Bihar: ખગરિયામાં JDU ધારાસભ્ય પન્નાલાલના ભત્રીજાની ગોળી મારીને હત્યા, ગુનેગારો ઘટના સ્થળેથી ફરાર
- બિહારમાં JDU નેતાની ગોળી મારી હત્યા
- ગુનેગારો ઘટના સ્થળેથી ભાગી ગયા
- પોલીસે ગુનેગારોની શોધખોળ આદરી
Bihar Crime: બિહારના ખગરિયામાં ગુનેગારોએ JDU નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના ગયા બુધવારે સાંજે (09 એપ્રિલ, 2025) બની હતી. મૃતકની ઓળખ જેડીયુ જિલ્લા મહાસચિવ કૌશલ સિંહ તરીકે થઈ છે. તેઓ તેમની પત્ની સાથે બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન, રસ્તામાં કેટલાક લોકોએ તેમની બાઇક રોકી અને પછી તેમાંથી એકે તેમના માથામાં ગોળી મારી દીધી.
ગુનેગારો ઘટના સ્થળેથી ભાગી ગયા
ગોળીબાર કર્યા પછી, ગુનેગારો સ્થળ પરથી ભાગી ગયા. કૌશલ સિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવાય છે કે કૌશલ સિંહ બેલદૌરના જેડીયુ ધારાસભ્ય પન્ના લાલ સિંહ પટેલના ભત્રીજા હતા. આ સમગ્ર ઘટના ચૌથમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કેથી અને જયપ્રભા નગર વચ્ચેની છે.
આ પણ વાંચો : 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે... પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશે
SP રાકેશ કુમારે શું કહ્યુ?
આ સમગ્ર મામલે ખગરિયાના એસપી રાકેશ કુમારે કહ્યુ કે કૌશલ સિંહ પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને બદમાશોએ ગોળી મારી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્ટેશન ઇન્ચાર્જ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. એસપીએ કહ્યું કે હમણાં જ જે રિપોર્ટ આવ્યો છે તે દર્શાવે છે કે ગોળી માથાના પાછળના ભાગમાં વાગી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવશે.
પરસ્પર વિવાદમાં હત્યા
રાકેશ કુમારે કહ્યું કે ઘટનામાં સામેલ કેટલાક લોકોના નામ મળી આવ્યા છે અને તેથી અમારી ટીમે શોધખોળ આદરી છે. અમે તેમને ટૂંક સમયમાં પકડી લઈશું. પરિવારે જણાવ્યુ કે, ઘટનાનું કારણ પરસ્પર વિવાદ છે. સ્વાભાવિક છે કે અત્યારે કોઈ કંઈ કહી રહ્યું નથી. એક પ્રશ્નના જવાબમાં, એસપીએ કહ્યું કે હમણાં એવું લાગે છે કે ફક્ત એક કે બે ગોળી વાગી છે. પોસ્ટમોર્ટમ પછી સ્પષ્ટ થશે કે કેટલી ગોળીઓ વાગી છે. ગુનેગારોની સંખ્યા બે-ત્રણ હોવાનું કહેવાય છે પરંતુ આ બધું તપાસ પછી ખબર પડશે. બીજી તરફ, ઘટના બાદ પરિવારના સભ્યોની હાલત ખરાબ છે અને તેઓ ખુબ રડી રહ્યા છે.
આ પણ વાંચો : Manipur માં ફરી કર્ફ્યુ, શાળાઓ અને બજારો બંધ; જાણો કેમ લડ્યા બે જૂથો