Indore Missing Couple case News : મેઘાલય DGPએ કહ્યું- સોનમે જ પતિ રાજાની હત્યા કરાવી, 3 હુમલાખોરોની ધરપકડ કરાઇ
Indore Missing Couple case News : ઇન્દોરના ગુમ થયેલા દંપતિને લઇને છેલ્લા ઘણા સમયથી પોલીસ તપાસ ચાલી રહી હતી. ત્યારે આજે આ વાતના 17 દિવસ બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજાનો મૃતદેહ એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો છે. હવે 17 દિવસ બાદ, વાર્તામાં એક જબરદસ્ત વળાંક આવ્યો છે. સોનમ જીવતી મળી આવી છે, પોલીસે તેને યુપીના ગાઝીપુરથી કસ્ટડીમાં લીધી છે. આ ખુલાસાથી સૌ કોઇ ચોંકી ગયા છે.
7 દિવસમાં મેઘાલય પોલીસે મોટી સફળતા મેળવી
આપને જણાવી દઇએ કે, રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના ગુમ થવાના કેસમાં મેઘાલય પોલીસે એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ દાવો કર્યો છે કે 7 દિવસમાં મેઘાલય પોલીસે મોટી સફળતા મેળવી છે. પકડાયેલા ત્રણેય હુમલાખોરો મધ્યપ્રદેશના છે, એક મહિલાએ પણ આત્મસમર્પણ કર્યું છે અને અન્ય 1 હુમલાખોરને પકડવાનું ઓપરેશન હજુ ચાલુ છે. દરમિયાન, મેઘાલયના DGP એ દાવો કર્યો હતો કે સોનમ રઘુવંશીએ રાજાને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. નોંધનીય છે કે સોનમ આજે યુપીના ગાઝીપુરથી મળી આવી હતી. માહિતી મળતાં જ ઇન્દોર પોલીસ ગાઝીપુર જવા રવાના થઈ ગઈ હતી. નોંધનીય છે કે પકડાયેલા 3 લોકો એ જ લોકો છે જેમના નામ મેઘાલય પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યા હતા.
June 9, 2025 1:23 pm
રાજાના પરિવારના લોકોએ કહ્યું- સોનમ હત્યાકાંડમાં સામેલ હોય તો તેને મોતની સજા મળે
June 9, 2025 1:23 pm
ઇન્દોરના રાજા રઘુવંશીના ઘર પર લાગેલાં સીબીઆઈ તપાસ કરેની માગવાળા પોસ્ટરને પરિવારે ફાડીને આગ લગાવી દીધી. પરિવારે કહ્યું કે જો આ હત્યાકાંડમાં સોનમ સામેલ હોય તો તેને પણ મોતની સજા મળવી જોઈએ.
રાજા રઘુવંશી હત્યા કેસમાં તેની માતાનું નિવેદન
June 9, 2025 11:17 am
ઇન્દોરના રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન હત્યાના કેસમાં હવે રાજાની માતા ઉમા રઘુવંશીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, હનીમૂન માટે શિલોંગની ટિકિટ તેમની પુત્રવધૂ સોનમે બુક કરાવી હતી, પરંતુ પરત ફરવાની ટિકિટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ઉમાએ નિવેદન આપ્યું કે જો સોનમે ખરેખર આ હત્યામાં ભૂમિકા ભજવી હોય, તો તેને પણ કડક સજા મળવી જોઈએ. આ ઘટનામાં સોનમની ગાઝીપુરથી ધરપકડ થઈ છે, અને મેઘાલય પોલીસે દાવો કર્યો છે કે સોનમે રાજાની હત્યા માટે ભાડૂતી હત્યારાઓ રાખ્યા હતા. આ કેસે રાજાના પરિવારમાં શોક અને આઘાતનું વાતાવરણ ઊભું કર્યું છે, અને તેઓએ CBI તપાસની માંગ કરી છે.
રાજા રઘુવંશી હત્યાકેસમાં ખુલ્યા નવા રાજ
June 9, 2025 10:32 am
રાજા રઘુવંશી હત્યાકેસમાં હવે એક નવો 'રાજ' બહાર આવ્યો છે, જે અનુસાર આરોપી સોનમ રઘુવંશીનું પહેલા રાજ કુશવાહા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, સોનમનું અફેર રાજ સાથે ચાલી રહ્યું હતું, પણ લગ્ન રાજા રઘુવંશી સાથે થયા હતા. હવે પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે હત્યાકાંડ પાછળ પ્રેમપ્રસંગ અને યૌવનકથાનું મોટું કાવતરું હોઈ શકે છે. હાલ મેઘાલય, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસે આ સંબંધોને આધારે તપાસ તીવ્ર કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સોનમની ધરપકડ બાદ ચાલી રહેલી પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના છે, જે કેસને નવી દિશામાં લઇ જઈ શકે છે.
સોનમની માતાએ કરી ભાવુક અપીલ
June 9, 2025 9:49 am
ઇન્દોરના ગુમ થયેલા કપલના ચર્ચાસ્પદ કેસમાં સોનમ રઘુવંશીની માતા સંગીતા રઘુવંશીનું ભાવુક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે પરિવાર માટે આ સમય અત્યંત મુશ્કેલ છે અને હવે તેઓ માત્ર એ જ ઈચ્છે છે કે સોનમ સલામત રીતે અને વહેલી તકે ઘરે પરત ફરે. સંગીતા રઘુવંશીનું કહેવું છે કે સત્ય બહાર આવવું ખૂબ જરૂરી છે, અને તેથી તેઓ માંગ કરે છે કે કેસની તપાસ CBI દ્વારા વહેલી તકે શરૂ કરવામાં આવે. પરિવારજનોનો વિશ્વાસ છે કે ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ તપાસથી સોનમની સ્થિતિ સ્પષ્ટ થશે અને પરિવારને શાંતિ મળશે.
ગુમ થયા બાદ સોનમની પહેલી તસવીર સામે આવી
June 9, 2025 9:44 am
શિલોંગમાં રાજા રઘુવંશી હત્યા કેસમાં ચર્ચાસ્પદ બની ગયેલી સોનમ રઘુવંશી (ઉંમર અંદાજે 24 વર્ષ) વારાણસી-ગાઝીપુર મુખ્ય માર્ગ પર આવેલા કાશી ઢાબા પરથી મળતાં તાત્કાલિક પોલીસની કસ્ટડીમાં લેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર અમિતાભ યશના જણાવ્યા મુજબ, સોનમને પહેલાં તબીબી ચકાસણી અને પ્રાથમિક સારવાર માટે સદર હોસ્પિટલ મોકલવામાં આવી હતી, ત્યારબાદ તેને વધુ સુરક્ષા અને માનસિક સહાય માટે ગાઝીપુરના વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે. આ પગલાં પોલીસ અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે, જેથી આગળની તપાસ નિયમિત અને સુરક્ષિત રીતે આગળ ધપાવી શકાય.
રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમના પિતાનું મોટું નિવેદન
June 9, 2025 9:39 am
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં આરોપી તરીકે ધરપકડ થયેલી સોનમ રઘુવંશી અંગે હવે તેના પિતા દેવી સિંહે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમની દિકરી નિર્દોષ છે અને તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવી રહી છે. દેવી સિંહે મેઘાલય પોલીસ પર સવાલ ઊઠાવતા કહ્યું કે, પોલીસે માત્ર શંકાના આધાર પર સોનમને આરોપી બનાવવાનું નક્કી કર્યું છે, જે ન્યાયસંગત નથી. તેમણે CBI તપાસની માંગ પણ ઉઠાવી છે અને દાવો કર્યો છે કે મેઘાલય પોલીસે જે વાતો જાહેરમાં કરી છે, તે ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. તેમનું માનવું છે કે સાચી તપાસ થાય તો સોનમની નિર્દોષતા સાબિત થશે. આ નિવેદનથી રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવી ચર્ચા શરુ થઈ છે અને ઘટના નવો વળાંક લેતી દેખાઈ રહી છે.
સોનમે પોતે જ પોલીસને કર્યો ફોન
June 9, 2025 9:24 am
સૂત્રોના જણાવ્યા મુજબ, સોનમે પોતે જ પોલીસને ફોન કરીને પોતાની હાજરીની જાણકારી આપી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ઇન્દોર પોલીસની ટીમ સોનમને લેવા ગાઝીપુર રવાના થઈ છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને માત્ર 7 દિવસમાં મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, અને એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે."
ઇન્દોર દંપતીના કેસમાં ચોકાવનારો ખુલાસો
June 9, 2025 9:24 am
આ દંપતી 20 મે, 2025ના રોજ હનીમૂન માટે ઇન્દોરથી મેઘાલય પહોંચ્યું હતું. 23 મેના રોજ શિલોંગ નજીક સોહરા (ચેરાપુંજી) ખાતેના ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજની મુલાકાત લીધા બાદ તેઓ ગુમ થયા હતા. તેમની ભાડાની સ્કૂટર ઓસરા હિલ્સ નજીક લાવારિસ હાલતમાં મળી હતી, અને તપાસ દરમિયાન રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ મળી આવ્યો હતો. જોકે, સોનમનો કોઈ પત્તો નહોતો મળ્યો, જેનાથી તેમના પરિવારજનોમાં ચિંતા વધી ગઈ હતી. તાજેતરના ઘટનાક્રમમાં, ઉત્તર પ્રદેશના ગાઝીપુર પોલીસે સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે.
જાણો સમગ્ર મામલો
June 9, 2025 9:24 am
ઈન્દોરનું આ દંપતી 11 મે 2025 ના રોજ લગ્ન પછી હનીમૂન માટે શિલોંગ ગયું હતું. તેઓ 20 મે ના રોજ મેઘાલય પહોંચ્યા અને 23 મે ના રોજ પરિવાર સાથે છેલ્લી વાર વાત કરી. આ પછી, બંનેના ફોન બંધ થઈ ગયા. સોહરારિમ વિસ્તારમાં દંપતીની ભાડાની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ 2 જૂનના રોજ વેઈ સોડોંગ ધોધ પાસેના ઉંડા ખાડામાંથી રાજા રઘુવંશીનો સડેલો મૃતદેહ મળી આવ્યો. જે પછી પોલીસે હત્યાનો કેસ નોંધ્યો. જોકે, પત્ની સોનમનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેના કારણે પરિવારને અપહરણ કે તસ્કરીની શંકા થવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીના લગ્ન 11 મે ના રોજ સોનમ રઘુવંશી સાથે થયા હતા. રાજાનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ સોનમને શોધી રહી હતી. હવે ગાઝીપુરમાં સોનમ મળ્યા બાદ, એવી સંભાવનાઓ રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં શિલોંગમાં આ દંપતીનું શું થયું અને રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણી શકાશે.