અપરણિત કે 2થી ઓછા બાળકો ધરાવનારાઓની હિંદુઓને 3-4 બાળકો પેદા કરવાની સલાહ આપવાની ફેશન!
- 'અમે બે -અમારા બે'ના ચક્કરમાં ફસાયેલા નેતાઓની વધુ બાળકો પેદા કરવાની સલાહ
- વધુ બાળકોની સલાહ આપનારા હિંદુ નેતાઓને ઓછા બાળકો કે અપરણિત
- હિંદુઓને પ્રજનન દર 1.9 રાષ્ટ્રીય દર 2.0થી ઓછો, મુસ્લિમોનો પ્રજનન દર 2.3
આનંદ શુક્લ: ભારતમાં ધાર્મિક વસ્તી અસંતુલનને લઈને દાયકાઓથી ચર્ચા ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાએ હિંદુ સમુદાયના લાકોને મોટો પરિવાર રાખવાની અપીલ કરતા કહ્યું છે કે કેટલાક સમૂહ ભારતના સામાજિક અને સાંસ્કૃતિ તાણાવાણાંને બદલવાના ઈરાદે જાણી જોઈને પોતાની વસ્તી વધારી રહ્યા છે. હિંદુ પરિવારોએ ખુદને એક બાળક સધી મર્યાદીત રાખવાના સ્થાને ત્રણથી ચાર બાળકો પેદા કરવા પર વિચાર કરવો જોઈએ.
દેશમાં ધાર્મિક વસ્તી અસંતુલનને સંતુલનમાં ફેરવવા માટે સૌએ વિચારણા કરવી જોઈએ. પણ જ્યારે સલાહનો સવાલ છે, હિંદુઓની ઘટી રહેલી વસ્તીની ચર્ચા વચ્ચે આ સમુદાયના લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ એવા નેતાઓ કે અગ્રણીઓ દ્વારા મળે છે કે જેઓ અપરણિત હોય કે 1-2 બાળકો ધરાવતા હોય. ત્યારે સવાલ એ છે કે આ મામલો માત્ર સામાજિક-સાંસ્કૃતિક તાણાવાણાંને લગતો છે કે આમા રાજકીય સ્થાપિત હિતો પણ સામેલ હોય છે.
વધુ બાળકોની સલાહ આપનારાઓની હકીકત
સૌથી પહેલા વાત નવનીત રાણાની કરીએ, તો તેમણે હિંદુઓને 3-4 બાળકો પેદા કરવાની સલાહ તો આપી છે. પણ sansad.in પર રહેલી માહિતી પ્રમાણે તેમની જન્મતારીખ 6 એપ્રિલ, 1985 છે અને તેમના લગ્ન 2 ફેબ્રુઆરી, 2011ના રોજ થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે. જો કે આવી સલાહ આપનારા નવનીત રાણા પહેલા નેતા કે અગ્રણી નથી.
NFHS-5, 2019-21 મુજબ, ભારતનો રાષ્ટ્રીય પ્રજનન દર (Total Fertility Rate - TFR) 2.0 છે. NFHS-5, 2019-21 મુજબ હિંદુઓમાં 1.9 અને મુસ્લિમોમાં 2.3 પ્રજનન દર છે. જાન્યુઆરી-2025ના પ્રયાગરાજ કુંભ દરમિયાન રા. સ્વ. સંઘની પ્રેરણાથી સ્થપાયેલી વીએચપીના માર્ગદર્શક મંડળે પ્રસ્તાવ પારીત કરીને હિંદુ સમાજની અસ્તિત્વ રક્ષા માટે દરેક પરિવારમાં 3 બાળકો હોવા જોઈએ તેવો પ્રસ્તાવ પારીત કર્યો હતો.
દરેક પરિવારને 3 બાળકોની સલાહ
સપ્ટેમ્બર-2025માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક નિવેદન આપ્યું હતું કે "સમાજશાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર (TFR) 2.1 થી નીચે જાય છે, ત્યારે તે સમાજ દુનિયામાંથી લુપ્ત થઈ જાય છે. તેને ખતમ કરવા માટે કોઈ આક્રમણની જરૂર નથી હોતી, તે આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. આપણી સંસ્કૃતિ અને ભાષાને બચાવવા માટે આપણે ઓછામાં ઓછું 3 નું સરેરાશ જાળવી રાખવું પડશે."
તેમણે હિંદુ-મુસ્લિમ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. પણ સંકેત સ્પષ્ટપણે રાષ્ટ્રીય સરેરાશ 2.0થી નીચે રહેનારા 1.9નો પ્રજનન દર ધરાવતા હિંદુઓ તરફ હતો. તેમની ચિંતા વ્યાજબી છે. પણ રા. સ્વ. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પોતે પ્રચારક છે અને અપરણિત છે.
ભાજપના સાંસદ સાક્ષી મહારાજે 2015માં મેરઠમાં એક જાહેરસભામાં કહ્યું હતુ કે હિંદુ ધર્મને બચાવવા માટે દરેક હિંદુ મહિલાએ ઓછામાં ઓછા 4 બાળકો પેદા કરવા જોઈએ. સાક્ષી મહારાજ સંન્યાસી છે. સ્વાભાવિકપણે તેમના લગ્ન થયા નથી અને તેમને કોઈ સંતાન નથી.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ઘણીવાર વસ્તી નિયંત્રણના કાયદાની માગણી કરતા, હિંદુઓની ઘટતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે હિંદુઓને પોતાની વસ્તી પ્રત્યે જાગરૂક રહીને તેને સંતુલિત રાખવાની સલાહ આપી છે. તેમને સંતાનમાં એક પુત્રી છે.
પૂર્વ સાંસદ ડૉ. સુબ્રણ્યમ સ્વામીએ પણ પોતાના તર્ક દ્વારા હિંદુઓના ઘટી રહેલા પ્રજનન દર પર ચિંતા વ્યક્ત કરીને હિંદુઓની વસ્તી એક નિશ્ચિત ટકાવારીમાં ઘટશે, તો ભારતનું હિંદુ ચરિત્ર સમાપ્ત થશે, તેવી વાત કરી ચુક્યા છે. તેઓ બૌદ્ધિક સ્તરે હિંદુઓની જનસંખ્યા વધારવાની પ્રેરણા આપે છે. તેમને પણ સંતાનમાં બે પુત્રીઓ છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સીધું તો વધુ બાળકો પેદા કરવાનું નથી કહ્યું, પણ વસ્તી વિસ્ફોટને વિશેષ સમુદાય સાથે જોડીને હિંદુઓને સચેત રહેવાની વાત કરી છે. ડેમોગ્રાફીમાંપરિવર્તનથી એક રાજકીય ખતરો પેદા થવાની વાત કરતા તેમણે હિંદુઓને પોતાની જમીન અને ઓળખ બચાવવા માટે સંખ્યા પર ધ્યાન આપવાનીવાત કહી છે. તેમને પણ બે સંતાન છે.
સાધ્વી પ્રાચીએ ચૂંટણી રેલીઓમાં જાહેર મંચ પરથી સલાહો આપી છે કે હિંદુઓએ 4 બાળકો પેદા કરવા જોઈએ. જેમાથી એક સીમા પર દેશનીરક્ષા માટે, એક સમાજ સેવા માટે, એક ઘર ચલાવવા માટે અને એક ધર્મની રક્ષા માટે હોવો જોઈએ. સાધ્વી પ્રાચી સંન્યાસી છે અને તેમને સંતાન નથી.
બદ્રીનાથ ધામના શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ પ્રયાગરાજના માઘ મેળામાં દરેક હિંદુને ઓછામાં ઓછા 10 બાળકો હોવા જોઈએની વાત કરતા હિંદુઓની સંખ્યા વધવાથી જ ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે જાળવી રાખી શકાય છે, તેવું સૂચન કર્યું હતું. તેઓ પણ સંન્યાસી છે અને માટે તેમને સંતાન નથી.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ પણ ઘણીવાર હિંદુઓની વસ્તીના ઘટતા દર અંગે ચંતા વ્યક્ત કરીને હિંદુઓને પોતાની વસ્તી વધારવા પ્રોત્સાહિત કર્યા છે. તેમને પણ બે સંતાન છે.
ગુજરાતના જાણીતા જમણેરી વિચારધારા ધરાવતા સામાજિક કાર્યકર્તા કાજલ હિંદુસ્તાનીએ પણ હિંદુઓને અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ બાળકો પેદા કરવા જોઈએ તેવા સૂચન કર્યા છે. જો કે તેમને 3-4 નહીં, પણ 2 સંતાન છે.
પરિવાર નિયોજન કાર્યક્રમને હિંદુઓએ સૌથી વધુ અપનાવ્યો
ભારતમાં સ્વતંત્રતા બાદથી પરિવાર નિયોજન કાર્યક્રમને 1952માં મંજૂર કરાયો અને શરૂઆતમાં બે કે ત્રણ બાળકો... હોય છે ઘરમાં સારા, નું સૂત્ર પ્રચલિત કરાયું. પણ 1970થી 1980ના દાયકામાં હમ દો, હમારે દો,નું સૂત્ર લોકપ્રિય બન્યું. NFHS-5 પ્રમાણે, ગર્ભનિરોધકના કુલ ઉપયોગની રાષ્ટ્રીય સરેરાશ 66.7 ટકા છે અને હિંદુઓમાં 67.8 ટકા અને મુસ્લિમોમાં 60.3 ટકા છે, એટલે કે 7.5 ટકાનો તફાવત છે. જ્યારે ગર્ભનિરોધકની આધુનિક પદ્ધતિની રાષ્ટ્રીય સરેરાશ 56.5 ટકા છે અને હિંદુમાં તે 57.8 ટકા અને મુસ્લિમોમાં 47.5 ટકા છે, એટલે તફાવત 10.3 ટકાનો છે.
હિંદુઓમાં સ્ત્રી નસબંધીનું પ્રમાણ 40.4 ટકા અને મુસ્લિમોમાં નસબંધીનું પ્રમાણે 13.6 ટકા છે. આમ આ તફાવત 26.8 ટકા જેટલો છે. જો કે હવે આ તફાવત ઘટી રહ્યો છે.
સેન્સસના ડેટા મુજબ, 1951માં ભારતમાં 84.1 ટકા હિંદુ હતા અને 2011માં 79.8 ટકા થયા આમ તેમની વસ્તીમાં ઘટાડો 4.30 ટકા જેટલો થયો. જ્યારે 1951માં ભારતમાં 9.8 ટકા મુસ્લિમ હતા અને તે 2011ના સેન્સસ મુજબ 14.2 ટકા થયા, આમ તેમની વસ્તીમાં વધારો 4.40 ટકા જેટલો થયો. 1951થી 2011 સુધીમાં હિંદુઓની વસ્તી 218 ટકાના વધારા સાથે 30.35 કરોડથી 96.62 કરોડે પહોંચી. જ્યારે 1951માં મુસ્લિમોની વસ્તી 3.54 કરોડથી 2011માં 386 ટકાના વધારા સાથે 17.22 કરોડે પહોંચી હતી. દેશની વસ્તી 1951માં 36.10 કરોડ હતી અને 2011માં 235 ટકાના વધારા સાથે 121.08 કરોડે પહોંચી હતી.
આ આંકડાઓ પર વાત કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ ગિરિરાજ સિંહ કહી ચુક્યા છે કે ઓવૈસી જેવા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે 80-90 વર્ષમાં પણ મુસ્લિમ, હિંદુઓની બરાબરી નહીં કરી શકે. હું કહેવા માંગુ છું કે હિંદુઓમાં અફવા ન ફેલાવો. 1951માં તેમની વસ્તી 2.5થી 2.8 કરોડ હતી, આજ સરકારી આંકડાના હિસાબથી તમે 17 કરોડ છો. અઘોષિત આંકડા કહે છે કે તમે 25 કરોડછો. હિંદુ 30 કરોડમાંથી વધીને 90 કરોડ થયા. અમારી વસ્તી 3 ગણી વધી, જ્યારે તમારી સાત ગણી.
2050માં સ્થિતિનું અનુમાન
2021માં કોરોનાકાળને કારણે સેન્સસ થઈ શક્યો નહીં. હવે સેન્સસની કાર્યવાહી હાથ ધરાવાની છે. ત્યારે censusofindia.netમાં 2011ના આંકડાના આધારે ભારતમાં 2025માં 140.98 કરોડ કુલ વસ્તીનું અનુમાન છે. આ અનુમાન મુજબ 2025માં હિંદુઓની વસ્તી 114 કરોડ હોવાનું અનુમાન છે, જ્યારે 2050માં હિંદુઓની વસ્તી 130 કરોડ થવાનું અનુમાન છે. જ્યારે 2025માં મુસ્લિમોની વસ્તી 23 કરોડ હોવાનું અનુમાન કરાયું છે, 2050માં મુસ્લિમોની વસ્તી 31.10 કરોડ થવાનું અનુમાન છે.


