લોકસભા ચૂંટણી પહેલા JDU અધ્યક્ષ લલન સિંહનું રાજીનામું, હવે નીતિશ કુમાર બનશે પાર્ટી અધ્યક્ષ!
આગામી લોકસભા ચૂંટણી પહેલા જનતા દળ (યુનાઇટેડ) માં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાટનગર દિલ્હીમાં આયોજિત જનતા દળ યુનાઇટેડની (JDU) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે ( Lalan Singh) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેઓએ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે નીતિશ કુમારના (Nitish Kumar) નામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
રાજીનામું આપ્યા પહેલા લલન સિંહ, સીએમ નીતિશ કુમાર સાથે એક જ ગાડીમાં સવાર થઈને બેઠકમાં પહોંચ્યા હતા. બેઠક પહેલા પાર્ટી સમર્થકોએ નીતિશ કુમારના પક્ષમાં નારેબાજી કરી હતી. કાર્યકર્તાઓએ 'નીતિશ કુમાર દેશના વડાપ્રધાન બને' તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. બિહાર સરકારમાં મંત્રી વિજય કુમાર ચૌધરીએ (Vijay Kumar Chaudhary) જણાવ્યું હતું કે,'નીતિશ કુમારે આનો (અધ્યક્ષ પદ) સ્વીકાર કર્યો છે. હવે રાષ્ટ્રીય પરિષદની બેઠક થશે અને જો દરખાસ્ત મંજૂર થશે તો સ્વાભાવિક રીતે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. લલન સિંહે પોતે કહ્યું હતું કે, અગાઉ પણ તેમણે મુખ્યપ્રધાનની સૂચના પર આ પદ સ્વીકાર્યું હતું, હવે ચૂંટણી લડવા માટે તેમણે સતત બહાર રહેવું પડશે, તેથી તેમણે મુખ્યપ્રધાનને આ પદ સ્વીકારવા વિનંતી કરી હતી.'
હું નીતિશ કુમારનું નામ નોમિનેટ કરું છું: લલન સિંહ
જ્યારે લલન સિંહે પોતાના ભાષણમાં કહ્યું કે, 'ચૂંટણીમાં મારી સક્રિયતાને જોતા હું અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું અને અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારનું નામ નોમિનેટ કરું છું.' જણાવી દઈએ કે, જેડીયુની આ બેઠક પાટનગર દિલ્હીના કંસ્ટીટ્યુશનલ ક્લબ ખાતે આયોજિત કરવામાં આવી છે. બેઠકમાં સામેલ થવા માટે પાર્ટીના તમામ નેતાઓ પહોંચ્યા હતા. જો કે, આ બેઠક પહેલા બિહારના મંત્રી વિજય કુમાર ચૌધરીએ મીડિયાને કહ્યું હતું કે, 'અમે એજન્ડામાં (મીટિંગમાં) ઉઠાવેલા મુદ્દાની ચર્ચા કરીશું. હાલમાં, લલન સિંહ જનતા દળ (યુનાઇટેડ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે...જો તેઓ જો રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તો પછી આવી વાત શા માટે આવશે...તેઓ સારૂં કામ કરી રહ્યા છે.'
આ પણ વાંચો - RAM MANDIR : અયોધ્યા રામ મંદિરમાં રણકશે અષ્ટધાતુથી બનેલ આ 600 કિલોનો ભારે ઘંટ