Jagannath Puri: 46 વર્ષે ખૂલ્યો રત્નભંડાર ! ઝવેરાત,આભૂષણો મુકાયા લાકડાના બોક્સમાં
Jagannath Puri: આજનો દિવસ ઐતિહાસિક છે કારણકે જગન્નાથ મંદિર(Jagannath Puri )નો રત્ન ભંડાર 46 વર્ષ પછી ખોલવામાં આવ્યો છે. રત્ન ભંડાર ખોલવા માટે આજે બપોરે 1.28 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. અગાઉ રત્ન ભંડાર 1978માં ખોલવામાં આવ્યો હતો જેમાંથી 367 ઘરેણા મળ્યા હતા તેનું વજન 4360 તોલા હતું.
આભૂષણો મૂકવા માટે લવાયા લાકડાના બોક્સ
રત્નભંડાર ખોલવા માટે સવારથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ રત્નભંડારના આભૂષણો મૂકવા માટે 6 લાકડાના મોટા બોક્સ લઇ જવામાં આવ્યા હતા. આ બોક્સ સાગના લાકડામાંથી બનેલા છે. તેની અંદર ધાતુનું લેયર ચઢાવવામાં આવ્યુ છે.
ખજાનામાંથી નીકળેલા આભૂષણો ક્યાં લઇ જવાશે?
મહત્વનું છે કે રત્નભંડારને ફરીથી ખોલવા માટે એક પેનલની રચના કરવામાં આવી હતી જેમાં જસ્ટિસ વિશ્વનાથ રથને આ પેનલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પહેલા રત્નભંડાર ખોલવામાં આવશે. ત્યારબાદ ભંડારમાં મૂકવામાં આવેલા આભૂષણો અને કિમતી સામનને ગર્ભગૃહની અંદર પૂર્વ નિર્ધારિત કરેલા રૂમમાં લઇ જવાશે. મહત્વનું છે કે રત્ન ભંડાર ખોલવા સંદર્ભે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં થયેલી ચર્ચા અને ‘પુરોહિતો’ અને ‘મુક્તિ મંડપ’ના સૂચનો અનુસાર રત્ન ભંડાર ખોલવાનો યોગ્ય સમય બપોરે 1:28 કલાકે રાખવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે અને બે પ્રમાણ પત્ર હશે.
#WATCH | Puri, Odisha: Special boxes brought to Shri Jagannath Temple ahead of the re-opening of Ratna Bhandar.
The Ratna Bhandar of the Shri Jagannath Temple is to be opened today following Standard Operating Procedure issued by the state government. pic.twitter.com/xwRdtQe0Ml
— ANI (@ANI) July 14, 2024
રત્ના ભંડાર શું છે?
જગન્નાથ મંદિર ચાર ધામોમાંનું એક છે, તેનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. આ મંદિરમાં રત્નોનો ભંડાર પણ છે. રત્ન ભંડાર ભગવાનનો ખજાનો કહેવાય છે. આ રત્ન ભંડારમાં જગન્નાથ મંદિરના ત્રણ દેવતાઓ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રત્નો રાખવામાં આવ્યા છે. આ ઝવેરાત અનેક રાજાઓ અને ભક્તો દ્વારા સમયાંતરે દેવતાઓને ભક્તિભાવ સાથે અર્પણ કરવામાં આવ્યા હતા, જે રત્ન ભંડારમાં રાખવામાં આવ્યા છે.
વીડિયો રેકોર્ડિંગ પણ કરાશે
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના મુખ્ય પ્રશાસક અરવિંદ પાધીએ જણાવ્યું હતું કે રત્ન ભંડારમાં સમિતિના પ્રવેશ દરમિયાન મંદિરમાં અસ્થાયી પ્રવેશ પ્રતિબંધો લાદવામાં આવશે. માત્ર સિંહદ્વારનો દરવાજો ખુલ્લો રહેશે, જ્યારે અન્ય તમામ દરવાજા બંધ રહેશે. પૂર્વનિર્ધારિત યાદી મુજબ, ફક્ત અધિકૃત વ્યક્તિઓ અને નોકર જ પ્રવેશ કરી શકશે, સામાન્ય લોકો પ્રવેશ કરી શકશે નહીં. સમિતિના તમામ સભ્યોની સુરક્ષા તપાસવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
આરબીઆઇની પણ લેવાશે મદદ
આ કામગીરીની દેખરેખ એસજેટીએના ચીફ એડમિનિસ્ટ્રેટર અરવિંદ પાધી કરશે. આ ટીમમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), ASI, રત્ના ભંડાર સાથે સંબંધિત સેવકો અને મેનેજમેન્ટ સહિત ઉચ્ચ સ્તરીય સમિતિઓના સભ્યો સામેલ હશે. રત્ન ભંડાર ફરી ખોલવું એ એક મહત્વપૂર્ણ પગલું છે.