સાદગી અને ચુપચાપ કામમાં લાગવાની છબીથી પાર્ટીને આગળ જતાં સંગઠનાત્મક સ્તરે વધુ ફાયદો થશે. જેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ પણ તેમના નામ પર સંમતિ આપી હોવાનું માનવામાં આવે છે.