દુષ્કર્મ કેસમાં જો ગુનેગારના હાથ-પગ કાપી નાંખવાની સજા લાગુ કરાશે તો જ લોકો કાયદાનું પાલન કરશે : કર્ણાટક હાઈકોર્ટની કડક ટિપ્પણી
Karnataka HC Rape Case Verdict :કર્ણાટક હાઈકોર્ટ (Karnataka High Court) એ એક દુષ્કર્મ કેસમાં આરોપી ગોપી રેડ્ડી કાર્તિક રેડ્ડી (Gopi Reddy Kartik Reddy) ની જામીન અરજી ફગાવી દઇને આકરી ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશ આર. નટરાજ (Justice R. Nataraj) એ સુનાવણી દરમિયાન વર્તમાન કાયદાકીય પ્રણાલી અને ગુનેગારોની માનસિકતા પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.
Karnataka HC Rape Case Verdict : કાયદાનો ડર ઘટતા ગુનાખોરીમાં વધારો
નોંધનીય છે કે ન્યાયાધીશે અવલોકન કર્યું કે, આજે ગુનાઓ સામાન્ય બની ગયા છે કારણ કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. કોર્ટે મધ્ય પૂર્વીય દેશો (Middle Eastern Countries) ની ન્યાય પ્રણાલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકશાહીમાં મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોર્ટે તીખી ટિપ્પણી કરતા કહ્યું, "કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે. કદાચ જો ગુનેગારના હાથ કે પગ કાપી નાખવામાં આવે, તો જ લોકો કાયદાનું પાલન કરવાનું મહત્વ સમજશે."
શું હતો સમગ્ર મામલો?
મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Manipal Institute of Technology - MIT) માં અભ્યાસ કરતા આરોપી અને ફરિયાદી યુવતી સહાધ્યાયી હતા. આરોપ મુજબ, આરોપીએ એક તબક્કે યુવતી સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, પરંતુ યુવતીએ તે પ્રસ્તાવનો અસ્વીકાર કરતા આરોપીના મનમાં તેના ચારિત્ર્યને લઈને શંકા જન્મી હતી અને તે યુવતીથી દુરી બનાવવા લાગ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ યુવતીને એકાંતમાં વાતચીત કરવાના બહાને પોતાના એપાર્ટમેન્ટ પર બોલાવી હતી, જ્યાં તેણે યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે જાતીય હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ છે.
જેલમાં રહેવું પડશે આરોપીને
આરોપીના વકીલે દલીલ કરી હતી કે આ ઘટના ત્રણ વર્ષ જૂની છે અને તેનાથી વિદ્યાર્થીના કરિયર પર અસર પડશે. જો કે, કોર્ટે આ દલીલો નકારી કાઢતા કહ્યું, "જો તમે મીઠું ખાઓ છો તો તમારે પાણી પીવું જ પડશે. તેને જેલમાં રહેવા દો." હાલ આરોપી 5 એપ્રિલથી ન્યાયિક કસ્ટડીમાં છે અને હવે આ કેસની આગામી સુનાવણી 8 જૂને હાથ ધરાશે.
આ પણ વાંચો: સેક્સ વર્કર્સ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, સ્વેચ્છાએ દેહવ્યાપાર ગુનો નથી!


