INS Tamal : બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ તમાલ યુદ્ધ જહાજ ભારતીય નેવીમાં થશે સામેલ
- આજથી ભારતીય નૌકાદળમાં સામેલ થશે તમાલ યુદ્ધ જહાજ
- તમાલ યુદ્ધ જહાજ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે
- ભારતને આ યુદ્ધ જહાજ રશિયા પાસેથી મળવા જઈ રહ્યું છે
INS Tamal : ભારતીય નૌકાદળને આજે 1 જુલાઈના રોજ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ 'તમાલ' મળવા જઈ રહ્યું છે. જે બ્રહ્મોસ મિસાઈલ (BrahMos missile) થી સજ્જ છે. ભારતને આ યુદ્ધ જહાજ રશિયા પાસેથી મળવા જઈ રહ્યું છે. તે રશિયાના કાલિનિનગ્રાડ (Kaliningrad) માં કાર્યરત થશે. તમાલે છેલ્લા 3 મહિનામાં સફળતાપૂર્વક અનેક સઘન દરિયાઈ પરીક્ષણો પૂર્ણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે રશિયન ટેકનોલોજી અને ડિઝાઈનથી ભારતમાં બે ટ્રિપુટ ક્લાસ ફ્રિગેટ બનાવવામાં આવી રહ્યા છે.
ક્રીવાક ક્લાસ ફ્રિગેટ્સની શ્રેણીનું 8મુ યુદ્ધ જહાજ
નવી ટેકનોલોજી સ્ટેલ્થ મલ્ટી-રોલથી સજ્જ ફ્રિગેટ 'તમાલ' રશિયાના કાલિનિનગ્રાડમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. 'તમાલ' એ ક્રીવાક ક્લાસ ફ્રિગેટ્સની શ્રેણીનું 8મુ યુદ્ધ જહાજ છે અને તુશીલ ક્લાસનું 2જુ યુદ્ધ જહાજ છે. આ યુદ્ધ જહાજમાં 250 થી વધુ નૌકાદળના કર્મચારીઓ છે જેમણે સેન્ટ પીટર્સબર્ગ અને કાલિનિનગ્રાડની કાતિલ ઠંડીમાં પણ સર્વાઈવ કરી શકે તેવી ટ્રેનિંગ મળેલ છે. ભારતીય નૌકાદળ પાસે સમાન ક્ષમતાઓ ધરાવતા 10 યુદ્ધ જહાજો હશે. આનાથી સમુદ્રમાં ભારતીય નૌકાદળની શક્તિમાં ઘણો વધારો થશે. ભારતીય નૌકાદળ દ્વારા પ્રાપ્ત થનાર યુદ્ધ જહાજ તમાલ રશિયાના કાલિનિનગ્રાડના યંતર શિપયાર્ડ ખાતે બનાવવામાં આવ્યું છે. આ વિદેશથી પ્રાપ્ત થનાર છેલ્લું યુદ્ધ જહાજ હશે.
આ પણ વાંચોઃ PM Modi: 2 જુલાઇથી 5 દેશોની મુલાકાત લેશે, 30 વર્ષ બાદ PM જશે ઘાના
તમાલમાં 26 સ્વદેશી સાધનો
ભારત સરકારની 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા' પહેલને અનુરૂપ, આ યુદ્ધ જહાજમાં 26 સ્વદેશી સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાધનોમાં સમુદ્ર અને જમીન પર લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનો પણ સમાવેશ થાય છે. તે ભારતીય અને રશિયન યુદ્ધ જહાજ નિર્માણની શ્રેષ્ઠ તકનીકોનું પ્રતીક છે. તમાલ ભારત-રશિયાની લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી (Russia-India defense cooperation) ને વધુ મજબૂત બનાવશે. કમિશનિંગ પછી આ જહાજ ભારતીય નૌકાદળના પશ્ચિમી કાફલામાં જોડાશે અને ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
'તમાલ'ની વિશેષતાઓ
- 'તમાલ' નામ દેવતાઓના રાજા ઈન્દ્ર દ્વારા યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી પૌરાણિક તલવારથી પ્રેરિત છે
- યુદ્ધ જહાજ 'તમાલ' હવામાં પ્રહાર કરતી મિસાઈલોથી સજ્જ છે
- તે અદ્યતન 100 મીમી બંદૂકો, અત્યાધુનિક સિસ્ટમ્સ, હેવીવેઈટ ટોર્પિડો અને સબમરીન વિરોધી રોકેટથી પણ સજ્જ છે
- આ અત્યાધુનિક યુદ્ધ જહાજ નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ ક્ષમતા અને આધુનિક ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે
- 'તમાલ' યુદ્ધ જહાજ 30 નોટથી વધુ ઝડપે દરિયામાં ભાગી શકે છે અને લાંબા દરિયાઈ અંતરે કામ કરી શકે છે
આ પણ વાંચોઃ Agni-5 Bunker Buster : જમીનના 100 મીટર અંદર દુશ્મનોના ઠેકાણાનો ભારત કરશે સફાયો