Indore Couple Case : સોનમ રઘુવંશીની ચેટથી થયો ચોંકાવનારો ખુલાસો
- રાજા રઘુવંશી હત્યા કેસની તપાસમાં નવા અને ચોંકાવનારા ખુલાસાઓ
- હનીમૂનની આડમાં પતિનું જ કરાવી દીધી હત્યા
- સોનમની ચેટથી થયા સનસનીખેજ ખુલાસા
- સોનમે રાજા સાથેની નિકટતા પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો
Indore Couple Case : ઇન્દોરના રાજા રઘુવંશી (Raja Raghuvanshi) હત્યા કેસની તપાસમાં નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મેઘાલયના શિલોંગમાં હનીમૂન દરમિયાન રાજાની હત્યા અને તેની પત્ની સોનમ રઘુવંશી (Sonam Raghuvanshi) ની ગુમશુદગીએ દેશભરમાં હડકંપ મચાવ્યો હતો. હવે પોલીસ તપાસ (police investigation) માં ખુલાસો થયો છે કે સોનમે લગ્નના માત્ર 3 દિવસ બાદ તેના પ્રેમી રાજ કુશવાહા (Raj Kushwaha) સાથે મળીને રાજાને મારી નાખવાની યોજના ઘડી હતી. આ ષડયંત્રની વિગતો સોનમ અને રાજ વચ્ચેની ચેટ્સમાંથી બહાર આવી છે, જેમાં સોનમે રાજા સાથેની નિકટતા પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો.
હત્યાનું ષડયંત્ર અને ચેટનો ખુલાસો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમ અને રાજ કુશવાહા વચ્ચે લગ્ન પહેલાંથી જ નિકટનો સંબંધ હતો. ઇન્દોરના એડિશનલ ડેપ્યુટી પોલીસ કમિશનર રાજેશ દાંડોતિયાના જણાવ્યા મુજબ, સોનમે 18 મેના રોજ, લગ્નના 7 દિવસ બાદ, રાજ કુશવાહા સાથે રાજાની હત્યાનું આયોજન કર્યું હતું. ચેટ્સમાં સોનમે લખ્યું હતું કે, રાજા તેની નજીક આવવાનો પ્રયાસ કરે છે, જે તેને બિલકુલ પસંદ નથી. આ નારાજગીએ તેને રાજા સાથેના સંબંધોને ખતમ કરવા માટે આ ગુનાહિત યોજના ઘડવા પ્રેરણા આપી. સોનમે રાજા સાથે દૂર રહેવાનું શરૂ કર્યું હતું અને આખરે મેઘાલયની દૂરની યાત્રાને હત્યાના સ્થળ તરીકે પસંદ કરી.
મેઘાલયમાં હનીમૂનની આડમાં હત્યા
રાજા અને સોનમના લગ્ન 11 મે, 2025ના રોજ ઇન્દોરમાં થયા હતા. 20 મેના રોજ બંને હનીમૂન માટે મેઘાલય રવાના થયા. 22 મેના રોજ તેઓ શિલોંગની એક હોમસ્ટેમાં પહોંચ્યા, જેના CCTV ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. 23 મેના રોજ બંને સોહરા વિસ્તારમાં ગુમ થયા, અને તેમનું ભાડે લીધેલું સ્કૂટર સોહરારીમમાં નજીકના એક સ્થળેથી મળી આવ્યું. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ પૂર્વ ખાસી હિલ્સના વેઈ સાવડોંગ ધોધ નજીક ઊંડી ખીણમાંથી મળ્યો, જેમાં તીક્ષ્ણ હથિયારથી 2 ઘાતક ઈજાઓ થઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું.
સોનમની ગાઝીપુરમાં ધરપકડ
સોનમ, જે 23 મે બાદ ગુમ હતી, તે 8 જૂનની મધ્યરાત્રિએ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ચૌબેપુરના કૈથી ખાતે ટોલ પ્લાઝા નજીકના એક ઢાબા પર મળી. તેણે ઢાબા પરથી પોતાના ભાઈ ગોવિંદને ફોન કર્યો, જે બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધી. મેઘાલય પોલીસે તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસ હવે ગાઝીપુરના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી સોનમ ત્યાં કેવી રીતે પહોંચી અને કયા વાહનમાં આવી તે જાણી શકાય. આ રહસ્ય હજુ અકબંધ છે, કારણ કે ગાઝીપુર પોલીસ આ અંગે વધુ માહિતી આપવાથી દૂર રહી છે.
રાજ કુશવાહા અને સોનમનો સંબંધ
રાજ કુશવાહા, જે સોનમના પિતા દેવી સિંહની ઇન્દોરસ્થિત પ્લાયવુડ ફેક્ટરીમાં બિલિંગ વિભાગમાં કામ કરતો હતો, તે સોનમ કરતાં 5 વર્ષ નાનો છે. સોનમ, જે ફેક્ટરીમાં hr અને એકાઉન્ટ્સની જવાબદારીઓ સંભાળતી હતી, તે રાજ સાથે નજીકનો સંબંધ ધરાવતી હતી. ફેક્ટરીના કર્મચારીઓએ બંનેને ઘણીવાર એકબીજા સાથે વાતચીત કરતા જોયા હતા. લગ્ન પછી પણ સોનમનું રાજ પ્રત્યેનું આકર્ષણ ઓછું થયું ન હતું, અને આ નિકટતાએ આ ગુનાને જન્મ આપ્યો. રાજે 3 અન્ય સાગરિતો—વિશાલ ચૌહાણ, આનંદ કુર્મી અને આકાશ રાજપૂત—ની મદદથી આ હત્યાનું આયોજન કર્યું, જેમાંથી 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
પોલીસ તપાસ અને પરિવારનો રોષ
મેઘાલય પોલીસે આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચી છે, અને CCTV ફૂટેજ, ફોન રેકોર્ડ્સ અને એક સ્થાનિક ગાઈડની જુબાનીએ આ કેસને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી. રાજાના ભાઈ વિપુલ રઘુવંશીએ જણાવ્યું કે, સોનમ અને રાજ વચ્ચે વારંવાર ફોન પર વાતચીત થતી હતી, જે આ ષડયંત્રનો સંકેત આપે છે. બીજી તરફ, સોનમના પિતા દેવી સિંહે આરોપોને નકારી કાઢ્યા છે અને મેઘાલય પોલીસ પર ખોટા કેસ ઘડવાનો આરોપ લગાવ્યો છે, સાથે જ CBI તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો : રાજા રઘુવંશીની માતાનું ચોકાવનારું નિવેદન, કહ્યું - સોનમને મોતની સજા આપો..!