ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન સામે WCL સેમિફાઈનલ રમવાનો કર્યો ઇનકાર, ગુરુવારે થવાની હતી ટક્કર
- ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન સામે WCL સેમિફાઈનલ રમવાનો કર્યો ઇનકાર, ગુરુવારે થવાની હતી ટક્કર
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો છે. આ મેચ ગુરુવારે રમાવાની હતી. ભારતીય ટીમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ પાકિસ્તાન સામે કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક મેચ રમવા ઇચ્છતા નથી.
ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટઇન્ડીઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જોકે, પાકિસ્તાન સામેની મેચ અંગે તેમણે પહેલેથી જ વાંધો ઉઠાવ્યો હતો. આ પહેલાં પણ ગ્રુપ સ્ટેજની ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી, કારણ કે ભારતીય ખેલાડીઓ અને ટૂર્નામેન્ટના એક મુખ્ય સ્પોન્સરે તેનો વિરોધ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર EaseMyTripએ પણ સેમિફાઈનલ મેચમાંથી પોતાને દૂર કરી લીધું છે. કંપનીના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે, "ભારતની જનતાની ભાવનાઓનું સન્માન કરતા અમે આ મેચથી પીછેહઠ કરી રહ્યા છીએ. આતંકવાદ અને ક્રિકેટ એકસાથે ન ચાલે."
પૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનએ પણ જાહેર કર્યું કે તેઓ પાકિસ્તાન સામે રમશે નહીં. ભારતની ટીમની ટૂર્નામેન્ટમાં શરૂઆત સારી રહી ન હતી. તેમને પ્રથમ ત્રણ મેચમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામેની ગ્રુપ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. વેસ્ટઇન્ડીઝ સામેની જીત બાદ જ ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો.
ઉલ્લેખનીય છે કે ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાન સામેની મેચ રમી ન હતી, કારણ કે ઘણા ખેલાડીઓએ આ મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. શિખર ધવન અને હરભજન સિંહ આ બાયકોટની શરૂઆત કરનાર મુખ્ય ખેલાડીઓ હતા. ધવને સોશિયલ મીડિયા પર એક જૂનો ઈમેલ શેર કર્યો હતો, જેમાં તેમણે WCL આયોજકોને પહેલેથી જ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને તેઓ પાકિસ્તાન સામે કોઈ મેચ રમશે નહીં.
આ પણ વાંચો-લદ્દાખમાં ભારતીય સેનાના વાહન પડયો પથ્થર,ત્રણ જવાનના મોત