India Population 2025 : ભારતની વસ્તી 1.46 અબજે પહોંચી, વર્ષ 2060 માં આ સંખ્યા પહોંચશે..!
- સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2025 જાહેર
- ભારતની વસ્તી 1.46 અબજે પહોંચીઃ UNFPA
- દેશમાં કુલ પ્રજનન દર રિપ્લેસમેન્ટ રેટથી નીચે
- પ્રજનનદર 2.1થી ઘટીને પ્રતિ મહિલા 1.9 થયો
- વર્ષ 1960માં મહિલાદીઠ સરેરાશ 6 બાળક હતા
- 68 ટકા વસ્તી 15થી 64 વર્ષની વર્કિંગ એજની છે
- પ્રજનનક્ષમતા અને આયુષ્યમાં નોંધપાત્ર ફેરફાર
- 40 વર્ષ બાદ ભારતની વસ્તી 1.70 અબજ પહોંચશે
- પીક પર પહોંચ્યા બાદ વસ્તીમાં ઘટાડો થશે
India Population 2025 : મંગળવારે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન (SOWP) રિપોર્ટ 2025’માં ભારતની વસ્તી અને પ્રજનન દરને લગતા મહત્વના ખુલાસા થયા છે. આ રિપોર્ટ અનુસાર, 2025ના અંત સુધીમાં ભારતની વસ્તી 1.46 અબજ (146.39 કરોડ) સુધી પહોંચી જશે, જે વિશ્વમાં સૌથી વધુ હશે. આ સાથે, ભારતનો કુલ પ્રજનન દર (TFR) 1.9 બાળકો પ્રતિ મહિલા થઈ ગયો છે, જે રિપ્લેસમેન્ટ લેવલ 2.1થી નીચે છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે લાખો લોકો પોતાના પ્રજનન લક્ષ્યો હાંસલ કરી શકતા નથી, અને આ પરિસ્થિતિને ઓછી અથવા વધતી વસ્તીને બદલે વાસ્તવિક સમસ્યા તરીકે વર્ણવવામાં આવી છે.
ભારતનો પ્રજનન દર ઘટ્યો
રિપોર્ટ અનુસાર, ભારતના પ્રજનન દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 1960માં, દરેક મહિલા સરેરાશ 6 બાળકોને જન્મ આપતી હતી, જે 1970માં ઘટીને 5 થયો અને હવે 2025માં તે 1.9 બાળકો પ્રતિ મહિલા થઈ ગયો છે. આ ઘટાડો શિક્ષણના વિસ્તરણ, પ્રજનન આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને મહિલાઓની સશક્તિકરણને આભારી છે. જોકે, 1.9નો TFR એ દર્શાવે છે કે ભારતની સ્ત્રીઓ એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તી જાળવી રાખવા માટે ઓછા બાળકોને જન્મ આપી રહી છે. જે ભવિષ્યમાં વસ્તી ઘટવાનું સંકેત આપે છે.
ભારતની વસ્તી આગામી 40 વર્ષમાં કેટલી થશે?
UNFPAના રિપોર્ટમાં અંદાજો લગાવવામાં આવ્યો છે કે ભારતની વસ્તી આગામી 40 વર્ષમાં, એટલે કે 2060ની શરૂઆતમાં, 1.7 અબજ (170 કરોડ)ની ટોચે પહોંચશે. આ પછી વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો થવાનું અનુમાન છે, જે મુખ્યત્વે ઓછા પ્રજનન દર અને વધતી આયુષ્યને કારણે હશે. આ ફેરફાર ભારતની ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન (વસ્તી પરિવર્તન)નો એક મહત્વનો તબક્કો દર્શાવે છે, જે આર્થિક અને સામાજિક નીતિઓ પર ઊંડી અસર કરશે.
વસ્તીનું વય માળખું
રિપોર્ટમાં ભારતની વસ્તીના વય માળખા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. હાલમાં, ભારતની 68% વસ્તી 15-64 વર્ષની કાર્યકારી વયની છે, જે દેશ માટે ડેમોગ્રાફિક ડિવિડન્ડ (વસ્તી લાભ)ની તક પૂરી પાડે છે. આ ઉપરાંત, 0-14 વર્ષના વય જૂથમાં 24%, 10-19 વર્ષમાં 17%, અને 10-24 વર્ષમાં 26% યુવાનો છે. 65 વર્ષથી વધુ વયના વૃદ્ધોનું પ્રમાણ હાલમાં 7% છે, જે આગામી દાયકાઓમાં વધવાની શક્યતા છે. આ મોટી કાર્યકારી વસ્તી, યોગ્ય રોજગારની તકો અને સારી નીતિઓ સાથે, ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મદદ કરી શકે છે.
પીક પર પહોંચ્યા બાદ વસ્તીમાં ઘટાડો થશે
રિપોર્ટમાં ભારતના આયુષ્ય (લાઈફ એક્સપેક્ટન્સી) અંગે પણ માહિતી આપવામાં આવી છે. 2025માં, પુરુષોનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ અને મહિલાઓનું 74 વર્ષ હોવાનું અનુમાન છે. આ વધતું આયુષ્ય આરોગ્ય સેવાઓની સુધારેલી ગુણવત્તા અને જીવનશૈલીમાં સુધારાને દર્શાવે છે. જોકે, આની સાથે વૃદ્ધ વસ્તીની સંભાળ અને સામાજિક સુરક્ષાની જરૂરિયાતો પણ વધશે.
UNFPAના ભારત પ્રતિનિધિ શું કહ્યું?
UNFPAના ભારત પ્રતિનિધિ એન્ડ્રિયા એમ. વોજનરે રિપોર્ટ પર ટિપ્પણી કરતાં જણાવ્યું, “ભારતે પ્રજનન દર ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. 1970માં પ્રતિ મહિલા 5 બાળકોની સરખામણીએ આજે આ સંખ્યા 2ની આસપાસ છે. આ સફળતા શિક્ષણ, પ્રજનન આરોગ્ય સેવાઓ અને મહિલા સશક્તિકરણને આભારી છે.” તેમણે વધુમાં કહ્યું કે આ સફળતા છતાં, રાજ્યો, જાતિઓ અને આવક જૂથો વચ્ચે અસમાનતાઓ હજુ પણ અસ્તિત્વમાં છે. વોજનરે ભારપૂર્વક જણાવ્યું કે સાચો ડેમોગ્રાફિક લાભ ત્યારે જ મળશે જ્યારે દરેક વ્યક્તિ, ખાસ કરીને મહિલાઓ, પોતાના પ્રજનન અંગે મુક્તપણે નિર્ણયો લઈ શકશે.
આ પણ વાંચો : Pew Research Center : વિશ્વભરમાં મુસ્લિમ વસ્તીમાં ઝડપી વધારો, ભારતમાં હિન્દુ વસ્તી ઘટી!