Independence Day 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી 12મી વાર રાષ્ટ્રજોગ સંબોધન કરશે
- PM Modi આજે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને 12મી વાર સંબોધિત કરશે
- મારી કામના છે કે આ સુઅવસર દેશવાસીઓના જીવનમાં નવો જોશ અને સ્ફૂર્તિ લઈને આવે - PM Modi
- દેશની એકતા, અખંડિતતા અને આત્મસન્માન માટે દિવસ-રાત મહેનત કરનારા બહાદુર સૈનિકોને હું સલામ કરું છું - Amit Shah
Independence Day 2025 : આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખાસ બની રહેવાની છે, કારણ કે તાજેતરમાં જ ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આજે આજે સમગ્ર ભારતમાં 79 મા સ્વાતંત્ર્ય દિવસ (Independence Day 2025) ની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન મોદી આજે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને 12મી વાર સંબોધિત કરશે. 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા બાદ, તેઓ દર વર્ષે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવ્યા બાદ આ તેમનું બીજું સ્વતંત્રતા દિવસનું ભાષણ હશે. આજે તેમના સંબોધનમાં, પીએમ મોદી તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ અને કલ્યાણ મોડેલના વિસ્તરણ સહિત વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરી શકે છે.
ગતરાતથી જ Independence Day 2025 ઉજવણીઓ શરુ
79મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરની પ્રતિષ્ઠિત ઈમારતો ત્રિરંગાના રંગોમાં ઝગમગી ઉઠી. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, BMC અને વિધાનસભા ભવન સહિત ઘણી ઈમારતોને ત્રિરંગા લાઈટોથી શણગારવામાં આવી હતી. આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, BMC મુખ્યાલય, મંત્રાલય, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ભવન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ને ત્રિરંગા લાઈટોથી શણગારવામાં આવ્યા હતા. પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી કાશીમાં ઠેર ઠેર ત્રિરંગા લગાડી દેવામાં આવ્યા છે. વારાણસીના કેન્ટ સ્ટેશન, સર્કિટ હાઉસ, વિકાસ સત્તામંડળ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત ઘણી સરકારી ઇમારતો ત્રિરંગાના રંગોમાં રંગાયેલી જોવા મળી. આંબેડકર ચોક પર કરવામાં આવેલી સજાવટથી શહેરની સુંદરતામાં વધુ વધારો થયો.
આ પણ વાંચોઃ Vadodara : અંતિમ ઘડી સુધી રાષ્ટ્રધ્વજની ખરીદી માટે ઉત્સાહ, ભરુચ, સુરત, દાહોદ, ગોધરાથી લોકો આવ્યા
વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
દેશ આજે રંગેચંગે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ X પર લખ્યું કે, મારી કામના છે કે આ સુઅવસર દેશવાસીઓના જીવનમાં નવો જોશ અને સ્ફૂર્તિ લઈને આવે. જેનાથી વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ મળે.
અમિત શાહે પાઠવી શુભેચ્છા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ દેશવાસીઓને 79મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે. ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, સ્વતંત્રતા ચળવળમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને હું સલામ કરું છું. દેશની એકતા, અખંડિતતા અને આત્મસન્માન માટે દિવસ-રાત મહેનત કરનારા બહાદુર સૈનિકોને પણ હું સલામ કરું છું. આપણે બધા સાથે મળીને સ્વતંત્રતા સંગ્રામના અમર શહીદોના સપનાઓને સાકાર કરીએ અને દરેક ક્ષેત્રમાં વિકસિત, આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવામાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાની પ્રતિજ્ઞા લઈએ.
આ પણ વાંચોઃ BIG NEWS: કિશ્તવાડમાં આભ ફાટતા વિનાશ, મૃત્યુ આંક 46 પર પહોંચ્યો