K Annamalai to Resign From BJP : અન્નામલાઈ ભાજપ છોડશે, 5 જૂને બનાવશે નવી પાર્ટી
K Annamalai to Resign From BJP : પૂર્વ આઈપીએસ અધિકારી અને તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ આગામી 5 જૂને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપે તેવી પ્રબળ સંભાવના છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ તેઓ ચેન્નાઈમાં પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર જાહેરાત કરી શકે છે.
દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે બેઠક
તમિલનાડુમાં ભાજપનો ચહેરો ગણાતા કે. અન્નામલાઈએ તાજેતરમાં જ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ નેતાઓએ અન્નામલાઈને તેમના જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. ત્યારબાદ, 2 જૂનના રોજ અન્નામલાઈએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ અને તમિલનાડુના પ્રભારી નિતિન નવીન સાથે મુલાકાત કરી હતી. આ નેતાઓ સાથેની બેઠક બાદ તેમણે અમિત શાહ સાથે વન-ટુ-વન ચર્ચા કરી હતી, જેમાં તેમણે ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પક્ષમાંથી મુક્ત થવાની ઈચ્છા જાહેર કરી હતી.
ભાજપ નેતૃત્વ દ્વારા અન્નામલાઈને મનાવવાના પ્રયાસો
ગૃહમંત્રી સાથેની બેઠક પૂરી કરીને અન્નામલાઈ જ્યારે તમિલનાડુ પરત ફરવા માટે એરપોર્ટ જવા રવાના થઈ રહ્યા હતા, ત્યારે જ ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમને તાકીદે પરત બોલાવ્યા હતા. દિલ્હીના વરિષ્ઠ નેતાઓએ તેમને પક્ષ ન છોડવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકમાન્ડે અન્નામલાઈને પોતાના આકરા નિર્ણય પર પુનઃવિચાર કરવા આગ્રહ કર્યો છે અને સમગ્ર મામલાને થાળે પાડવા માટે થોડો સમય માગ્યો છે. જો કે, અન્નામલાઈએ નેતૃત્વને ખાતરી આપી છે કે તેઓ પક્ષમાં ન હોવા છતાં ભવિષ્યમાં જરૂર પડ્યે સહયોગ આપવા હંમેશા તૈયાર રહેશે.
અન્નામલાઈની શરતો અને નવી પાર્ટીની યોજના
સૂત્રોના જણાવ્યા અનુસાર, કે. અન્નામલાઈ હવે તમિલનાડુમાં પોતાનો નવો રાજકીય પક્ષ સ્થાપવાનું મન બનાવી ચૂક્યા છે. તેમણે ભાજપ હાઈકમાન્ડ સમક્ષ સ્પષ્ટ શરત મૂકી હતી કે, જો તેમને તમિલનાડુ ભાજપની કમાન સોંપવી હોય તો આગામી 7 વર્ષ માટે સંપૂર્ણ 'ફ્રી હેન્ડ' (સ્વાયત્તતા) આપવામાં આવે. જો પક્ષ આ માટે તૈયાર ન હોય, તો તેમને સૌહાર્દપૂર્ણ રીતે પોતાની અલગ રાજકીય રાહ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી ભવિષ્યમાં સાથે મળીને કામ કરવાના વિકલ્પો ખુલ્લા રહી શકે.
આ પણ વાંચો : Monsoon in India : કેરળમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે વરસાદ?


